હિન્દી ફિલ્મોદ્યોગમાં અભિનેતાઓ વચ્ચે ખાસ્સો ભેદભાવ રાખવામાં આવે છે એ વાત સર્વવિદિત છે. ખાસ કરીને વય અને કામ કરવા વિષયક ધારાધોરણો બાબતે. તાજેતરમાં રજૂ થયેલી અને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહેલી 'ધૂરંધર' ફિલ્મની જ વાત કરીએ તો તેમ ૪૦ વરસના રણવીર સિંહ સામે ૨૦ વર્ષની અભિનેત્રી સારા અર્જુનને લેવામાં આવી. પીઢ અભિનેત્રી શેફાલી શાહ આ પ્રકારની જોડી બાબતે કહે છે કે તેમાં બોલિવુડના વણલખ્યા નિયમો પાધરા થઈ રહ્યા છે. આપણા ફિલ્મોદ્યોગમાં પુરુષ અને મહિલા કલાકારો વચ્ચે થતાં ભેદભાવનું આ ઉત્તમ ઉદાહરણ છે.
અભિનેત્રી વધુમાં કહે છે કે આપણી ઈન્ડસ્ટ્રી હીરો, હીરોઈન અને વિલનની આસપાસ જ ફરે છે. મોટી ઉંમરનો હોય તો ચાલે, પણ હીરોઈનની વય ૧૮ થી ૨૫ની જ હોવી જોઈએ. અભિનેત્રીઓને જ વય મર્યાદા નડે.
પોતાના અનુભવને ટાંકતા બાવન વર્ષીય શેફાલી કહે છે કે મેં વર્ષ ૨૦૦૫માં 'વક્ત: ધ રેસ અગેન્સ્ટ ટાઈમ' માં મહાનાયક અમિતાભ બચ્ચનની પત્નીની ભૂમિકા ભજવી હ તી. અભિનેત્રીએ જ્યારે વિવિધ પ્રકારના પાત્રો અદા કરે ત્યારે તેમને માટે મનફાવે તેવી ટિપ્પણીઓ કરવામાં આવે. તે વખતે મેં મારી ઉંમર કરતાં ઘણી મોટી વયની સ્ત્રીનું કિરદાર ભજવ્યું હતું. એક કલાકાર તરીકે અલગ અલગ ઉંમરની સ્ત્રીઓના પાત્રો ભજવવા એ મારા કામનો ભાગ છે. મને તેમાં કાંઇ ખોટું નથી લાગતું. પરંતુ ફિલ્મોદ્યોગમાં આ રીતે વિચાર કરવામાં નથી આવ્યો.
બોલીવૂડમાં સ્ત્રી-પુરુષ કલાકાર વચ્ચે વયભેદ રાખવા ઉપરાંત કામના કલાકો અને રજાઓ બાબતે પણ તફાવત નજરે પડે છે.
છેલ્લા કેટલાંક મહિનાઓથી હિન્દી ફિલ્મોદ્યોગમાં કામના કલાકો વિષયક મુદ્દો સતત ચર્ચાઈ રહ્યો છે. અભિનેત્રી દપિકા પદુકોણ છેડેલો આ મુદ્દો હવે હોટ ટોપિક બની ગયો છે. શેફાલી પણ આ બાબતે કહે છે કે કેટલાક પુરુષ કલાકારો તેમના સંતાનોને ઉનાળું રજાઓ હોય ત્યારે બબ્બે-ત્રણ-ત્રણ મહિનાની રજાઓ લે છે. અલબત્ત, તેમાં કંઈ ખોટું નથી. તેઓ પોતાના કામ અને પારિવારિક ત જીવન વચ્ચે સંતુલન સાધે છે તે ખરેખર પ્રશંસનીય ગણાય. પરંતુ તેમને આ બાબતે એક શબ્દ પણ કહેવામાં નથી આવતો. અને જો કોઈ અભિનેત્રી આ રીતે રજાઓ લેવાનીવિનંતી કરે તો આભતૂટી પડયા જેવો માહોલ સર્જાય.
શેફાલી પોતાની આ વાતને વર્તમાન સમયમાં ચાલી રહેલી કામના કલાકો વિશેની ચર્ચા સાથે જોડતાં કહે છે કે જ્યારે બોલિવુડની જાણીતી અદાકારાએ કામના નિર્ધારિત કલાકો વિશે વાત કરી ત્યારે તે મોટી ચર્ચાનો મુદ્દો બની ગયો. જ્યારે તે સંબંધિત અભિનેત્રીની અંગત પસંદ-નાપસંદની વાત ગણાય. હકીકતમાં એ વિનંતી પણ હતી અને જરૂરિયાત પણ. અને બધા તેની સાથે સંમત થાય એવું ન પણ બને. નિર્ધારિત કલાકોની શિફ્ટ કરવા ઈચ્છતી અભિનેત્રી સાથે તમે સંમત થાઓ તો ઠીક છે, અને ન થાઓ તો કોેઈ તમને એ અદાકારાને લઈને જ ફિલ્મ બનાવવાની ફરજ નથી પાડતું. શું કોઈ તમારી સામે આ મુદ્દે તલવાર તાણીને ઊભું હોય છે?
અદાકારા નારાજગીના સૂરમાં વધુમાં કહે છે કે અભિનેત્રીની ચોક્કસ કલાકોની શિફ્ટની વિનંતીને ચર્ચાનો મુદ્દો જ શા માટે બનાવવામાં આવ્યો? જો કોઈ અભિનેતાએ આવી માગણી કરી હોત તો એ વાત બહાર પણ ન આવત. પુરુ, કલાકારો પ્રત્યે આવો પક્ષપાત શાને?


