વ્યક્તિ પોતાના પહેલા પ્રેમને કદી ભૂલતી નથી. એ જ રીતે, એક્ટર માટે એની પહેલી ફિલ્મ ચિરસ્મરણીય બની રહે છે. ફિલ્મમેકર નાગેશ કુકનુરની મૂવી 'ઇકબાલ' (૨૦૦૫)ની રિલિઝને હમણાં બે દાયકા પૂરા થયા ત્યારે એના લીડ એક્ટર શ્રેયસ તળપદેએ ભાવુક થઈને પોતાની ડેબ્યુ ફિલ્મ સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા. શ્રેયસ એને પોતાના કરિયરનો ટર્નિંગ પોઇન્ટ ગણે છે. ઇકબાલે બોલીવૂડમાં સ્પોર્ટ્સ ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ કર્યો એમ કહીએ તો એમાં અતિશયોક્તિ નથી.
તળપદેએ ઇકબાલ માટે ઓડિશન આપ્યું ત્યારે એ થિયેટર અને ટીવી શોઝ કરતો હતો. 'મને ઓડિશન આપતી વખતે કોઈ આઇડિયા નહોતો કે એ લીડ રોલ માટે છે. મને એમ કે ફિલ્મમાં મારો નાનકડો રોલ હશે. એકવાર ફિલ્મનું કામ શરૂ થયા બાદ મને એની જાણ થઈ ત્યારે મારા માન્યામાં નહોતું આવતું. પછી તો મનમાં એક જ વાત રમતી કે આ મારા માટે એક મોટી તક છે અને હું એ જવા ન દઈ શકું,' એ બધું શ્રેયસને હજુ યાદ છે.
કોઈને ત્યાગ આપ્યા વિના અને પડકારો ઝીલ્યા વિના કશું મળતું નથી. તળપદેભાઉ માટે પણ એ વાત સાચી હતી. 'તમે કદાચ નહિ માનો પણ શુટિંગ શરૂ થયાના એક દિવસ પહેલા જ મારા મેરેજ થયા હતા. બીજા દિવસે સવારે તો હું ટ્રેનિંગ માટે ફ્લાઇટ પકડી હૈદરાબાદે પહોંચી ગયો. હનીમુન કેવું ને વાત કેવી!' એમ કહી ૪૯ વરસનો એકક્ટર હસી પડે છે. ઈકબાલના રોલ માટે શ્રેયસે ક્રિકેટ રમવાની, ભેંસ દોવાની અને સાઇન લેંગ્વેજની ટ્રેનિંગ લીધી હતી. એટલા માટે કે એણે ફિલ્મમાં ગામડાંના બહેરા-મૂંગા ક્રિકેટરનો રોલ કરવાનો હતો. ઇકબાલના ક્લાઈમેક્સનું શુટિંગ કરતી વેળાએ તળપદેની પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. 'પરંતુ મેં એને ગણકાર્યા વિના ફરી ફરી શોટ આપ્યા કર્યા કારણ કે હું જાણતો હતો કે એ સીન કેટલો અગત્યનો હતો. સદભાગ્યે ઘૂંટીમાં ફ્રેક્ચર નહોતો. ફક્ત પગ મરડાઈ ગયો હતો,' એ ઘટનાક્રમ એક્ટરના મગજમાં આજેય તાજો છે.
ફિલ્મનો હીરો ઇકબાલ નાનપણથી ટીમ ઇન્ડિયા માટે રમવાના સપના જોતા હોય છે, જેમાં એને એક રિટાયર્ડ ક્રિકેટર (નસીરુદ્દીન શાહ) મદદ કરે છે. 'નાગેશ (ફિલ્મના ડિરેક્ટર) હંમેશા કહેતા કે આ માત્ર એક સ્પોર્ટ્સ ફિલ્મ નથી પરંતુ એક ભલાભોળા છોકરાના સપનાની સ્ટોરી છે. એને લીધે જ ફિલ્મ ઘણા બધા લોકોને અપીલ કરી ગઈ અને સારો બિઝનેસ કર્યો.
મારી તો આ મૂવીએ લાઈફ જ બદલી નાખી,' એમ શ્રેયસ પોતાના સંસ્મરણોના સમાપનમાં કહે છે.


