Get The App

મુખ્ય ભૂમિકાથી ઓછું કાંઈ નથી ખપતું શીના બજાજને

Updated: Sep 2nd, 2021

GS TEAM

Google News
Google News
મુખ્ય ભૂમિકાથી ઓછું કાંઈ નથી ખપતું શીના બજાજને 1 - image

'બેસ્ટ ઓફ લક નિક્કી' સિટકોમમાં કામ કરીને પુષ્કળ ખ્યાતિ પ્રાપ્ત કરનાર અભિનેત્રી શીના બજાજે છેલ્લે 'મરિયમ ખાન રિપોર્ટિંગ લાઈવ'માં કામ કર્યું હતું. છેલ્લા દોઢેક વર્ષથી ટચૂકડા પડદા પરથી ગાયબ થયેલી શીનાને જોકે ટચૂકડા કે મોટા  પડદાના દર્શકો સારી રીતે પિછાણે છે. શીનાએ 'ભૂતનાથ', 'યાદેં', 'કલયુગ', 'ફૂટપાથ' જેવી સંખ્યાબંધ ફિલ્મોમાં બાળકલાકાર તરીકે કામ કર્યા પછી ઘણાં ટી.વી. શો પણ કર્યા છે અને દોઢ વર્ષના અંતરાલ પછી તે ટચૂકડા પડદે ફરીથી સક્રિય થવા માગે છે.

શીના કહે છે કે 'મરિયમ ખાન રિપોર્ટિંગ લાઈવ' પર પડદો પડયો પછી હું નવું કામ હાથ ધરવાનો વિચાર જ કરતી હતી ત્યાં જ મહામારી ત્રાટકી. ત્યાર પછી મારી એક શસ્ત્રક્રિયા થઈ. હું સાત મહિના સુધી બિછાનામાં હતી. હવે હું સાજી થઈ રહી છું અને નવું કામ શરૃ કરવા તૈયાર છું.

બબ્બે દશકથી અભિનય ક્ષેત્ર સાથે સંકળાયેલી હોવાથી શીનાને પેરેલલ રોલ કે નામ માત્રની ભૂમિકાઓ ભજવવામાં લગીરેય રસ નથી. તે કહે છે કે જો મને સારી ઓફર મળશે તો હું હિન્દી શોઝમાં અચૂક કામ કરીશ. મને સિરિયલો માટે કેટલાંક મહત્વના કિરદારો નિભાવવાની ઓફરો પણ આવી હતી. પરંતુ મારા મતે હું મુખ્ય પાત્રો ભજવવા જેટલી સક્ષમ છું. તેથી મને નાના રોલ કે સમાંતર ભૂમિકાઓ ભજવવામાં જરાય રસ નથી. હું કોઈક શોમાં સરસ મઝાની મુખ્ય ભૂમિકા ભજવવા મળે તેની રાહ જોઈ રહી છું.

જોકે પડદા પરથી દૂર હોવા છતાં શીના તેના પ્રશંસકો સાથે સતત સંપર્કમાં રહી હતી. તે કહે છે કે હું સોશ્યલ મીડિયા પર એક્ટિવ હતી. હું મારા જીવનના જુદાં જુદાં પાસાં વિશે, તહેવારો વિશે તેમ જ મારી શસ્ત્રક્રિયા વિશે સોશ્યલ મીડિયામાં લખતી રહેતી હતી. લોકડાઉન દરમિયાન મેં રાંધ્યું હતું તેના વિડિયો પણ મેં સોશ્યલ મીડિયા પર મૂક્યા હતા.