Get The App

ધારદાર સત્ય અને ખડખડાટ હાસ્ય : જાને ભી દો યારોં

Updated: Oct 9th, 2025

GS TEAM

Google News
Google News
ધારદાર સત્ય અને ખડખડાટ હાસ્ય : જાને ભી દો યારોં 1 - image

- દાસ્તાન-એ-સિનેમા

- નસીરુદ્દીન શાહે એકવાર 'જાને ભી દો યારોં'ને સ્ટુપિડેસ્ટ ફિલ્મ કહી હતી. તેની પાછળનું કારણ આ ફિલ્મનું 'પાગલપન' છે. 

જ્યો ર્જ બર્નાડ શોની ગણના વિશ્વના મહાતમ નાટયકારોમાં થાય. ઘણા વિચારકોને મોડું સમજાય તે તેમને ખૂબ જ જલદી સમજમાં આવ્યું હતું. તેઓ માનતા કે, આ તે જ દુનિયા છે જેણે કરુણા માટે ઈસુને ફાંસીના માચડે ચઢાવ્યા અને સવાલો પૂછનારા સોક્રેટિસને ઝેર આપ્યું. ઘણા પ્રસંગો સાબિત કરે છે કે, સાદા-સીધા શબ્દોમાં કહેવામાં આવેલું સત્ય જાનલેવા સાબિત થઈ શકે છે. એટલે તેમણે નવી રણનીતિ બનાવી. તેમણે સમજદારીને પોતાનું કવચ બનાવ્યું અને વ્યંગને પોતાની તલવાર. આ સાથે જ સત્યને હાસ્યમાં લપેટી દીધું. જે દુનિયા કદાચ ઈમાનદારી સહન ન કરી શકે તો ઓછામાં ઓછું તેના પર હસી તો શકે જ. તેમણે એક વાર કહ્યું હતું કે, જો તમે લોકોને સત્ય કહેવા માંગો છો તો તેમને હસાવો નહીંતર તેઓ તમને મારી નાખશે.

 દાયકાઓ બાદ ૧૯૬૬માં ઈટાલિયન ફિલ્મમેકર માઈકલએન્જલો એન્ટોનિયોનીની ફિલ્મ 'બ્લો-અપ' રિલીઝ થઈ. આ ફિલ્મમાં એક ફોટોગ્રાફરની કહાની છે જે એક હત્યાને પોતાના કેમેરામાં કેદ કરી લે છે. આ ફોટોગ્રાફર મહેસૂસ કરે છે કે, જુઠ્ઠાણાથી ટેવાઈ ગયેલી આ મોર્ડન દુનિયા ક્યારેક પોતાની આંખો પર જ વિશ્વાસ નથી કરતી. જેના કારણે સત્ય અસ્તિત્વમાં હોવા છતાં પણ અદ્રશ્ય રહે છે. આ ફિલ્મ જોયા બાદ હિંદી ફિલ્મમેકર કુંદન શાહને સમજાયું છે કે, 'બ્લો-અપ' બેસ્ટ થ્રિલર-મિસ્ટ્રી ફિલ્મ છે પરંતુ, તેમાં, જ્યોર્જ બર્નાડ શોની શીખ ગાયબ છે. જો આ જ કહાનીને હસાવીને કહેવામાં આવે તો તેનો ચામ કંઈક અલગ જ રહેશે. બસ, આવી રીતે હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પહેલી ધમાકેદાર કોમેડી ફિલ્મ 'જાને ભી દો યારો'ની શરૂઆત થઈ.

બ્લો-અપ પરથી પ્રેરણા

૧૯૬૦ના દાયકામાં યુરોપના જાણીતા ફિલ્મમેકર માઈકલ એન્જલો એન્ટોનિયોનીએ ગજબની થ્રિલર મૂવી 'બ્લો-અપ' બનાવી હતી. આ ફિલ્મ હૂલિયો કોર્ટાઝારની શોર્ટ સ્ટોરીઝ 'લાસ બાબાસ ડેલ ડાયાબ્લો' પર આધારિત હતી. તેમાં એક ફેશન ફોટોગ્રાફર થોમસની કહાની છે. જે પોતાના સ્ટુડિયોમાં મોડલ્સના ફોટોશૂટ કરવાની એક રીતની ગ્લેમરસ પણ નિરર્થક જિંદગી જીવી રહ્યો છે.

સ્ટુડિયોની ઝગમગાટમાં તે એક એવો વ્યક્તિ બની જાય છે કે જે, 'જુએ તો છે પણ તેને કંઈ દેખાતું નથી'. એક દિવસ તે પાર્કમાં ફરવા નીકળે છે. આ દરમિયાન તેની નજર એક કપલ પર પડે છે. કોઈ મૂવીના સીનની જેમ અંગત પણો માળી રહેલા કપલને જોઈને તેનાથી રહેવાતું નથી. ફટાફટ થેલામાંથી કેમેરો કાઢે છે અને તેમની તસવીરો પોતાના કેમેરામાં કેદ કરે છે. પાર્કમાંથી બહાર નીકળતા સમયે મહિલા તેનો પીછો કરે છે અને તેને કેમેરાની ફિલ્મ આપવા કહે છે. સ્ટુડિયોની બહાર પહોંચતાં સુધીમાં તેઓ સારા મિત્રો બની જાય છે. થોમસ મહિલાને તેના ફોટા ઉડાવી દેવાની ખાતરી આપે છે. સ્ટુડિયોમાં જઈને તે ફોટાની નેગેટિવ્સ ડેવલપ કરે છે. જેમ જેમ પ્રિન્ટ સુકાતી જાય છે તેમ તેમ તેને પાર્કમાં રિવોલ્વર સાથેનો એક વ્યક્તિ અને ઘાસમાં પડેલી લાશ જોવા મળે છે. તે આ ફોટોઝને જેટલા બારીકાઈથી જુએ છે, તેટલું તેને ઓછું સમજાય છે. આ વચ્ચે આંખે દેખાયેલું સત્ય સાચું કે માની લીધેલું જેવા સવાલો તેને દોડતો રાખે છે.

ફિલ્મના અંતિમ સીનમાં થોમસનો સામનો માઈમ કલાકારોના એક ગુ્રપ સાથે થાય છે. જેઓ ગ્રાઉન્ડ પર ટેનિસ રમી રહ્યાં છે. તેમના હાથમાં રેકેટ કે બોલ નથી. પરંતુ, દોડી રહ્યાં છે, સર્વ કરી રહ્યા છે અને ગેમની મજા માણી રહ્યા છે. અચાનક જ અદ્રશ્ય બોલ થોમસ પાસે આવે છે. માઈમ કલાકારો તેની સામે અપેક્ષાભરી નજરોએ જુએ છે. તે પહેલા અચકાય છે પછી તરત જ નમીને બોલને પકડવાનું નાટક કરે છે અને તેને પાછો ફેંકી દે છે. કેમેરો જેવો દૂર ખસે છે કે તરત જ રિયલ ટેનિસ બોલનો અવાજ આવવા લાગે છે. થોમસ ગ્રાઉન્ડની ગ્રીનરીમાં ગાયબ થઈ જાય છે અને ભ્રમનો ભાગ બની જાય છે. માઈકલ એન્જલો એન્ટોનિયોની કહેવા માગતા હતા કે, આજના ભ્રષ્ટાચારથી ખદબદતા જમાનામાં સત્ય અને ભ્રામકતા વચ્ચે કોઈ ભેદ રહ્યો નથી. પરંતુ, દર્શકો તેને સમજી શક્યા નહોતા. તેઓ થિયેટરમાંથી કોઈ પ્લોટ રિઝોલ્યુશન, સંતોષ નહીં ફક્ત શંકા લઈને પરત ફર્યા હતા.

જાને ભી દો યારોની શરૂઆત  

૧૯૮૦નો દાયકો ભારતીય સિનેમા માટે ઉથલપાથલનો સમય હતો. રાજકારણથી લઈને પત્રકારિતા સુધી ફેલાયેલા ભ્રષ્ટાચારથી થાકી ગયેલો મધ્યમવર્ગ કંઈક નવું ઈચ્છતો હતો. કુંદન શાહ તે સમયે એફટીઆઈઆઈમાંથી ગ્રેજ્યુએટ થયા હતા અને સમાજને અરીસો બતાવવા માગતા હતા. આ દરમિયાન માઈકલ એન્જલો એન્ટોનિયોનીની થ્રિલર મૂવી 'બ્લો-અપ' પરથી સિનેમેટિક પ્રેરણા લઈને તેમણે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. આ વચ્ચે તેમને જ્યોર્જ બર્નાડ શોની શીખ યાદ હતી કે, 'જો તમે લોકોને સત્ય કહેવા માંગો છો તો તેમને હસાવો નહીંતર તેઓ તમને મારી નાખશે.' એટલે, તેમણે સત્યને ગંભીરતાથી નહીં પરંતુ, હાસ્ય સાથે કહેવાનું નક્કી કર્યું. 

એન્ટોનિયોનીને સન્માન 

ફિલ્મના પ્લોટથી લઈને તેના પ્રસંગોમાં તમને સમાનતા જોવા મળે છે. માઈકલ એન્જેલો એન્ટોનિયોનીને માન આપવા માટે કુંદન શાહે 'જાને ભી દો યારો'માં જે સ્થાને હત્યા થાય છે તેને એન્ટોનિયોની પાર્ક નામ આપ્યું છે. જ્યાં, એન્ટોનિયોનીનો ફોટોગ્રાફર ભ્રમમાં ખોવાઈ જાય છે ત્યાં, કુંદન શાહના બે ફોટોગ્રાફર વિનોદ અને સુધીર સત્ય શોઘતા શોધતા હાસ્ય રેલાવે છે.

કેટરિંગ ખર્ચ જેટલું ફિલ્મનું બજેટ

આ ફિલ્મનું બજેટ સાત લાખ રૂપિયા હતું. તે સમયે કોમર્શિયલ ફિલ્મોના કેટરિંગનો ખર્ચ આ ફિલ્મના બજેટ જેટલો થતો હતો. નસીરુદ્દીન શાહ, રવિ બસવાણી, ભક્તિ બરવે, નીના ગુપ્તા, પંકજ કપૂર, ઓમ પુરી, સતિશ શાહ જેવા કલાકારોએ આ ફિલ્મને મિશન સમજીને કામ કર્યું છે. આ ફિલ્મ માટે કોઈ કોશ્યુમ ડિઝાઈનર નહોતો. સ્ટાર્સ પોતાના કપડાં ઘરેથી લાવતા અથવા કોઈની પાસેથી ઉધાર લેતા. એકવાર શૂટિંગ દરમિયાન આખી ટીમ લિફ્ટમાં ફસાઈ ગઈ હતી. ત્યારે બધાએ મજાકમાં કીધું કે, ફિલ્મ અને લિફ્ટ બંને તૂટી પડવાથી માત્ર એક ભૂલ દૂર છે.

મહાભારતનો યાદગાર સીન

જેમ, 'બ્લો-અપ'માં ફિલ્મના અંતિમ ભાગમાં માઈમ કલાકારોની ટેનિસ મેચ ખાસ છે તેમ, 'જાને ભી દો યારો'માં મહાભારતનું નાટક ખાસ છે. રંગમંચ પર ચાલતી આ મહાભારત ભારતીય સિનેમાનો સૌથી યાદગાર સીન છે. વિધુ વિનોદ ચોપરા આ ફિલ્મના પ્રોડક્શન કંટ્રોલર હતા. જ્યારે, ફિલ્મમાં એકસ્ટ્રા રાખવા માટે પૈસા ના બચ્યા ત્યારે તેમણે દુર્શાસનનો રોલ કરવો પડયો હતો. થિયેટર ઉધારમાં લેવામાં આવ્યું હતું. જ્યારે, પ્રોપ્સ વિવિધ થિયેટર ગુ્રપ્સ પાસેથી મફતમાં ઉઘરાવવામાં આવ્યા હતા.

 સ્ટુપિડેસ્ટ ફિલ્મ

કલા હંમેશા તણાવ, શંકા, અણસમજ અને વિરોધાભાસમાંથી જન્મે છે. 'જાને ભી દો યારો' પણ આવી જ એક ફિલ્મ છે. આજે ભલે આ ભારતની સૌથી વ્યંગાત્મક કોમેડી ફિલ્મ કહેવાતી પરંતુ, નસીરુદ્દીન શાહે એકવાર આ ફિલ્મને સ્ટુપિડેસ્ટ ફિલ્મ કહી હતી. તેની પાછળનું કારણ આ ફિલ્મનું 'પાગલપન' છે. સત્ય જે ઘણી વાર જોકરના ચહેરા પર છૂપાયેલું હોય છે તેવું જ સત્ય આ ફિલ્મની કોમેડીમાં છૂપાવવામાં આવ્યું છે.

રેણુ સલુજાનો જાદુ

ફિલ્મની ફૂટેજ ખૂબ જ લાંબી, અસ્તવ્યસ્ત અને અણઘડ હતી. પરંતુ, એડિટર રેણુ સલુજાએ તેને પઝલની જેમ કાપીને ગોઠવી હતી. તેમના અદભુત એડિટિંગે ફિલ્મનું 'પાગલપન' જાણવી રાખ્યું હતું. મહાભારતના છેલ્લા સીનમાં રિધમ, હાસ્ય અને ઉન્માદ તેમની કલાકારી વિના શક્ય નહોતું. એટલા માટે કહેવામાં આવે છે કે, ફિલ્મ ભલે કુંદન શાહે બનાવી તેને જીવંત રેણુ સલુજાએ કરી હતી.

પબ્લિસિટી વગરની ફિલ્મ

 જ્યારે, આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે કોઈને સમજાયું જ નહોતું કે આ ફિલ્મ કેવી હશે. ન પોસ્ટર, ન પબ્લિસિટી અને કદાચ આ જ કારણ હતું કે, પહેલા અઠવાડિયામાં થિયેટર ખાલીખમ રહ્યાં હતાં. પરંતુ, થયું એવું કે, જેણે પણ ભૂલથી આ ફિલ્મ જોઈ તે ફિલ્મનો પ્રચારક બની ગયો. આજની તારીખમાં પણ આ ફિલ્મ વિશે આ હકીકત છે. જે પણ આ ફિલ્મ જોશે તે અન્યને કહેશે કે, યાર તમે 'જાને ભી દો યારો' નથી જોઈ તો તમને ખબર નથી કે કોમેડી ફિલ્મ કોને કહેવાય.

યાદગીરી

જ્યોર્જ બર્નાડ શોની શીખામણ-  'જો તમે લોકોને સત્ય કહેવા, માંગો છો તો તેમને હસાવો નહીંતર તેઓ તમને મારી નાખશે.'

કમાલ ડાયલોગ્સ

'નાલાયક, અધર્મી, દુરાચારી, મામાચારી, ભ્રષ્ટાચારી, બોલ સોરી....'

'એક ફોટોગ્રાફર ઓર મોડલ કે બીચ મે રિશ્તા ઐસા હોતા હૈ જૈસે એક ડોક્ટર ઔર મરીઝ કા, કોઈ પર્દા નહીં..'

'થોડા ખાઓ, ખોડા ફેંકો, બહુત મઝા આયેગા..'

'થહેર પાપી..મે તેરી ઝૂબાન ખીંચ કે લૂંગા..'

 'યે ક્યા હો રહા હૈ દુર્યોધન??'

'દેશ કી ઉન્નતી કી પહેચાન અગર કિસી ચીઝ સે હોતી હૈ, તો વોહ હૈ ગટર.'

'અબે શાંત, ગદાધારી ભીમ...શાંત.'

'શરાબી તો શરાબી કી મદદ કરેગા..'

 'મૈંને ચીર હરન કા આઈડિયા ડ્રોપ કર દીયા હૈ..'

'આંખો સે અજ્ઞાાન કી પટ્ટી ઉતાર કે દેખે ઈસ પવિત્ર આર્ય મહિલા મે કયા હૈ..'