Get The App

શિલ્પા શેટ્ટીનો મંત્ર : ભવિષ્યની બહુ ચિંતા કરવાની હોય જ નહીં... .

Updated: Jun 18th, 2026

GS TEAM

Google News
Google News
શિલ્પા શેટ્ટીનો મંત્ર : ભવિષ્યની બહુ ચિંતા કરવાની હોય જ નહીં...            . 1 - image

- 'આજનાં બાળકો અત્યંત જાગરૂક છે. એમની પાસે માહિતીનો ભંડાર છે. સામાજિક મુદ્દાઓ, ટેકનોલોજી તેમજ વૈશ્વિક ઘટનાઓ વિશે તેમની સમજ, એ જ વયની અગાઉની પેઢીઓ કરતાં ઘણી વધુ છે.'

પ્રથમવાર લાઈમલાઈટમાં આવ્યાના ત્રણ દાયકા પછી શિલ્પા શેટ્ટી કુંદરા ભારતીય મનોરંજન ઉદ્યોગમાં હજી પણ લોકપ્રિય અને પ્રશંસિત હસતીમાંથી એક રહી છે. અભિનેત્રી, ઉદ્યોગસાહસિક, ટેલીવીઝન પર્સનાલિટી, ફિટનેસ સલાહકાર અને સમર્પિત માતા તરીકે તે પોતાનું કાર્ય કરતી રહી હોવા છતાં લગાતાર પોતાને નવા અવતારમાં રજૂ કરતી રહે છે અને પોતાની કારકિર્દીને ઘડનાર મૂલ્યોને વળગી રહી છે. વયના પચાસ વર્ષમાં પ્રવેશ કરી રહેલી શિલ્પા ઉમર વધવા, મક્કમતા અને ડિજિટલ યુગમાં વાલીપણા તેમજ પોતાના જીવનમાં માતાના ગાઢ પ્રભાવ વિશે ચિંતન કરે છે.

યુવાની અને દેખાવના પ્રભાવથી વ્યાપ્ત ઉદ્યોગમાં શિલ્પા માને છે  સમાજમાં વય પર વધુ પડતુ મહત્વ અપાઈ રહ્યું છે. તેના મતે મુખ્ય ચર્ચા અર્થસભર રીતે જીવવા બાબતે થવી જોઈએ, વય વધવા વિશે નહિ. પોતાના ૫૧માં જન્મદિવસે શિલ્પા મેરીલ સ્ટ્રીપ અને જેનિફર લોપેઝ જેવી વૈશ્વિક આઈકનોનું એવી મહિલા તરીકે ઉદાહરણ આપે છે જેઓ પોતાની વયની પરવા કર્યા વિના દર્શકોને પ્રેરિત કરતી રહી છે.

શિલ્પાના મતે લોકો જ્યારે આ અભિનેત્રીઓને પરફોર્મ કરતા જુએ છે ત્યારે ભાગ્યે જ તેમની વયને ગણકારે છે. તેના સ્થાને તેઓ તેમના આત્મવિશ્વાસ, પ્રતિભા અને હાજરીની પ્રશંસા કરે છે. શિલ્પા માને છે કે આ જ સિદ્ધાંત વૈશ્વિક સ્તરે લાગુ પડવો જોઈએ. શિલ્પા માટે વય વધવી એટલે સમય સાથે મુકાબલો નથી પણ જીવનને શિષ્ત, સકારાત્મકતા અને સ્વ:સંભાળ સાથે અપનાવવાનો  સમય છે. શિલ્પા પોતાની શારીરિક અને માનસિક સુખાકારીની જાળવણી માટે સ્વસ્થ જીવનશૈલી, ફિટનેસ દિનચર્યા અને માનસિક સ્વસ્થતાને શ્રેય આપે છે. વયના આંકડાઓની ચિંતા કરવાની બદલે શિલ્પાએ પોતાની ઊર્જા શરીર અને મનના પોષણ માટે ઉપયોગમાં લેવાનું પસંદ કર્યું છે કારણ કે તેના મતે આંતરિક સંતુલન  કુદરતી રીતે બાહ્ય દેખાવ પર પ્રભાવ પાડે છે.

વર્ષો દરમ્યાન શિલ્પાએ અનેક જાહેર ટીકાઓનો પણ સામનો કર્યો છે. એક જાહેર હસ્તી હોવાના નાતે તેણે સતત નિરીક્ષણ હેઠળ જીવવુ પડે છે અને તેના પતિ રાજ કુંદરાને સંડોવતા વિવાદ સમાચારોમાં સતત ઝળકતા રહ્યા છે. છતાં શિલ્પાએ જાહેર દેખાવોમાં સતત નોંધપાત્ર સંયમ દાખવ્યો છે.

શિલ્પા આ અભિગમનું શ્રેય મજબૂત મનોબળ ઉપરાંત વ્યાવસાયિકતાની ભાવનાને પણ આપે છે. શિલ્પા માને છે કે પ્રત્યેકના જીવનમાં પડકારો અને પીછેહઠ આવે છે, પછી ભલે તે કોઈપણ વ્યવસાયમાં હોય. જો કે શિલ્પા આ અંગત સંઘર્ષોને તેની વ્યાવસાયિક જવાબદારીથી અળગા જ રાખે છે. સ્ટેજ પર પગ મુકતા જ તેનું સંપૂર્ણ ધ્યાન હાથમાં રહેલા કાર્ય પર હોય છે અને ખાતરી કરે છે કે અંગત મુશ્કેલીઓ તેની કલા પ્રત્યેની પ્રતિબદ્ધતામાં આડે ન આવે.

શિલ્પા જણાવે છે કે કાર્ય પ્રત્યેનો આવો અભિગમ તેને માતાપિતા પાસેથી મળ્યો છે. ઉછેર દરમ્યાન તેણે માતા અને પિતા બંનેને પરિવાર માટે સતત કામ કરતા જોયા છે. તેમની સમર્પિતતાએ તેના પર ઊંડી છાપ છોડી છે. શિલ્પા યાદ કરે છે કે તે માતાપિતાને લગભગ અઠવાડિયાના અંતે જ જોઈ શકતી  કારણ કે તેઓ સતત કામ કરતા. તેમના ઉદાહરણે તેને અનુશાસન, જવાબદારી અને સાતત્યના પાઠ શીખવ્યા, જે ગુણો આજે પણ તેની કારકિર્દી અને અંગત જીવનની દોરવણી કરી રહ્યા છે.

શિલ્પાના જીવનમાં અન્ય પરિવર્તનકારી પ્રભાવ યોગાનો રહ્યો છે. આજે તે ફિટનેસ અને વેલનેસ સાથે વ્યાપકપણે સંકળાયેલી છે,પણ તે કબૂલ કરે છે કે એક સમયે તે અતિશય વિચારવાયુથી પીડાતી હતી. અનેક લોકોની જેમ તે ઘણીવાર ભાવિ સંભાવનાઓ વિશે ચિંતિત રહેતી અને વધુ પડતો સમય જે પરિસ્થિતિ ક્યારેય ન સર્જાવવાની હોય તેના વિશે વિચાર કરવામા વ્યતિત કરતી.

શિલ્પા માને છે કે યોગાએ તેનો અભિગમ સંપૂર્ણપણે બદલી નાખ્યો. શારીરિક લાભ ઉપરાંત યોગાએ તેને સભાનતા શીખવી અને વર્તમાનમાં જીવવામાં સહાય કરી. ભાવિ વિશે વિચારીને તણાવથી વ્યાપ્ત થવાની બદલે તેણે વર્તમાન પર નિયંત્રણ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અભિગમમાં આ ફેરફારથી બિનજરૂરી તણાવ ઓછો થયો અને તેને જીવન પ્રત્યે વધુ સ્પષ્ટ અને શાંત અભિગમ કેળવવામાં મદદ કરી. શિલ્પા માટે યોગા એક વ્યાયામ દિનચર્યા હોવા ઉપરાંત જીવનશૈલી પણ છે જેણે તેની માનસિક અને ભાવનાત્મક સુખાકારી પરિવર્તિત કરી.

શિલ્પા હાલ આગામી રિયાલિટી શો 'મા હૈ ના'ની તૈયારી કરી રહી છે. એનો ઉલ્લેખ કરતા જ શિલ્પાને પોતાની માતાની યાદ આવી. માતા વિશે વાત કરતા જ શિલ્પા ભાવુક થઈ જાય છે. તે પોતાની માતાને તેના જીવનમાં સૌથી વધુ પ્રભાવ પાડનાર વ્યક્તિ તરીકે જુએ છે અને પોતાના વ્યક્તિત્વને તેમજ અભિગમને ઘડનાર તરીકે શ્રેય આપે છે.

શિલ્પા યાદ કરે છે કે તેને કોઈપણ પડકારનારે પ્રથમ તો તેની માતાનો સામનો કરવો પડતો. તાજેતરમાં 'મોમેજર' શબ્દ પ્રચલિત બન્યો તેના લાંબા સમય અગાઉથી તેની માતા તેના જીવનમાં આ મેનેજરની ભૂમિકા નિભાવી રહી હતી અને તેના માટે સીમાઓ નક્કી કરતી તેમજ નિર્ણયોને દોરવણી આપતી. વ્યાવસાયિક મેનેજરો સામેલ થયા પછી પણ તેની માતાનો નિર્ણય અંતિમ રહેતો.

શિલ્પા માને છે કે તેણે અને તેની બહેન શમિતા બંનેને મક્કમતા અને મજબૂત મનોબળ તેમની માતા તરફથી વારસામાં મળ્યા છે. માતાને પારિવારીક જવાબદારી સાથે કારકિર્દીનું સફળ સંતુલન કરતી જોઈને તેમના પર એક ઊંડી છાપ પડી. બંને ક્ષેત્રો સંભાળવાની તેમની માતાની ક્ષમતાએ સાબિત કર્યું કે મહિલાએ વ્યાવસાયિક મહત્વાકાંક્ષા અને અંગત જવાબદારીઓ વચ્ચે પસંદગી નથી કરવાની.

શિલ્પા તેના પ્રમાણમાં સાદગીભર્યા બાળપણની યાદોનો આનંદ માણતી હોવા છતાં  કબૂલ કરે છે કે આજના ઉછેરમાં નવા પડકારો છે. ડિજિટલ ક્રાંતિએ બાળકોના શિક્ષણ, વાતચીત અને મંતવ્યો ઘડવાની પ્રક્રિયા બદલી નાખી છે. માહિતી માટે વાલીઓ અને શિક્ષકો પર ભારે મદાર રાખતી અગાઉની પેઢીઓથી વિપરીત આજના બાળકો પાસે ઈન્ટરનેટ, આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ તેમજ ડિજિટલ મંચો દ્વારા ઝડપી માહિતી ઉપલબ્ધ છે.

શિલ્પાને આ બાબત રસપ્રદ તેમજ ભયભીત કરનારી પણ લાગે છે. તેણે નોંધ કરી કે આધુનિક બાળકો અતિશય પ્રમાણમાં જાગૃક અને માહિતીસભર છે. સામાજિક મુદ્દાઓ, ટેકનોલોજી તેમજ વૈશ્વિક ઘટનાઓ વિશે તેમની સમજ, એ જ વયની અગાઉની પેઢી કરતા ઘણી વધુ છે. તેણે પોતાના ૧૪ વર્ષના સંતાનનું ઉદાહરણ આપતા કહ્યું કે તે વિવિધ વિષયોની વિશાળ શ્રેણી પર અર્થસભર વાતચીતમાં ભાગ લઈ શકે છે અને સારી સમજદારી ધરાવતા મંતવ્યો વ્યક્ત પણ કરી શકે છે.

શિલ્પાના મતે કદાચિત સૌથી મોટુ પરિવર્તન સંતાનોનો ઉછેર કરવાની પદ્ધતિમાં આવ્યું છે. આધુનિક વાલીઓ તેમના બાળકોને સાંભળવા વધુ તૈયાર છે અને સ્વતંત્ર વિચારસરણી કેળવવા વધુ પ્રેરણા આપે છે. તેનાથી વિપરીત અગાઉની પેઢીઓ નિર્વિવાદ આજ્ઞાાપાલનની અપેક્ષા રાખતી હતી. એ અભિગમ પણ  તેની રીતે કામ કરી ગયો, પણ આજના બાળકોને તેમના વિચારો વ્યક્ત કરવાની તેમજ વાતચીતમાં ભાગ લેવાની અપાતી સ્વતંત્રતાની શિલ્પા કદર કરે છે.

વય, મક્કમતા, સ્વસ્થતા અને માતૃત્વ વિશે પોતાના મંતવ્યો વ્યક્ત કરીને શિલ્પા શેટ્ટીએ એક શક્તિશાળી સંદેશ વહેતો મુક્યો છે કે જીવનની ઓળખ વયથી, જાહેર ધારણાથી અથવા પડકારોથી નથી થતી 

પણ અનુશાસન, સકારાત્મકતા, પારિવારીક મૂલ્યો અને સતત વિકસતા રહેવાની ભાવનાથી થાય છે. શિલ્પાની સફર એ વાતની યાદ અપાવે છે કે ખરી સુસંગતતા માત્ર યુવા દેખાવવાથી નહિ પણ સતત વિકસતા રહેવાથી, સતત શીખતા રહેવાથી તેમજ જીવનના પ્રત્યેક તબક્કાનો આત્મવિશ્વાસ અને શાલિનતાથી સ્વીકાર કરવામાં રહેલો છે.