'એક થિયેટર-ડિરેક્ટરે મને એકવાર શીખવ્યું હતું કે કોઈ પણ નવો પ્રોજેક્ટ શરૂ કરતાં પહેલાં અગાઉ જે કંઈ કર્યું હોય તે ભૂલી જવાનું. પહેલાંના કામનો કોઈ સામાન સાથે નહીં રાખવાનો. એમની આ વાત મને બરાબર યાદ રહી ગઈ છે.'
શરમન જોશી એક અવ્વલ અભિનેતા છે અને તેણે તેની ક્ષમતા દરેક પાત્રમાં પુરવાર કરી આપી છે. હવે શરમન જોશી બંગાળી ફિલ્મમાં પદાર્પણ કરી રહ્યો છે, જેમાં તેની અભિનય ક્ષમતાનો નવો રંગ જોવા મળશે. તેના આગામી બંગાળી પ્રોજેક્ટનું નામ 'ભાલોબશર મોર્શમ' છે. આ પ્રોજેક્ટમાં તેને નવી ભાષા સાથે કેવો કેવો અનુભવ થયો તે જાણવા જેવો છે. તેણે આ અંગે વાતો કરી છે, તે એના જ શબ્દોમાં જાણીએ.
બંગાળી ફિલ્મ અંગે જણાવતા શરમન જોશીએ કહ્યું, 'મને બંગાળી ફિલ્મમાં કામ કરવાનો ખરેખર આનંદ આવ્યો છે. હજુ આ ફિલ્મનું એક શિડયુલનું કામ બાકી છે.'
નવી ભાષામાં અભિનય કરવાના પડકાર અંગે વાત કરતાં શરમન જોશીએ જણાવ્યું, 'બંગાળી અત્યંત સમૃધ્ધ ભાષા છે, તેની મને જાણ છે, પણ આ ભાષા મારા માટે તો સાવ અજાણી હતી. મારી પાસે આ ભાષાની હિન્દી અને અંગ્રેજી એમ બંને ભાષામાં સ્ક્રીપ્ટ હતી. તેથી હું તેને ધ્યાનથી વાંચતો હતો. મુખ્ય સહાયક દિગ્દર્શક મને દરેક શોટ પહેલાં મારી સાથે બેસતા અને હું દરેક સંવાદ બોલતો ત્યારે તેઓ મને તે માટે આવશ્યક માર્ગદર્શન આપતા. તેમણે દાખવેલી અને જણાવેલી જાણકારી ધ્યાનપૂર્વક મેં અમલમાં મૂકી. હું ભલે ભાષા ઝીણવટથી પૂરેપૂરી સમજતો ન હતો, પણ હું તેમાં ભાવનાત્મક રીતે અભિનય કરી શક્યો.'
શૂટિંગ શરુ કરતાં પહેલાં શું તમે કોઈની પાસે બંગાળી ભાષાના ક્લાસ લીધા હતા? આ પ્રશ્નના ઉત્તરમાં શરમને જણાવ્યું, 'હું આ ભાષા બહુ સારી રીતે બોલી શકતો નથી. આથી આ માટે મારા પાત્ર માટે ડબિંગ આર્ટિસ્ટ રાખવામાં આવશે. હું તો મારા સંવાદ પણ ભાગ્યે જ યાદ રાખી શકતો હતો. એક થિયેટર-ડિરેક્ટરે મને એકવાર શીખવ્યું હતું કે કોઈ પણ નવો પ્રોજેક્ટ શરૂ કરતાં પહેલાં અગાઉ જે કંઈ કર્યું હોય તે ભૂલી જવાનું. પહેલાંના કામનો કોઈ સામાન સાથે નહીં રાખવાનો. મને આ વાત બરાબરની યાદ રહી ગઈ છે.'
આ બંગાળી ફિલ્મ ઉપરાંત આ મહિનાથી જ શરમન જોશી પુન: પોતાની મૂળભૂત નાટયપ્રવૃત્તિ ભણી પાછો વળ્યો છે.
'આ એક અંગ્રેજી નાટક છે. આ ભાષા મને સૌથી વધુ આરામદાયક અને સરળ લાગે છે. જોકે મેં અગાઉ ફક્ત એક જ અંગ્રેજી નાટક કર્યું છે. તે નાટકમાં ભાષા દ્વારા લદાતા પડકારો અને થિયેટર તથા માધ્યમ છોડી દેનારા અભિનેતાની વાત હતી.'
રંગભૂમિ તો શરમનનું 'પિયર' છે. પછી તે કોઈ પણ ભાષાની કેમ ન હોય. એમના પિતા અરવિંદ જોશીએ મંચ પર અભિનેતા તરીકે કમાલને લોકો હજુ પણ યાદ કરે છે.


