Get The App

શોલે: પચાસ-પચાસ વર્ષ પછી પણ નોટ-આઉટ!

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
શોલે: પચાસ-પચાસ વર્ષ પછી પણ નોટ-આઉટ! 1 - image


- આ ફિલ્મનું મૂળ નામ 'અંગારે' હતું તે તમે જાણો છો? આ એક એવી ફિલ્મ છે, જેનું મેકિંગ યા તો પડદા પાછળની કહાણીઓ પણ ફિલ્મ જેટલાં જ ઇન્ટરેસ્ટિંગ છે...  

કોઈ ફિલ્મ યાદગાર ક્યારે બને? જ્યારે, તે આપણને કંઈક આપીને જાય. પછી તે વિચાર હોય, મનોરંજન હોય કે ગીતો હોય કે તેના ડાયલોગ્સ. આજથી પચાસ વર્ષ પહેલા આવી જ એક ફિલ્મ આવી. ડાયલોગબાજીમાં તેની 'પચાસ-પચાસ કોસ દૂર' સુધી કોઈ ફિલ્મ જ નહીં. હવે, ચાર-પાંચ ડાયલોગ હોય તો ઠીક. આ ફિલ્મમાં તો ડાયલોગ્સ પણ પચાસ-પચાસ... એક કેરેક્ટરના ડાયલોગ્સ હોય તો પણ ઠીક. પણ આમાં તો દરેક પાસે ડાયલોગનું હથિયાર, ભલેને પછી રોલ બે મિનિટનો જ કેમ ના હોય. હવે તમને કહીએ કે, 'યહાં સે પચાસ-પચાસ કોસ દૂર ગાંવ મેં, જબ બચ્ચા રાત કો રોતા હૈ...તો મા કહેતી હૈ...બેટા સોજા નહીં તો...'તમને ખબર છે ને કંઈ મૂવીનો ડાયલોગ છે આ!

આ એક ડાયલોગ જ એટલી હદે પાવરફૂલ છે કે, અન્ય કોઈ મૂવીમાં હોત તો પણ તમને યાદ હોત, પરંતુ, આ મૂવીમાં તો આવા ડાયલોગ્સનું લાંબુલચક લિસ્ટ. 'કિતને આદમી થે?' , 'હોલી કબ હૈ, કબ હૈ હોલી..?', 'હમ અંગ્રેઝો કે ઝમાને કે જેલર હૈ..', 'ઈતના સન્નાટા ક્યું હૈ ભાઈ?', 'એક એક કો ચૂન ચૂન કે મારુંગા...ચૂન ચૂન કૈ મારુંગા....', 'ક્યાં સમજકર આયે થે કિ સરકાર ખુશ હોગા? શાબાશી દેગા?'. 'અરે ઓ સાંભા...કિતના ઈનામ રખા હૈ રે સરકાર હમ પર?' 'વેન આઈ ડેડ..પોલીસ કમિંગ..પોલીસ કમિંગ..બુઢિયા ગોઈંગ જેલ..ઈન જેલ બુઢિયા ચક્કી પિસિંગ એન્ડ પિસિંગ એન્ડ પિસિંગ..એન્ડ પિસિંગ..''સાબ..મેને આપકા નમક ખાયા હૈ...','જબ તક તેરે પૈર ચલેન્ગે તબ તક ઉસકી સાંસે ચલેગી..','યું કિ..યે કૌન બોલા?', 'યે હાથ નહીં ફાંસી કા ફંદા હૈ....', 'લોહા ગરમ હૈ માર દો હથોડા...', 'આધે ઉધર જાઓ...આધે ઉધર જાઓ ઔર બાકી હમારે સાથ આઓ....', 'ઈસ કી સઝા મિલેગી...બરાબર મિલેગી...', 'તેરા ક્યાં હોગા કાલિયા...', 'તુમ્હારા નામ ક્યાં હૈ બસંતી?',  'છે ગોલી ઓર આદમી તીન..બહુત નાઈન્સાફી હૈ...', 'જો ડર ગયા સમજો મર ગયા....', 'બહુત યારાના લગતા હૈ....', 'યે હાથ હમકો દે દે ઠાકુર..'

જે સમયે લેખકો ડાયલોગબાજીમાં પાંચસો પંચાવનનો બોમ્બ ફોડીને આનંદ લેતા ત્યારે, 'શોલે'માં આ સંવાદો સાથે સલીમ-જાવેદની જોડીએ જાણે ૫,૦૦૦ની લૂમ ફોડી હતી. તેમણે પાત્રોને એટલી હદ સુધી જીવંત કરી દીધા કે, આજ દિન સુધી કોલેજની કોઈ એવી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન નહીં હોય કે જેમાં, તમને કોઈ ડ્રેસવાલાને ત્યાંથી તૈયાર થઈને આવેલો પ્લાસ્ટિકની ગનવાળો ગબ્બર કે પછી પપ્પાના સફેદ ઝભ્ભામાં હાથ છૂપાવીને આવેલો ઠાકુર જોવા ન મળ્યો હોય. આ વાત થઈ ફિલ્મના એ ભાગની કે જે આજ સુધી જીવંત છે. જ્યારે, શોલે ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫ના રોજ રિલીઝ થઈ તે પછીનો ઠાઠ કંઈક અલગ જ હતો. જય-વીરુ જેવા જ કપડાં પહેરીને સાઈડકારમાં 'યે દોસ્તી હમ નહીં તોડેંગે...'ગાતા મિત્રો અને બસંતીની જેમ બકબક કરતી બહેનપણીઓ ખૂબ જોવા મળતી.

અંગારેમાંથી શોલે

ફિલ્મની રિલીઝ પછીની કહાણી જેટલી જ રસપ્રદ તેની મેકિંગની કહાણી છે. આ અઢી વર્ષના સમયગાળા દરમિયાન તે 'અંગારે'માંથી 'શોલે' બની હતી. હા, તમે બરાબર વાંચ્યું. આ ફિલ્મનું નામ પહેલા 'અંગારે' નક્કી કરવામાં આવ્યું હતું. આ તો પછી સલીમ-જાવેદના ઝોલામાંથી 'શોલે' નીકળ્યું. ઝોલા પરથી યાદ આવ્યું આ ફિલ્મની સ્ક્રીપ્ટને ઝોલા.. આઈ મીન.. બેગમાં રાખવામાં આવતી હતી. મેકર્સને ડર હતો કે, સ્ટોરી  લીક થઈ જશે તો પછી મજા નહીં રહે. ફિલ્મમાં જય-વીરુની જોડી જેટલી ખાસ છે તેના કરતાં ખાસ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે સલીમ-જાવેદની જોડી છે. આ જોડી પહેલા લેખકોને તો જાણે ચણા-મમરા જ ગણવામાં આવતા હતાં. સલીમ-જાવેદ જ પડદા પાછળ રહેતા લેખકોને મેઈન-સ્ટ્રીમમાં લાવ્યા હતા. તેમણે જાણે કહ્યું કે, દરેક આર્ટને સન્માન જરૂરી છે એટલે, લેખકોને પૈસા અને નામ બંને મળવા જોઈએ.

પ્રોડયુસરે જ્યારે ફિલ્મના કેટલાક ડાયલોગ ચેન્જ કરવા તેમને કહ્યું હતું પરંતુ, તેમણે ધરાર ના પાડી દીધી હતી. આ જીદને કારણે જ કદાચ ફિલ્મ આજે પણ આટલી પોપ્યુલર છે. હા, એ વાત અલગ કે, સલીમ-જાવેદ ઈચ્છતા હતાં કે, ફિલ્મના એન્ડમાં જયનું મોત ન થાય. બીજી તરફ, પ્રોડયુસરનો વિચાર હતો કે, આ એન્ડિંગ જ જય-વીરુની યારીને ઈમોશનલ એન્ગલ આપશે. તેમનો નિર્ણય સાચો રહ્યો. બંને બાજુ હેડ વાળો સિક્કો, સાઈડ-કારની સવારી અને 'યે દોસ્તી હમ નહીં તોડેગેં..' અમર થઈ ગયા.

ગબ્બર માટે ગડમથલ

આજે આપણે ભલે કહેતા કે, અમજદ ખાન એટલે ગબ્બર અને ગબ્બર એટલે અમજદ ખાન. પરંતુ, ગબ્બર માટે તેઓ પહેલી પસંદ નહતાં. ગબ્બરના રોલ માટે ડેની ડેન્ઝોંગપાની પસંદગી કરી લેવામાં આવી હતી. આ તો ડેની ફિરોઝ ખાનની ફિલ્મ 'ધર્માત્મા'ના શૂટિંગમાં બિઝી હતાં એટલે અમજદ ખાનનો ચાન્સ લાગ્યો. અમજદ ખાન તેમની ડાયલોગ ડિલીવરી માટે જાણીતા છે ત્યારે નિર્માતાઓને તેમનો અવાજ તીણો લાગતો હતો. તેમણે તો ગબ્બરના અવાજને ડબ કરવાની તૈયારીઓ પણ કરી લીધી હતી. છેવટે, સલીમ-જાવેદે તેમને મનાવ્યા હતા. અમજદ ખાન તેમના વિશ્વાસ પર ખરા ઉતર્યા હતા. તેમણે ચંબલના ડાકૂઓ પર લખવામાં આવેલી બૂક 'અભિષપ્ત ચંબલ' વાંચીને રોલની તૈયારીઓ કરી હતી. ચોંકાવનારી વાત એ છે કે, આ ફિલ્મ માટે અમજદ ખાનને એવોર્ડ મળ્યો નહતો. પરંતુ, શોલેએ તેમને રાતોરાત સ્ટાર બનાવી દીધા હતા.

જય માટે ઓળખાણ

અમિતાભ બચ્ચન કોઈની ઓળખાણની મોહતાજ નથી તેવું આજે આપણે કહીએ છીએ. દરેક વ્યક્તિની એક શરૂઆત હોય, સંઘર્ષ હોય તેમ અમિતાભનો પણ હતો. જયના રોલ માટે તેમણે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. તેમણે આપેલી અનેક ઓળખાણ છેવટે જોર કરી ગઈ અને અમિતાભ જય તરીકે જોવા મળ્યા. બાકી ધર્મેન્દ્રએ ભાઈ અજિતને જય બનાવવા માટે દબાણ કર્યું હતું.

બસંતી પાછળ લટ્ટુ વીરુ

હીરો ફિલ્મની હીરોઈન પાછળ લટ્ટુ હોય તેમાં કોઈ નવાઈ નથી. પણ આ તો ધર્મેન્દ્ર. પહેલીવાર સ્ક્રીપ્ટ સાંભળીને તેમને ઠાકુરનો રોલ પસંદ આવ્યો હતો. જ્યારે, રમેશ સિપ્પીએ મજાકમાં કહ્યું કે, તો સંજીવકુમાર હેમાને લઈ જશે. ત્યાં તરત જ વીરુના રોલ માટે તેમણે હા પાડી દીધી હતી. કહેવાય છે કે, પાણીની ટાંકીના સીન માટે તેમણે સાચેમાં જ રમના શોટ્સ 'ઓન ધ રોક્સ' ગટગટાવ્યા હતા. બાકી બધુ તો ઈતિહાસ છે. ચાર બાળકોના પિતા ધર્મેન્દ્રએ છેવટે ધર્મ બદલીને હેમા સાથે લગ્ન કર્યાં હતાં. 

પિતા-પુત્રની જોડી

આ ફિલ્મ માટે જોડીઓ ખાસ રહી હતી. તે પછી સલીમ-જાવેદ હોય, જય-વીરુ હોય કે પછી ધર્મેન્દ્ર-હેમા. આ જોડીઓ સિવાય પણ એક જોડી ખાસ હતી એ હતી પ્રોડયુસર પિતા જી.પી. સિપ્પી અને ડિરેક્ટર પુત્ર રમેશ સિપ્પીની જોડી. શોલે દરમિયાન રમેશ સિપ્પી માત્ર ૨૭ વર્ષના હતા. પરતુ. પિતાએ પૂર્ણ વિશ્વાસ મૂક્યો હતો. આ પહેલા 'અંદાઝ' અને 'સીતા ઔર ગીતા' ડિરેક્ટર કરી ચૂકેલા રમેશ સિપ્પી આ ફિલ્મમાં કોઈ કચાશ રાખવા નહોતા માંગતા. તેમણે સર્જિયો લિઓનની 'સ્પેગેટી વેસ્ટર્ન' સ્ટાઈલથી પ્રભાવિત થઈને કરી તેનું ભારતીય વર્ઝન બનાવવાનું નક્કી કર્યું હતું. બેંગલુરુની નજીક રામગઢ તૈયાર કરવામાં આવ્યું હતું. પરફેક્શનના એટલા આગ્રહી કે, સારી લાઈટિંગ માટે દિવસો સુધી રાહ જોતા હતા. ટ્રેનમાં લૂંટના સીન પાછળ તેમણે એક ફિલ્મના બજેટથી પણ વધારે રૂ. ૨૫ લાખનો ખર્ચ કર્યો હતો.

એક ડાયલોગની કિંમત

'ઓમ શાંતિ ઓમ' ફિલ્મમાં ડાયલોગ હતો કે, 'એક ચૂટકી સિંદૂર કી કિંમત તુમ ક્યાં જાનો રમેશબાબુ...?' આ ડાયલોગ ગજબનો ફેમસ થયો હતો. મેકમોહન માટે સિંદૂર તો નહીં પણ એક ડાયલોગની કિંમત હતી. 'શોલે'માં તેમને નાનકડા રોલમાં ખાલી એક જ ડાયલોગ મળ્યો પણ આખી જિંદગીની ઓળખ તેમાં સમાઈ ગઈ. તેઓ મુંબઈથી ૨૦થી વધુ વખત બેંગલુરુ શૂટિંગ માટે ગયા હતા. એડિટ કરતાં કરતાં રમેશ સિપ્પીએ તેમનો ત્રણ શબ્દનો એક જ ડાયલોગ રાખ્યો. 'પૂરે પચાસ હઝાર...'પહેલા તો એ જોઈને નિરાશ થયા કે આટલી મહેનત કરી પણ એળે ગઈ. પરંતુ, આ ફક્ત ત્રણ તો ત્રણ પણ સલીમ-જાવેદના શબ્દો હતા. પચાસથી વધુ ફિલ્મોમાં કામ કરનાર મેક મોહન આજે પણ આ ડાયલોગના કારણે જ ઓળખાય છે.

કોને કેટલા મળ્યાં

શોલે માટે રૂ. ૧ કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ, બનતા બનતા ત્રણ કરોડ કયારે ખર્ચાઈ ગયા ખબર ન રહી. સિત્તેરના દાયકામાં તે રકમ ખૂબ મોટી હતી. આ ફિલ્મ માટે 'વીરુ' ધર્મેન્દ્રની ફી સૌથી વધારે હતી. તેમને રૂ. ૧.૫ લાખ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ, નંબર આવ્યો હતો 'ઠાકુર'નો સંજીવકુમારને રૂ. ૧.૨૫ લાખ મળ્યા હતા. જ્યારે, 'જય' અમિતાભ બચ્ચનને રૂ. ૧ લાખ ચૂકવવામાં આવ્યા હતા. 'બસંતી'નો રોલ નિભાવનાર હેમા માલિનીએ ફિલ્મથી રૂ. ૭૫,૦૦૦ની કમાણી કરી હતી. જ્યારે, 'પચાસ પચાસ કોસ દૂર...' ડાયલોગ મારનારા ગબ્બર સિંહે 'પચાસ' હજારથી સંતોષ કર્યો હતો. 'રાધા'નો રોલ નીભાવનાર જયા ભાદુરીને રૂ. ૩૫,૦૦૦ની ફી આપવામાં આવી હતી.

સફળતા પાછળ મિનરવા

મુંબઈના ગ્રાન્ટ રોડ પર આવેલા મિનરવા થિયેટરમાં ૧૯૪૦થી અનેક બ્લોકબ્સ્ટર ફિલ્મો રિલીઝ કરવામાં આવી હતી. પરંતુ, 'શોલે'ની વાત કંઈક અલગ હતી. મિનરવામાં ૭૦ એમએમની એડિટ કર્યા વિનાની પ્રિન્ટ રીલીઝ કરવામાં આવી હતી. અન્ય થિયેટરોમાં ફિલ્મને શરુઆતમાં સારો પ્રતિસાદ નહોતો મળ્યો. મિનરવાએ સિપ્પીએ એડિટ કર્યા વિનાની રીલ રીલિઝ કરવાની પ્રેરણા આપી હતી.

50 વર્ષ બાદ ઓરિજનલ વર્ઝન

સેન્સર બોર્ડની કાતર શોલે પર પણ ચાલી હતી. એટલી હદે કે, ફિલ્મના ક્લાઈમેક્સને બદલવાનો વારો આવ્યો હતો. ઓરિજનલ વર્ઝનમાં ઠાકુર બદલો લે છે અને ગબ્બર સિંહને મારી નાખે છે. સેન્સર બોર્ડે અહીં ઠાકુરના હાથ બાંધી દીધા હતા. ઠાકુરને તમામ નિયમોનું પાલન કરીને ગબ્બરને 'કાનૂન કે હવાલે' કરવાનું કહેવામાં આવ્યું હતું. 

ઠાકુરે પણ તેવું જ કર્યું હતું. હવે, ફિલ્મની રિલીઝના પચાસ વર્ષ પછી ઠાકુરના હાથ છૂટ્ટા થયા છે. એટલે, હવે ઓરિજનલ વર્ઝન રિલીઝ કરવામાં આવશે અને અંતે ઠાકુરનો બદલો પૂરો થશે.  

Tags :