- તાજેતરમાં કોલકાતા કાતે 'ફેસ ઓફ ધ ઈયર' ટાઈટલનો હકદાર બનનાર જાણીતો ટીવી કલાકાર શરદ મલ્હોત્રા હમણાં તેની માઈક્રો સીરિઝ 'ગલત' બાબતે પણ બહુ ખુશ છે.
ટચૂકડા પડદે બબ્બે દશક સુધી કામ કરનાર શરદ કબૂલે છે કે ટીવીના દર્શકોએ તેને ખૂબ પ્રેમ આપ્યો છે. અને ઓટીટીની બોલબાલા વધ્યા પછી મારા માથે લાગેલું ટીવી એક્ટરનું લેબલ પણ ભૂંસાઈ ગયું છે. જો કે મહત્ત્વની વાત એ છે કે શપરદ મલ્હોત્રા ટચૂકડા પડદાના કલાકારોને અન્ય માધ્યોમાં જવામાં નડતી મુશ્કેલી દૂર કરવાનો યશ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને આપે છે. તે કહે છે કે સુશાંતે ટેલિવિઝનના કલાકારો માટે ફિલ્મોદ્યોગમાં જવાના દ્વાર ઉઘાડયાં છે. તેણે વધુમાં કહ્યું હતું કે આજે તો બધા જ કલાકારો અલગ અલગ માધ્યમોમાં કામ કરે છે. મારા મતે આજનો સમય કલાકારો માટે શ્રેષ્ઠ છે.
શરદ પોતાની કારકિર્દીનો પ્રારંભિક તબક્કો સંભારતા કહે છે કે મેં 'સિડની વિથ લવ' જેવી ફિલ્મમાં નસીબ અજમાવ્યુૂં હતું. તેવખતે મને એમ લાગતું હતું કે રાતોરાત શાહરૂખ ખાન બની જઈશ, પરંતુ ફિલ્મ ફ્લોપ જતાં હું ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો. મેં મારી કારકિર્દીમાં બે-ત્રણ વર્ષનો બ્રેક લીધો. પછી એક વખત એવો પણ આવ્યો જ્યારે મને બોરિયા-બિસ્તરા બાંધીને મારા માદરે વતન કોલકાતા પરત ફરવાનું મન થયું હતું. પરંતુ છેવટે મેં મારી માનસિક સ્થિતિ પર ધ્યાન આપ્યું. હું ઈશ્વરને પ્રાર્થના કરતો. ધીરે ધીરે મને સમજાયું કે શાહરૂખ ખાનને પણ ટોચ સુધી પહોંચતા પચીસ વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો હતો. છેવટે મેં ધીરજથી કામ લીધું.
પોતાના જીવનના આરોહ-અવરોહ વિશે વાત કરતાં શરદ કહે છે કેટલીક વખત સમય અને સંજોગો વિપરિત હોય છે. જ્યોર કેટલીક વાર આપણાં ખોટા નિર્ણયો આપણને નડે છે. જ્યારે આપણને આ વાત સમજાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. ખેર.... છેવટે તો જે થવાનું હોય છે તે થઈને જ રહે છે. અને તેમાંથી પણ કંઈક સારું જ ઉપજે છે. તે આ વાત સમજાવતાં કહે છે કે જો મારી ફિલ્મ ફ્લોપ ન જાત તો હું ટીવી પર 'મહારાણા પ્રતાપ' કે 'નાગિન' જેવા સુપરહીટ શોમાં કામ ન કરત.
પોતાની વર્ટિકલ સીરિઝમાં આવતાં અંતરંગ દ્રશ્યો વિશે વાત કરતાં શરદ કહે છે કે આવા સીન માટે ઈન્ટીમસી ડાયરેક્ટર પણ હતાં. જો કે અંતરંગ દ્રશ્યો ભજવતી વખતે અભિનેતાની જવાબદારી વધી જતી હોય છે. સૌથી પહેલાં તો તેને અ ેજોવાનું હોય છે કે તેની અભિનેત્રી કમ્ફર્ટેબલ રહે. મેં પણ આવા દ્રશ્યો આપવાથી પહેલા મારી સહઅદાકારાને તેના વિશે પૂછી લીધું હતું. અલબત્ત, મારી ૨૦ વર્ષની કારકિર્દીમાં હું પણ સૌપ્રથમ વખત આવા સીન આપી રહ્યો હતો. હું પોતે પણ બહુ ગભરાયેલો હતો. કેમેરા સામે પહેલી વખત ચુંબન દ્રશ્ય આપવાનું મારા માટે પણ અઘરું હતું. આમ છતાં અમે અત્યંત શાલીનતાપૂર્વક એકાદ-બે ટેક પછી આ સીન આપી દીધાં હતાં.


