Get The App

શેફાલી શાહ ખાખી વર્દીધારી 'મેડમ સર'ના ગળાડૂબ પ્રેમમાં

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
શેફાલી શાહ ખાખી વર્દીધારી 'મેડમ સર'ના ગળાડૂબ પ્રેમમાં 1 - image

- ''દિલ્હી ક્રાઇમ' એ એક્ટર તરીકે તમને ઈમોશનલી નિચોવી નાખનારો શો છે. બહુ જ ઇન્ટેન્સ સિરીઝ છે. મેં એની ત્રણ સિઝન કરી, પણ ક્યારેય એવું નથી લાગ્યું કે બધુ ઇઝી, ઇઝી છે.

બોલિવુડના કેટલાક એક્ટર્સ માટે જે કામ ફિલ્મોએ ન કર્યું એ ઓટીટીના વેબ શોઝે કરી બતાવ્યું છે. આ સંદર્ભમાં શેફાલી શાહની વાત કરીએ તો એમણે પોતાની કરીઅર ગુજરાતી રંગમંચથી શરૂ કર્યા બાદ ટીવી સીરિયલ્સ તરફ ગતિ કરી. અલબત્ત, એમનો અભિનય પૂરબહારમાં ખીલ્યો. ઓટીટી પર શેફાલીએ એમી એવોર્ડ વિજેતા વેબ સીરિઝ 'દિલ્હી ક્રાઈમ'માં એસીપી વર્તિકા ચતુર્વેદી ઉર્ફે મેડમ સરનું પાત્ર ભજવીને છાકો પાડી દીધો. ત્યાર બાદ એ હ્યુમન જેવી સિરીઝ તેમજ ડાર્લિંગ્સ, જલસા અને થ્રી ઓફ અસ જેવી ફિલ્મોથી દર્શકોના દિલ જીતતા ગયા.

શેફાલી શાહ હવે એમી અવોર્ડવિનિંગ દિલ્હી ક્રાઈમ શોની ત્રીજી સિઝનમાં જોવા મળી રહ્યાં છે. પોલીસ ઓફિસર તરીકે ક્રાઈમ અને ઇન્વેસ્ટિગેશનની દુનિયામાં પાછા ફરવાનો અનુભવ મીડિયા સાથે શેર કરતા શેફાલી કહે છે, 'મને જ્યારે જાણ થાય કે આ શોની નવી સિઝન આવી રહી છે ત્યારથી મારા દિલોદિમાગમાં ઉશ્કેરાટનો સંચાર થઈ જાય છે. કદાચ એટલા માટે કે મને આ શો અને એની મેડમ સર સાથે પ્રેમ થઈ ગયો છે. જોકે સેટ પર જવાનું આવે ત્યારે મારું ટેન્શન અને સ્ટ્રેસ વધી જાય છે. એવું લાગે છે કે મને એક્ટિંગ આવડતી જ નથી, પરંતુ હું જ્યારે મેડમ સરના શૂઝ પહેરું છું ત્યારે મારી ચાલ આપોઆપ બદલાઈ જાય છે. ખાખી વર્દી પહેરતા જ એક પ્રકારનો રૂઆબ આવી જાય છે. સારું કહું તો આ એક્ટરને ઈમોશનલી નિચોવી નાખનારો શો છે. બહુ જ ઇન્ટેન્સ સીરિઝ છે. મેં એની ૩ સિઝન કરી પણ ક્યારેય એવું નથી લાગ્યું કે બધુ ઇઝી, ઇઝી છે. હા, એક વાત જરૂર છે કે મેડમનું પાત્ર ભજવતી વખતે તમને એ ક્યારેય બોરિંગ કે પ્રેડિકટેબલ નથી લાગતું. એટલા માટે દરેક સિઝનમાં અલગ કેસ હોય છે.'

શેફાલી કામ અને પરિવાર વચ્ચે કઈ રીતે બેલેન્સ જાળવે છે એવી પૃચ્છાના જવાબમાં વર્સેટાઈલ એક્ટર કહે છે, 'એક મહિલા તરીકે તમારે બધું કરવું પડે છે. તમારી પાસે બીજો વિકલ્પ શું છે? મારા કેસમાં મારાં બાળકો મોટાં થઈ ગયાં છે એટલે તેમને મારી એટલી બધી જરૂર નથી પડતી, પરંતુ છતાંય હજુ ઘણી બધી બાબતો મારે કરવાની આવે છે. અલબત્ત, હું મારી પ્રાયોરિટી નક્કી કરતા શીખી ગઈ છું. કંઈ ચીજ અબઘડી કરવાની છે એ જાણું છું. મારો પરિવાર સ્વસ્થ અને સુખી તો હું ખુશ. એમાં ક્યાંક ગરબડ થાય તો હું બધુ છોડી દઈ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં લાગી જાઉં. બાકી તો આજે કૂક નથી આવી અને બાથરૂમમાં પાણી નથી આવતું એવી બાબતો હેન્ડલ કરતાં થાક લાગે છે. ખાસ તો એટલા માટે કે એસીપી વર્તિકા ચતુર્વેદીની જેમ હું પણ મારા કામમાં ખૂંપી જાઉં છું. ઘરે રસોઈ ન બની હોય તો હું ઓનલાઈન ઓર્ડર કરવાનું કહી દઉં છું. એટલે પછી ઓટીપીની ઝંઝટ શરૂ થઈ જાય. તમે નહિ માનો પણ સનડાન્સ ફેસ્ટિવલમાં દેલ્હી ક્રાઈમની પહેલી સિઝનનું સ્ક્રીનિંગ ચાલી રહ્યું હતું ત્યારે મારા દીકરાના ફોન પર ફોન આવ્યા કરતા હતા. એણે કહ્યું, મમ્મા મારે ઓટીપી જોઈએ છે. આને શું કહેવું? મારે ઓટીપી આપવો પડયો.'