'કસ્તુરી', 'કરમ અપના અપના', 'દો હંસો કા જોડા', 'ચિડિયા ઘર' અને હાલની સૌથી લોકપ્રિય સીરીઝ 'ભાભીજી ઘર પર હૈં'માં તેના યાદગાર રોલ માટે પ્રસિદ્ધ અભિનેત્રી શુભાંગી અત્રેમાં સમર્પણ અને અનુશાસનની ભાવના ઠાંસી ઠાંસીને ભરી છે. વર્ષો સુધી કલા માટે કાયમ અમિટ ધગશ સાથે વિરામ લીધા વિના કામ કરનાર શુભાંગી કબૂલ કરે છે કે તેણે અનેક ભૂલો પણ કરી છે. તેની સફર વ્યાવસાયિક સફળતાની હોવા ઉપરાંત અંગત વિકાસની પણ છે જેને મોટાભાગે એકસાથે બહુવિધ કાર્યોના દબાણ અને વધુ સંતુષ્ટ જીવનની ખેવનાએ આકાર આપ્યો છે.
એક નિખાલસ મુલાકાતમાં શુભાંગીએ તેના વ્યસ્ત જીવન વિશે ખુલીને વાત કરી. તેણે જણાવ્યું કે અનેક શૂટીંગ, ઘરની જવાબદારી અને પોતાના આઉટફિટ ડીઝાઈનિંગના કામ વચ્ચે પણ તે ક્યારેય વિરામ નથી લેતી. શુભાંગી કહે છે કે હું રોજ અનેક પ્રકારના કામ કરું છું. મારા મિત્રો મને ધૈર્ય રાખવાની સલાહ આપે છે, પણ વર્ષોની આદતને કારણે હું કામના બોજને સારી રીતે સંભાળી શકું છું. મને એવું લાગે છે કે તમામ કામ મારે જ કરવું જોઈએ. શુભાંગીના શબ્દોમાં અગણિત કાર્ય કરતી મહિલાઓના આંતરિક સંઘર્ષનો પડઘો પડે છે, જેઓ મક્કમતા સાથે અનેકવિધ કાર્યો પાર પાડે છે અને ક્યારેક તો એમ કરતા પોતાના સ્વાસ્થ્યનો ભોગ પણ આપે છે.
શુભાંગી બહુવિધ કાર્યોને પોતાની દિનચર્યાનો અવિભાજ્ય હિસ્સો માને છે, જે તેણે સમય જતા અપનાવી લીધો છે. શુભાંગી કબૂલ કરે છે કે ઘરની સંભાળ, વ્યાવસાયિક પ્રતિબદ્ધતા, બાહ્ય જવાબદારીઓ અને કોસ્ચ્યુમ ડીઝાઈનિંગ જેવા રચનાત્મક કાર્યો થકવી નાખનારા હોય છે, પણ અશક્ય તો નથી જ. શુભાંગી કહે છે કે આ બાબત મુશ્કેલ છે, પણ તમે જો તમારી અંદરનો ઉત્સાહ અને ધગશ જીવંત રાખો તો તમે કોઈપણ કાર્ય કરી શકો. શુભાંગીની સફળતામાં ધગશનું યોગદાન ઘણુ છે. આ એક એવું પરિબળ છે જે તેને થકાનનો અહેસાસ નથી થવા દેતું અને સતત ગતિશીલ રાખે છે.
જો કે શુભાંગી એવું પણ કબૂલ કરે છે આ સતત વ્યસ્તતાની કિંમત પણ ચૂકવવી પડે છે. શુભાંગી કહે છે કે ભાવનાત્મક અને માનસિક દબાણ મલ્ટીટાસ્કીંગની સાથે આવે છે. એમાં ક્યારેક અનિયંત્રિત ગુસ્સો આવે છે અને ધૈર્ય ગુમાવી બેસાય છે. મારી આવી બાબતો પર પણ કામ કરવું પડશે. છતાં શુભાંગી માને છે કે અસરકારક ટાઈમ મેનેજમેન્ટ સંતુલન જાળવવામાં મદદ કરે છે અને જો તમને ખરેખર કોઈ સિદ્ધિ હાંસલ કરવી હોય, તો રસ્તો મળી જ રહે છે.
શુભાંગી પોતાને એક મહત્વાકાંક્ષી મહિલા માને છે, જેને પોતાના સ્વપ્નો સાકાર કરવાની સાથે કારકિર્દીમાં નવી ઊંચાઈઓ હાંસલ કરવી છે. પણ સમય જતા, તેની ઈચ્છાઓ પણ બદલાઈ છે. વ્યાવસાયિક સિદ્ધિઓ સાથે શુભાંગી હવે કંઈક અંગત પણ ઝંખે છે, એક એવું જીવન જે પોતાની શરતે જીવવા મળે. શુભાંગી હવે લાંબો સમય માતાપિતા સાથે પસાર કરવા માગે છે, જે પળો તેણે ઉપરાઉપરી જવાબદારીને કારણે ગુમાવી હતી. શુભાંગી કહે છે કે આટલા વર્ષોથી હું મારી જવાબદારી નિભાવતી આવી છું, પણ હવે હું ખુશીને ઝંખુ છું અને મારા માતાપિતા સાથે સમય પસાર કરવા માગુ છું.
શુભાંગી હવે મનોરંજન ઉદ્યોગની બહાર પણ પોતાના હેતુ વિશે મંથન કરી રહી છે. તેને સમાજ માટે કંઈક અર્થસભર કાર્ય કરવું છે અને શાંતિમાં જડાયેલ હોય તેવી ખુશી હાંસલ કરવી છે. શુભાંગી કહે છે કે ખરી ખુશી કોને કહેવાય તેની મને ખબર નથી, પણ મને એટલી તો જાણ છે કે મારા જીવનમાં મને શાંતિ જોઈએ છે.
આંતરિક શાંતિ માટેની આ ઊંડી ખેવના છતાં શુભાંગીમાં કેમેરા માટેના પ્રેમમાં કોઈ ઓટ નથી આવી. શુભાંગી કહે છે કે હું મારા છેલ્લા શ્વાસ સુધી કામ કરતી રહીશ કારણ કે હું કેમેરાથી દૂર રહી નથી શકતી. હું અભિનય વિના જીવી ન શકું. કલા સાથે તેનો સંબંધ માત્ર વ્યાવસાયિક નથી, પણ ભાવનાત્મક અને કેટલાક અંશે આધ્યાત્મિક પણ છે.
શુભાંગી અત્રેની વાર્તા એવી મહિલા વિશે છે જે સતત કાર્યશીલ રહે છે, તે મહત્વાકાંક્ષી હોવા છતાં શાંતિ માટે ઝંખતી રહે છે, સમર્પિત હોવા સાથે સ્વ-સંભાળની કાળજી રાખે છે. તેની આગળની સફર ધગશ અને શાંતિ વચ્ચે, કાર્ય અને સ્વાસ્થ્ય વચ્ચે, જવાબદારી અને આત્મપોષણ વચ્ચે નવું સંતુલન સ્થાપવા તૈયાર છે.


