Get The App

શ્રૃતિ હાસન સંગીત વિના જીવન સુનું

Updated: Aug 22nd, 2025

GS TEAM

Google News
Google News
શ્રૃતિ હાસન સંગીત વિના જીવન સુનું 1 - image


- થોડાં મહિનાઓ પછી તે આયખાના ચાળીસમા વર્ષમાં પ્રવેશશે. પણ તેને પોતાની યુવાની હાથતાળી આપતી હોવાનું નથી લાગતું. અદાકારા પોતાની વધતી જતી વયને હોંશભેર, ગર્વભેર આવકારે છે.  

કોઈ સામાન્ય સ્ત્રી પણ ચાળીસીના આરે પહોંચે અને તેના ચહેરા પર પાકટ થતી જતી વયની નિશાનીઓ દેખાવા લાગે એટલે તે ચિંતામાં પડી જાય, તેને પોતાની યુવાની હાથમાંથી સરી જતી લાગે. પરંતુ ગ્લેમર વર્લ્ડ સાથે સંકળાયેલી હોવા છતાં અભિનેત્રી-ગાયિકા શ્રૃતિ હાસનને આવી ચિંતા નથી સતાવતી. થોડાં મહિનાઓ પછી તે આયખાના ચાળીસમા વર્ષમાં પ્રવેશશે. પણ તેને પોતાની યુવાની હાથતાળી આપતી હોવાનું નથી લાગતું. અદાકારા પોતાની વધતી જતી વયને હોંશભેર, ગર્વભેર આવકારે છે. તેનો આ અભિગમ શ્રૃતિની વ્યવહારુ દ્રષ્ટિ દર્શાવે છે.

અભિનેત્રી કહે છે કે તમે જે સ્થિતિ બદલી ન શકો તેને સ્વીકારી લો. અહીં જ તેનો વ્યવહારુ અભિગમ છત્તો થાય છે. આયખાના આ વર્ષો દરમિયાન તે અનુભવે ઘડાઈ છે. તેને લાઈમલાઈટમાં રહેતાં પણ આવડે છે અને પોતાના માટે પાત્રોની પસંદગી કરતાં. તેને પોતાના વિશે થતો શોરબકોર ન સાંભળવો હોય તો ચાર ડગલાં પાછળ પણ ખસી જાણે છે અને પોતાના મનની વાત સાંભળીને નિર્ણય પણ લઈ શકે છે. તે કહે છે કે હવે હું મારા કામની પસંદગી પણ મારા અંતરાત્માનો અવાજ સાંભળીને કરું છું. આ બાબતે હું કોઈના દબાણમાં આવીને નિર્ણય નથી લેતી.

શ્રૃતિની આ વાતમાં તથ્ય પણ છે. તેના આ અભિગમને પગલે જ તે કદાચ ડિજિટલ ડિટોક્સ માટે તૈયાર થઈ હશે. અદાકારા કહે છે કે મને એટેચમેન્ટ કે ડિટેચમેન્ટ જેવા શબ્દોથી કોઈ લગાવ નથી. આ શબ્દો પોતાની સાથે ઘણો ભાર લઈને આવે છે. મને એમ લાગતું હતું કે મને થોડા સમય માટે સોશ્યલ મીડિયાથી દૂર રહેવાની જરૂર છે. હું લોકો સામે ભરોસાપાત્ર અને ઈમાનદાર રહેવા માગતી હતી. મને મારી બધી વાતો જાહેર કરવાનું જરૂરી નહોતું લાગતું. હું સઘળેસઘળું સોશ્યલ મીડિયા પર મૂકવા તૈયાર પણ નહોતી. મારા મતે દરેક જણે ડિજિટલ ડિટોક્સ થવું જોઈએ. દરેક દિવસમાં ઓછામાં ઓછા બે કલાક તો પોતાના ફોનથી આઘા રહેવું જ જોઈએ.

આજની તારીખમાં ટેકનોલોજીથી, ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ભાગવાનું કોઈને પોસાય તેમ નથી. સર્જનાત્મક ક્ષેત્રે એઆઈનો પગપેસારો ખાળવો અસંભવ છે. તે કહે છે કે વિવિધ ક્ષેત્રે એઆઈનો પગપેસારો તો ક્યારનોય થઈ ચૂક્યો છે. હવે તો તેનો ફેલાવો રોકવો પણ મુશ્કેલ છે. તે પોતાની તેલુગુ એન્થોલોજી 'પિત્તા કથુલુ'ના 'એક્સ-લાઈફ'માં ભજવેલા પાત્રને સંભારતા કહે છે કે તેમાં મેં દુનિયાને એઆઈ અનુસાર બદલાતી રજૂ કરી હતી. 'એક્સ-લાઈફ'માં જે બતાવવામાં આવ્યું છે તેં પરિવર્તન હું વાસ્તવિક જગતમાં ધીમી ધીમી ગતિએ પણ થઈ રહ્યું હોવાનું ભાળી રહી છું. ખરૃં કહું તો હું પોતે પણ એઆઈ બાબતે અત્યંત ઉત્સાહી છું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે આપણા જીવનમાં અનોખું સ્થાન બનાવી લીધું છે. તેને આપણે ટાળી શકીએ તેમ નથી. જોકે હું એટલું ચોક્કસ કહીશ કે એઆઈ માનવીના વિચારોની નકલ કરી શકે છે, ઇન્સાનના વિચારોમાં ભળી શકે છે, આમ છતાં તે માનવીના આત્માની નકલ કરી શકે તેમ નથી. માનવીનો આત્મા તેની મૂળ સુગંધ છે અને તેની નકલ ક્યારેય ન થઈ શકે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે શ્રૃતિ માત્ર છ વર્ષની હતી ત્યારે તેણે પહેલું ગીત ગાયું હતું. તે કહે છે કે મારા પિતાએ મને હમેશાં સહકાર આપ્યો છે. હું ફક્ત છ વર્ષની હતી ત્યારે મેં તેમની ફિલ્મ 'થેવર મગન' માટે એક ગીતને કંઠ આપ્યો હતો. અમે શૂટિંગ માટે જઈ રહ્યાં હતાં ત્યારે મેં ગાડીમાં બેસીને એ ગીત ગાવાની પ્રેક્ટિસ કરી હતી. હું મને ભાગ્યશાળી માનું છું કે મને ગાયકી ક્ષેત્રે આટલો સરસ આરંભ કરવાની તક મળી. ખરેખર તો સંગીત મારા માટે સર્વસ્વ છે. તેના વિનાના અસ્તિત્વની હું કલ્પના પણ નથી કરી શકતી.

Tags :