ઓવરસોથી મીનાકુમારીની બાયોપિક બનાવવા વિશે વાતો થયા બાદ હવે એ દિશામાં નક્કર કામ શરૂ થયું છે. ફિલ્મમેકર સિદ્ધાર્થ પી. મલ્હોત્રા ટ્રેજેડી ક્વિનની બાયોપિક માટે તડામાર તૈયારી કરી રહ્યા છે. એ મૂવી ક્યારે બનશે અને રિલીઝ થશે એ તો રામ જાણે, પરંતુ આજકાલ મ્યુઝિકલ બ્રોડવે પ્લે 'કનીજ' ખાસ્સો ચર્ચામાં છે. આ પ્લે મીનાકુમારીને શ્રદ્ધાંજલિ આપવા ભજવાય છે. તેમાં ટીવી સીરિયલો અને ફિલ્મોનો એક્ટર સિદ્ધાર્થ નિગમ મહત્ત્વનો રોલ કરી રહ્યો છે. 'અલાદ્દીન', 'ચક્રવર્તી સમ્રાટ અશોક' અને 'ઝલક દિખલા જા' જેવા ટીવી શોઝ કરનાર સિદ્ધાર્થે સલમાન ખાન સાથે 'કિસી કા ભાઈ, કિસી કી જાન' નામની જેવી બિગ બજેટ ફિલ્મ પણ કરી છે. એ ઉપરાંત ૨૫ વરસનો હેન્ડસમ એક્ટર નેશનલ લેવલનો જિમ્નેસ્ટ પણ રહ્યો છે.
તાજેતરમાં પોતાના મ્યુઝિકલ બ્રોડવે પ્લેના પ્રમોશનરૂપે સિદ્ધાર્થ નિગમે મુંબઈના મીડિયા સાથે વાતચીત કરી હતી. પ્રયાગરાજ (અલ્હાબાદ)માં જન્મેલા અને ઉછરેલા એક્ટરે બહુ નાની વયે પિતાની છત્રછાયા ગુમાવી દીધી. એટલે નાનપણમાં જ એણે જીવનની કઠોર વાસ્તવિકતાનો સામનો કરવાનો આવ્યો. પત્રકારોના એક પ્રશ્નના જવાબમાં એ મુશ્કેલ દોરને યાદ કરતા સિદ્ધાર્થ કહે છે, 'પિતાજીના નિધન બાદ અમે અનેક તકલીફો વેઠી. આખા ઘરનો બોજ મારી મમ્મી પર આવી ગયો. આપણી પાસે પૈસા ન હોય ત્યારે એક નહીં, અનેક મુશ્કેલીઓ આવીને ઊભી રહે છે. જોકે એ તકલીફો તમને મજબૂત બનાવી દે છે. અમારી એ વખતે હાલત એવી હતી કે બપોરે જમ્યા પછી રાતનું ખાવાનું ક્યાંથી આવશે એની અમને ખબર નહોતી. આજે કોઈ પોઝિશન પર પહોંચ્યો છું તે મેં પીધેલા આંસુઓને આભારી છે. આજે અમે એક સરસ મજાના ફ્લેટમાં રહીએ છીએ, પરંતુ ક્યારેક બાલ્કનીમાં બેઠા હોઈએ ત્યારે પહેલાંના દિવસો યાદ આવતાં રડી પડીએ છીએ. મનમાં વિચાર આવે છે કે એક સમયે આપણી પાસે આ બાલ્કની જેવડું પણ ઘર નહોતું.'
એક્ટરને ઈમોશનલ થતો જોઈ પત્રકારોએ બીજો સવાલ પણ એમના અંગત જીવન વિશે પૂછ્યો, કે તારી-લાઈફમાં તારી મમ્મીનું શું પ્રદાન રહ્યું? સિદ્ધાર્થ જવાબમાં કહે છે, 'મમ્મી મારા માટે દરેક રીતે એક આધાર સ્થંભ બની રહી. એમણે અમને બંને ભાઈને મૂળિયાં સાથે જોડાયેલા રાખ્યા. એ કારણે અમે કદી અવળે રસ્તે ન ગયા. મમ્મી અમારી સિંગલ પેરેન્ટ હતી. ઘર ચલાવવા એણે એક નાનકડુ બ્યુટી પાર્લર ખોલ્યું. એક આઇબ્રો કરવાના એને ફક્ત ૧૦ રૂપિયા મળતા. મહિને ૫-૬ હજાર કમાવા પણ એણે આકરી મહેનત કરી પડતી. હું મમ્મીને પાર્લર ઉપરાંત જવેલરી મેકિંગમાં પણ મદદરૂપ થતો. મમ્મીના જીવનમાં અમને ભણાવવા અને સ્પોર્ટસમાં આગળ વધારવા સિવાય બીજુ કોઈ ધ્યેય નહોતું. પપ્પાના અવસાન બાદ એ ધારત તો બીજાં લગ્ન કરી સુખેથી રહી શકી હોત. પરંતુ એમણે ફક્ત પોતાનાં બાળકોનું હિત વિચાર્યું. મને ભણાવ્યો-ગણાવ્યો અને જિમ્નેસ્ટ બનાવ્યો. મને એની નેશનલ ઈવેન્ટમાં એક એડમાં કામ મળ્યું અને પછી 'ધૂમ-થ્રી' ફિલ્મ મળી. ત્યાર પછી પરિસ્થિતિ બદલાતી ગઈ.' પછીના પ્રશ્નમાં મીડિયા સિદ્ધાર્થને પૂછે છે કે જિમ્નેસ્ટ તરીકે તમારી જર્ની કેવી રહી? એના જવાબમાં એક્ટર ફરી હકીકત બયાન કરે છે,
'એ પણ લગીરે સહેલી સફર નહોતી. નેશનલ લેવલની ઈવેન્ટ્સમાં ભાગ લેવા બહારગામ જતો ત્યારે પ્લેટફોર્મ પર સૂઈ જતો. મારી પાસે જિમ્નાસ્ટિક ગ્રિપ્સ ખરીદવાના પણ પૈસા નહોતા. એ ખરીદવા લોકો પાસેથી માગીને ૨-૩ હજાર રૂપિયા ભેગા કરતો. એમાં ઘણીવાર કડવા વેણ સાંભળવાના આવતા. ત્યારે થતું કે પડકારોનો આ દોર તો પૂરો થવાનું નામ જ નથી લેતો.'
આ તબક્કે પત્રકારો એક્ટરને એના સંઘર્ષકાળના સૌથી ઈમોશનલ પ્રસંગ વિશે પૂછે છે. સિદ્ધાર્થ ભીની આંખે એક પ્રસંગ વાગોળે છે, 'ખાવા-પીવાના તો સાંસા હતા જ પણ એક સમયે અમારી પાસે માથું ઢાંકવા છાપરુય નહોતું. અમે સાવ રસ્તા પર આવી ગયા હતા. ત્યાર બાદ અમે એક વરસ એક એનજીઓની નાનકડી ઓરડીમાં રહ્યા. એમાં લાકડાના બોક્સ પર ગાદલું પાથરી સુતા. મને યાદ છે એ દિવસે મમ્મીનો બર્થડે હતો. હું અને મારો ભાઈ (અભિનેતા અભિષેક નિગમ) મમ્મી માટે કેક ખરીદવા માગતા હતા, પણ ખિસ્સામાં ફદીયું પણ નહોતું. એટલે અમે બંને કચરામાંથી ભંગાર વીણ્યો અને એ વેચીને કેક લઈ આવ્યા. અમે એવા દિવસો જોયા છે જ્યારે જમવાનું ઓછું હોય ત્યારે અમે દહીં-ભાતમાં વધારાનું પાણી નાખી ખાતા, જેથી પેટ ભરાઈ જાય. જિંદગીએ આવી તો અમારી ઘણી કસોટી કરી છે.'
મીડિયામાંથી એક્ટરને સમાપનમાં પ્યોરલી પ્રોફેશનલ પૃચ્છા થાય છે, 'ટીવી અને ફિલ્મ બાદ તમે હવે એક બ્રોડવે મ્યુઝિકલ 'કનીજ' કરી રહ્યા છો. એમાં તમે એક્ટર તરીકે કેટલા વિકસ્યા છો?' સિદ્ધાર્થના જવાબમાં એક ઠરેલપણું વર્તાય છે, 'સર, એક સાચો એક્ટર પોતાની કળાને સદા નિખારતો રહે છે. એ જ રીતે એ વિકસી શકે છે. 'કનીજ'નો હિસ્સો બની મેં એક્ટર તરીકે ઘણું ઈન્વેસ્ટ કર્યું છે. બીજી રીતે જોઈએ તો એ મારી એક્ટિંગ, ડિસિપ્લીન અને ડાન્સની ટ્રેનિંગ પણ છે. એને લીધે હું અભિનેતા તરીકે વધુ સક્ષમ બન્યો છું. બીજુ, મેં હાલપુરતો ટીવી શોઝમાંથી બ્રેક લીધો છે. અત્યારે હું ઓટીટીના ત્રણ પ્રોજેક્ટસમાં બિઝી છું.'


