જાણીતા ફિલ્મ સર્જક અને 'રામાયણ' ને પગલે આબાલવૃદ્ધોમાં માનીતા બનલા દિવંગત રામાનંદ સાગરના પુત્ર નિર્માતા- દિગ્દર્શક પ્રેમ સાગરનુંલાંબી માંદગી બાદ નિધન થયું ત્યારે તેમનો પુત્ર શિવસાગર ભાંગી પડયો હતો. તેણે તેના પિતાને સંભારતા કહ્યું હતું કે તેમણે રાધા અષ્ટમી અને ગણેશોત્સવના પાંચમા દિવસે આખરી શ્વાસ લીધાં. ભગવાન શ્રીરામ અને કૃષ્ણ પર પુષ્કળ કામ કરનાર એ જીવાત્માને સીધું વૈકુંઠલોકમાં જ સ્થાન મળ્યું હશે. મારા પિતા ખરા વિષ્ણુભક્ત હતાં.
શિવ સાગરે 'રામાયણ' તેમ જ 'વિક્રમ વેતાલ' નું સર્જન શી રીતે થયું તે સંભારતા કહ્યું હતું કે તેના દાદા રામાનંદ સાગર અને પિતા પ્રેમ સાગર 'રામાયણ' ને ૭૦ એમએમના પડદા પર ઉતારવાનો વિચાર કરી રહ્યાં હતાં. પરંતુ તેના દાદાને એમ લાગતું હતું કે આ મહાકાવ્ય માત્ર ત્રણ કલાકમાં શી રીતે સમેટી શકાશે? દરમિયાન મારા પિતા શૂટિંગ માટે ફ્રાન્સ ગયા હતાં. તેમણે ત્યાં પહેલી વખત ટીવી જોયું અને તેની પહોંચ પિછાણી. ટીવીનો દબદબો કેવો હોઈ શકે તે સમજ્યાં પછી 'વિક્રમ ઔર વેતાલ' નું સર્જન કરવામાં આવ્યું. જો કે તે વખતે આ શો બનાવવા માટે પૂરતું બજેટ ન હોવાથી તેનું શૂટિંગ અમારા નિવાસસ્થાન સાગર વિલાના ગેરેજમાં કરવામાં આવ્યું હતું. આ સીરિયલને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો અને તેની લોકપ્રિયતા જોયા પછી 'રામાયણ' નું સર્જન કરવામાં આવ્યું. આ પૌરાણિક ધારાવાહિક ે ઈતિહાસ રચી દીધો. શિવ સાગરે વધુમાં કહ્યું હતું કે શ્રીકૃષ્ણ વિષયક ફિલ્મ બનાવવાની તેમણે ઘોષણા પણ કરી દીધી હતી. તેમાં દિવંગત શશી કપૂરને શ્રીકૃષ્ણના કિરદાર માટે પસંદ કરી લેવામાં આવ્યાં હતાં. પરંતુ એ ફિલ્મ ક્યારેય બની જ ન શકી.
પ્રેમ સાગરની વધુ એક ખૂબી વર્ણવતાં તેમના પુત્રએ ઉમેર્યુ ંહતું કે તેઓ ગડજબના ટેક્નિશિયન હતાં. તેમણે આપણાં પુરાણોને ટેક્નિકલી સંપન્નતા સાથે રજૂ કર્યાં. તેમણે 'અલીફ લૈલા' નું દિગ્દર્શક પણ કર્યું. ધૈર્ય કેમ રાખવું એ હું તેમની પાસેથી શીખ્યો. લોકોને જોડી રાખવાની તેમની આવડત કમાલની હતી. 'રામાયણ' જેવા મહાકાવ્યએ સામાન્ય દર્શકોથી લઈને તેમાં કામ કરતાં કલાકારોની વિચારસરણી પણ બદલી નાખી હતી.
શિવ સાગર આ બાબતે એક ઉદાહરણ આપતાં કહે છે કે મારા પિતાએ મને એકવાર જણાવેલું કે 'રામાયણ'માં 'રામ'ની ભૂમિકા ભજવનાર અભિનેતા અરુણ ગોવિલ એક વખત ધૂમ્રપાન કરી રહ્યા ંહતાંત્યારે એક સ્પોટ બોયે તેમને ટોક્યાં હતાં. તેણે અરૂણ ગોવિલેને કહ્યું હતું કે હવે તમે આ દિવ્ય કિરદાર અદા કરી રહ્યાં ચો તેથી તમને ધૂમ્રપાન ન કરવું જોઈએ. અને આ અભિનેતાએ ખરેખર ધૂમ્રપાન છોડી દીધું. મારા પિતાના સેટ પર માત્ર શાકાહારી ભોજન જ આવતું.
કોરોના કાળમાં 'રામાયણ' નું પુન:પ્રસારણ શી રીતે થયું તેના વિશે શિવ સાગર કહે છે કે તે વખતે મારા પિતાને પીએમઓ ઓફિસમાંથી 'રામાયણ' નું પુન:પ્રસારણ કરવાનો પ્રસ્તાવ આવ્યો. અને તેમણે પળનોય વિચાર કર્યા વિના તેનું નિ:શુલ્ક પ્રસારણ કરવાની હા પાડી દીધી. અમે સૌ પરિવારજનો પણ તેમના આ નિર્ણય સાથે સંમંત થયા હતાં. તે વખતે અમને કલ્પના પણ નહોતી કે આ શોને ફરીથી આટલી બધી લોકપ્રિયતા મળશે. 'રામાયણ' ને બીજી વખત પણ બેહિસાબ પસંદ કરવામાં આવી. નવી પેઢીના બાળકો અને તરૂણોએ પણ તે રસપૂર્વક જોઈ. શોને પુષ્કળ વિજ્ઞાાપન પણ મળ્યાં. ત્યાર પછી 'કૃષ્ણ'નું પ્રસારણ કરવામાં આવ્યું.
જે વખતે લોકો પાસે ઘરમાં પૂરાઈ રહેવા સિવાય બીજો કેોઈ વિકલ્પ નહોતો. તે વખતે આ પૌરાણિક સીરિયલોએ તેમને શાંતિ, સાંત્વના આપવા સાથે આપણી સંસ્કૃતિ સાથે જોડયાં હતાં.


