શેફાલી શાહ : મેં હવે ના પાડતાં શીખી લીધુું છે...
- 'દાંપત્યજીવનમાં રમૂજ અને વિનોદ મહત્ત્વપૂર્ણ છે, પરંતુ જ્યારે મજાક ખૂબ વધી જાય, બેમાંથી એક પાત્ર અપમાનની અનુભૂતિ થવા લાગે ત્યારે આ પરિસ્થિતિ પર ધ્યાન આપવું જોઈએ.'
અભિનેત્રી શેફાલી શાહ એક અણીશુદ્ધ કલાકાર છે, પણ તેમણે તાજેતરની એક મુલાકાતમાં તેમની જીવન સાથે સંકળાયેલા એવા પાસા અંગે વાત કરી જેને જાણીને કોઈને પણ આશ્ચર્ય થાય. આ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રીએ જીવનનાં કેટલીક નિર્ણાયક પરિબળો વિશે પણ વાત કરી, જે હૃદયસ્પર્શી છે.
શેફાલી પોતાના જીવનના એક મહત્ત્વના ટર્નિંગ પોઈન્ટ અંગે વાત કરતાં જણાવે છે, 'મેં મારા જીવનના ટોક્સિક સંબંધમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો તે સૌથી સારો હતો કેમ કે આવા સંબંધ જીવનમાં એક નિરાશા લાવી દે છે, પણ તેનાથી મુક્ત થવા માટે દ્રઢ નિર્ણય અનિવાર્ય બને છે.'
'હસરતે' ટીવી શો, 'દિલ્હી ક્રાઇમ વેબ શો 'અને 'જ્યુસ' શોર્ટ ફિલ્મની આ અભિનેત્રીએ રિલેશનશીપ અંગે પણ વાત કરી. શેફાલીએ ફિલ્મસર્જક વિપુલ શાહ સાથેનાં પોતાના પ્રલંબ લગ્નજીવન અને હવે તો જુવાન બની ગયેલા બન્ને દીકરાઓ વિશે પણ વાતો કરી. શેફાલી કહે છે, 'લગ્નજીવનમાં બેેમાંથી એક પાત્ર બીજાને હળવાશથી લે છે ત્યારે મુશ્કેલીઓ શરૂ થાય છે. તમે અસંમત થઈ શકો છો, પરંતુ એકબીજા પ્રત્યે આદર હોવો જોઈએ. જીવનની સફર કરવા માટે રમૂજ અને વિનોદ મહત્ત્વપૂર્ણ છે, પરંતુ જ્યારે મજાક ખૂબ વધી જાય ત્યારે આપણે પરિસ્થિતિ પર ધ્યાન આપવું જોઈએ.'
શેફાલી મજબૂત વ્યક્તિગત મંતવ્યો અને શક્તિશાળી ભૂમિકા - પાત્રો માટે જાણીતી છે. તે કહે છે કે, 'મેં હમેશાં અર્થપૂર્ણ ભૂમિકાઓ પસંદ કરવાની અને ભજવવાની કોશિશ કરી છે. જ્યારે તમે દમદાર ભૂમિકાઓ જ ભજવવાનું નક્કી કરો છો ત્યારે તમને વધારે ફિલ્મો કરી શકતા નથી, કારણ કે આવાં પાત્રો વારંવાર આવતાં નથી. અને મેં ના પાડતાં પણ શીખી લીધું છે. આનું સારું પરિણામ એ મળ્યું છે કે હું ખુશ હોઉં છું - સેટ પર અને સેટ બહાર, બન્ને જગ્યાએ.'