Get The App

શ્રિયા પિલગાંવકર : કિરદારનું ફૂટેજ નહીં, વજન મહત્ત્વનું

Updated: Sep 25th, 2025

GS TEAM

Google News
Google News
શ્રિયા પિલગાંવકર : કિરદારનું ફૂટેજ નહીં, વજન મહત્ત્વનું 1 - image

- 'મારા પિતા સાથે જે થયું તે અત્યંત દુ:ખદ હતું. પરંતુ મોટાભાગના કલાકારો ટ્રોલરો પ્રત્યે જાડી ચામડીના થઈ જતાં હોય છે. ટ્રોલરો કામ વગરના બેકાર લોકો હોય છે તેથી તેઓ કલાકારોને નિશાન બનાવ્યા કરે છે...'

તાજેતરમાં રજૂ થયેલી વેબ સીરિઝ 'મંડલા મર્ડર્સ'માં 'રુકિમણી ભારદ્વાજ'ની પ્રભાવશાળી ભૂમિકા ભજવનાર અભિનેત્રી શ્રિયા પિલગાંવકરે અત્યાર સુધી ઘણી વેબ સીરિઝોમાં કામ કર્યું છે. જોકે 'મંડલા મર્ડર્સ'નો તેનો રોલ મર્યાદિત હતો, આમ છતાં તેણે આ શોમાં કામ કરવાનું સ્વીકાર્યું ત્યારે તેના પ્રશંસકોને આશ્ચર્ય થયું હતું. પરંતુ શ્રિયા કહે છે કે હું નોખું વ્યક્તિત્વ અને અનોખો દેખાવ ધરાવતું કિરદાર તલાશી રહી હતી તે વખતે જ મને આ ભૂમિકાની ઑફર આવી. આ સીરિઝના સર્જક ગોપી પુથરણે તેને માટે મારો વિચાર કર્યો એ જ મારા માટે મોટી વાત હતી. 'રુકિમણી' બહારથી જેવી દેખાય છે, વાસ્તવમાં તેનાથી તદ્દન અલગ છે. હું જાણતી હતી કે તેમાં મને મર્યાદિત ફૂટેજ મળશે. સંખ્યાબંધ સીરિઝોમાં મુખ્ય ભૂમિકા ભજવ્યા પછી મહેમાન કલાકાર તરીકે કામ કરવું જોખમી પણ લાગ્યું હતું. પરંતુ આ રોલ એટલો પ્રભાવશાળી હતો કે હું તે સ્વીકાર્યા વિના ન રહી શકી. તે બહારથી નકારાત્મક હોવા છતાં તેનું મન ભક્તિભાવથી છલકાતું હતું તે મને ગમ્યું. 'રુકિમણી' પહેલા ભાગ પછી સીધી સાતમા ભાગમાં દેખાય છે. આ સમય દરમિયાન દર્શકો તેને વિસરી ન જાય તે પણ મારા માટે મોટો પડકાર હતો. આ પડકાર ઝીલવા સાથે મેં આ કિરદાર અદા કર્યું ત્યારે મને ખાતરી થઈ કે તમારા પાત્રની લંબાઈ નહીં, તેનું વજન કેટલું પડે છે તે મહત્વનું છે. વળી 'ફેન'માં કામ કર્યા પછી ૧૦ વર્ષે મને યશરાજ બેનર હેઠળ કામ કરવાની તક મળી.

આજની તારીખમાં લગભગ બધા જ કલાકારોને એ વાતની ચિંતા સતાવતી હોય છે કે જો તેઓ સતત દર્શકોની નજર સમક્ષ નહીં રહે તો તેઓ તેમને વિસરી જશે. તેને કારણે તેઓ મોટાભાગે વધારે પડતાં પ્રયાસોમાં રત રહે છે. પરંતુ શ્રિયા તેમાં પણ મર્યાદા જાળવી જાણે છે. અભિનેત્રી કહે છે કે કામ માટે દર્શકો સમક્ષ જવું એ જુદી વાત છે. પરંતુ હું પ્રોજેક્ટનું પ્રમોશન પૂરું થતાં જ તેનાથી અળગી થઈ જાઉં છું. મારા મતે સતત દેખાતા રહેવાથી પણ કલાકારનો ચાર્મ ઝંખવાઈ જાય. તે વધુમાં કહે છે કે આજે બધા કલાકારો સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોના સંપર્કમાં રહે છે, તે સમયની માગ પણ છે. હું પણ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરું છું. પરંતુ સમજીવિચારીને. હા, લોકોની નજરમાં રહેવા હું ફિલ્મી પાર્ટીઓમાં જવાનું પસંદ નથી કરતી. આ રીતે સમય વેડફવા કરતાં હું એ સમયનો ઉપયોગ રિચાર્જ થવામાં કરું છું. કલાકારો માટે તે અત્યાવશ્યક છે એમ મારું માનવું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રિયાના પિતા અને લોકપ્રિય અભિનેતા સચિન પિલગાંવકરને સોશ્યલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવ્યાં હતાં. તો શું પીઢ પિતાને થયેલા અનુભવ પછી શ્રિયા સોશ્યલ મીડિયા પ્રત્યે સાવધાન થઈ ગઈ છે? આના જવાબમાં અદાકારા કહે છે કે મારા પિતા સાથે જે થયું તે અત્યંત દુ:ખદ હતું. પરંતુ મોટાભાગના કલાકારો ટ્રોલરો પ્રત્યે જાડી ચામડીના થઈ જતાં હોય છે. તેમને સારી રીતે જાણ હોય છે કે તેમને કાંઈ કામ નથી હોતું તેથી તેઓ કલાકારોને નિશાન બનાવ્યા કરે છે. પોતાના સ્વાર્થ માટે તેઓ કોઈપણ હદ સુધી જઈ શકે છે. પરંતુ મારા પિતાને તેમના દર્શકો જેટલો પ્રેમ આપે છે તેની સામે આવા ટ્રોલરો તો સાવ વામણાં ગણાય.

વેબ સીરિઝોમાં પુષ્કળ કામ કર્યા પછી શ્રિયાને હવે ફિલ્મોમાં વધારે કામ કરવું છે. તે કહે છે કે હવે હું ૭૦ એમએમના પડદા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છું. હમણાં મારા હાથમાં બે ફિલ્મો છે. ટૂંક સમયમાં જ તેના વિશે ઘોષણા થશે. મને વેગવેગળા પ્રકારના કિરદાર અદા કરવા છે તેથી હું પાત્રોની પસંદગી બાબતે સાવધાન રહું છું.