Get The App

શ્રિયા પિલગાંવકર : નવી તકો જોઈતી હોય તો વા મલ્ટી- ટેલેન્ટેડ થવું પડશે

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
શ્રિયા પિલગાંવકર : નવી તકો જોઈતી હોય તો વા મલ્ટી- ટેલેન્ટેડ થવું પડશે 1 - image

- અભિનેત્રી માતાપિતાની જેમ આજીવન વિદ્યાર્થિની બની રહેવા માગે છે

'મિર્ઝાપુર', 'ધ બ્રોકન ન્યુઝ', 'તાજા ખબર' જેવા પ્રોજેક્ટ દ્વારા અભિનેત્રી શ્રિયા પિલગાંવકરે પોતાની અભિનય ક્ષમતાનો પરચો બતાવ્યો. પણ રખે એમ માની લેતાં કે શ્રિયા માત્ર અભિનય કરી જાણે છે. વાસ્તવમાં તે બહુમખી પ્રતિભા ધરાવે છે. અને તે પણ છેક વિદ્યાર્થી કાળથી.

તાજેતરમાં અદાકારાએ કહ્યું હતું કે મેં અન્ય ભાષાઓ શાળાના સમય દરમિયાન જ શીખી લીધી હતી. જોકે હવે એ ભાષાઓ બોલાવાનો મહાવરો નથી રહ્યો, પરંતુ એક કલાકાર તરીકે હું હમેશાં કાંઈક નવું નવું શીખવા તત્પર રહી છું. અલબત્ત, નાનપણમાં મને ખાતરી નહોતી કે હું અભિનય ક્ષેત્રે આવીશ. પણ મેં મારાં માતાપિતા (સચિન અને સુપ્રિયા પિલગાંવકર)ને કાયમ કાંઈક નવું નવું શીખતા, પોતાની કળાને અજવાળતા જોયા હતા. સ્વાભાવિક રીતે જ હું પણ તેમની પાસેથી પ્રેરણા લેતી રહી. મેં મારા અભ્યાસ સાથે નૃત્ય, સિંગિંગ, થિયેટર કરવા સાથે લેખન પણ કરતી રહી હતી. જોકે શ્રિયા એમ કહેવાનું પણ નથી ચૂકતી કે અભિનય ક્ષેત્રે આવ્યા પછી આ બધી કળાઓ પ્રત્યે ધ્યાન આપવાનો સમય નથી મળતો. તે વધુમાં કહે છે કે આપણે જેમ યોગાભ્યાસ કરીને શરીરને મજબૂત બનાવીએ છીએ તેવી જ રીતે કલાકાર તરીકે પોતાની ટેલેન્ટ પર કામ કરતાં રહેવું, કળાને માંજતા રહેવું આવશ્યક છે. જો કલાકારો અન્ય ભાષાઓ શીખે અને તેમાં વાતચીત કરવાની લઢણ કેળવે તો તેમના માટે મબલખ તકો ઊભી થાય કે ન થાય, પરંતુ એકાદ-બે મોકા મળે તો તે જતાં કરવાની નોબત ન આવે. અદાકારા ઉમેરે છે કે મેં મારી કારકિર્દીમાં ફિલ્મો, વેબ સિરીઝો તેમજ અન્ય માધ્યમો વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કર્યો છે. હું મારી બહુમુખી પ્રતિભા દ્વારા કોઈ એક દાયરામાં બંધાઈ રહેવાથી દૂર રહેવા માગું છું.

છેલ્લે 'હાથી મેરે સાથી' થિયેટરમાં જોવા મળેલી અભિનેત્રી શ્રિયા પિલગાંવકર હમણાં હમણાં બહુ ખુશ છે. અને કેમ ન હોય? તે પાંચ વર્ષના અંતરાલ પછી રૂપેરી પડદે પરત ફરી રહી છે. આ વર્ષમાં તેની અક્ષયકુમાર અને સૈફ અલી ખાન સાથેની પ્રિયદર્શનના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ 'હૈવાન' રજૂ થવાની છે.

અભિનેત્રી કહે છે કે તમે જે ફિલ્મ સર્જક અને કલાકારોની ફિલ્મો જોઈને મોટા થયાં હો તેમની સાથે કામ કરવા મળે ત્યારે તમારી ખુશીનો પાર ન હોય. મને આ સિનેમાના કલાકાર-કસબીઓ સાથે કામ કરવાની બહુ મઝા આવી. મારી બોલિવુડ કારકિર્દી વર્ષ ૨૦૧૬માં 'ફેન' સાથે શરૂ થઈ હતી. એ ફિલ્મમાં મને શાહરુખ ખાન જેવા દિગ્ગજ કલાકાર સાથે કામ કરવાની તક મળી હતી. અને એક દશક પછી મને અન્ય બે ટોચના અભિનેતાઓ અક્ષયકુમાર અને સૈફ અલી ખાન સાથે કામ કરવા મળ્યું.

અભિનેત્રી ઉમેરે છે કે હવે હું મારું ધ્યાન માત્ર ફિલ્મો પર જ કેન્દ્રિત કરવા માગું છું. મેં આ વર્ષના આરંભમાં જ મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાનું નક્કી કર્યું છે. હું ઓટીટીની જેટલી પ્રશંસા કરું એટલી ઓછી છે. આ માધ્યમે મને મોટી ઓળખ આપી છે એ  વાતમાં બેમત નથી, પરંતુ હું કોઈ એક જ માધ્યમમાં જકડાઈને રહેવા નથી માગતી. શ્રિયા ઉમેરે છે કે હું હમેશાંથી રૂપેરી પડદે કામ કરવા માગતી હતી, પરંતુ મને અહીં ધાર્યા પ્રમાણે તક ન મળી અને મોકો મળ્યો તોય તે આગળ ન વધ્યો. ઘણી વખત આપણા જીવનમાં નસીબ અને સમય મહત્ત્વનો ભાગ ભજવે છે. તેથી જ કહેવાતું હશે કે જ્યારે જે થવાનું હોય ત્યારે તે થઈને રહે. આમ છતાં હું મારા પ્રયાસોમાં કચાશ રાખવા નથી માગતી.