શેફાલી શાહ પોતાના નારીવાદી પાત્રો જેવી જ રિયલ લાઈફમાં સિદ્ધાંતવાદી મહિલા છે. તેઓ પોતાના આદર્શો અને મૂલ્યો બાબતમાં બાંધછોડ કરવામાં નથી માનતા. હમણાં શેફાલીએ એક પોડકાસ્ટ ઈન્ટરવ્યુમાં એક્ટર હર્ષ છાયા સાથેનાં પહેલાં લગ્નમાં પોતાને જે પડકારોનો સામનો કરવો પડયો એ વિશે વિગતવાર વાત કરી. એ વખતે એમણે એટલો બધો ઈમોશનલ ઝંઝાવાત અનુભવ્યો હતો કે એમણે લગ્નસંબંધમાં રહેવાને બદલે એકલા રહેવાનું પસંદ કર્યું. 'મને એવો બોધ થયો કે હું પિઝ્ઝા નથી- હું બધાને સંતોષ થાય એવી રીતે ન રહી શકું,' શેફાલી કહે છે.
પોતાના ભૂતકાળના દાંપત્ય જીવનનો કડવો અનુભવ વાગોળતા વર્સેટાઈલ એક્ટર કહે છે, 'મને કોઈએ કદી કહ્યું નહોતું કે તું પોતે એક પરિપૂર્ણ વ્યક્તિ છો. તારે પરિપૂર્ણ બનવા માટે એક પતિ, એક મિત્ર, ભાઈ કે બહેનની જરૂર નથી. તમે કોઈ સાથે સારા સંબંધમાં બંધાયા હો તો બહુ સરસ, પરંતુ એવું ન હોય તો એ વાત તમારું મૂલ્યાંકન ન કરી શકે. મને કોઈએ આવું કહ્યું નહોતું. તમે પોતે એવા સંજોગો અને પરિસ્થિતિમાંથી પસાર થાવ કે તમને પોતાને આત્મજ્ઞાાન થાય. એક એવો તબક્કો આવે કે તમારે આ પાર કે પેલે પાર એવો નિર્ણય લેવો પડે. એ બધુ કદાચ તમારી સાથે રોજ બનતું હોય, પરંતુ એક નિર્ણાયક પળે જ તમને થાય કે આ બધુ તો મને ખતમ કરી નાખશે. હું હવે આ ચલાવી ન શકું.'
પોતાના અંગત જીવનનો અનુભવ કશું છુપાવ્યા વિના શૅર કરતા શેફાલી શાહ ઉમેરે છે, 'મારા પહેલા મેરેજ બાદ મને ઘણું બધુ સમજાયું. મારી એક નજીકની ફ્રેન્ડે મને એકવાર પૂછ્યું, તને ફરી કોઈ પુરુષનો પ્રેમ નહીં મળે તો? તું આ બધું આમ જ ચાલવા દઈશ કે રિસ્ક લઈને છુટી પડી જઈશ? મારો જવાબ હતો કે મને રિસ્ક લેવું ગમશે. મને જીવન એકલા વીતાવવામાં પણ વાંધો નથી. બાકી, હું એ પરિસ્થિતિમાં તો નહીં જ રહી શકું જેમાં મને આનંદ ન આવતો હોય કે મારી કોઈ કિંમત ન હોય. ત્યારે મેં ્ર(પૂર્વપતિનું) ઘર છોડી એકલા રહેવાનો નિર્ણય લીધો એ તબક્કે મને એવું આત્મજ્ઞાાન થઈ ચુક્યું હતું કે હું પિઝ્ઝા નથી. હું બધાને ખુશ ન રાખી શખું.'
શેફાલીએ પછીથી ફિલ્મમેકર વિપુલ શાહ સાથે ૨૦૦૦ની સાલમાં સાદાઈથી બીજા લગ્ન કર્યા. બંનેનું લગ્નજીવન સુખી છે અને એમને આર્યમન અને મૌર્ય નામના બે પુત્રો છે.


