શરદ કેળકરને છેક દોઢ દશકે ટીવી યાદ આવ્યું
- 'હું ઈરાદાપૂર્વક નાના પડદાથી દૂર નહોતો રહ્યો. મેં છેલ્લે વર્ષ 2010માં 'બૈરી પિયા'માં કામ કર્યું હતું. હું મારી જબાનનો પાકો છું. હું જે કામ કરી શકું તેમ હોઉં તે જ હાથ ધરું છું.'
મનોરંજન જગતના ત્રણ સૌથી જાણીતા અને લોકપ્રિય માધ્યમ એટલે, ફિલ્મો, ટીવી અને છેલ્લાં કેટલાંક વર્ષ દરમિયાન આ બંને પડદાને ટક્કર આપતાં ઓટીટી સુધ્ધાં પર પોતાના અભિનયની કમાલ દેખાડનાર અભિનેતા શરદ કેળકર લાંબા વર્ષોથી ટચૂકડા પડદા પરથી ગાયબ હતો. આ સમય દરમિયાન 'બાહુબલિ'માં દક્ષિણ ભારતીય અભિનેતા પ્રભાસને પોતાનો અવાજ આપીને શરદ કેળકરે ગજબની ખ્યાતિ પ્રાપ્ત કરી. અને હવે લગભગ દોઢેક દશકના અંતરાલ પછી તે ધારાવાહિક 'તુમ સે તુમ તક' દ્વારા ટીવી પર પરત ફર્યો છે.
પોતે લાંબા વર્ષો સુધી ટીવીથી દૂર શા માટે રહ્યો તેની જાણકારી આપતાં શરદ કેળકર કહે છે કે હું ઈરાદાપૂર્વક આ નાના પડદાથી આઘો નહોતો રહ્યો. મેં છેલ્લે વર્ષ ૨૦૧૦માં 'બૈરી પિયા' માં કામ કર્યું હતું. વાસ્તવમાં હું મારી જબાનનો પાકો છું. હું જે કામ કરી શકું તેમ હોઉં તે જ હાથ ધરું છું. ''બૈરી પિયા' પછી મને ટચૂકડા પડદેથી ઘણી ઓફરો આવી હતી. પરંતુ મને ફિલ્મો પણ કરવી હતી તેથી ડેટ્સ એડજસ્ટમેન્ટને પ્રાથમિકતા આપવી આવશ્યક હતી. સીરિયલ સર્જક રાજન શાહીએ જ્યારે મને 'કુછ તો લોગ કહેંગે' માટે ઓફર આપી ત્યારે તેમાં સપ્તાહમાં ચાર જ દિવસ કામ કરવાનું હતું. રાજન શાહી ઝપાટાભેર કામ કરવા માટે જાણીતા છે. મને પણ એવી જ ટેવ છે. સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને અનુસરીને હું પણ સેટ પર વસ્ત્રો બદલતાં સંકોચ નથી કરતો. મેં ટીવી પર 'સાત ફેરે', 'બૈરી પિયા' જેવા શો કર્યાં. મેં આદર્શ પુત્ર, આદર્શ જમાઈની ભૂમિકાઓ ભજવી. ત્યારબાદ મને સતત એવા જ પાત્રો ઓફર થવા લાગ્યાં હતા. જ્યારે હું ટાઈપકાસ્ટ થવા નહોતો ઈચ્છતો. જ્યારે તાજેતરમાં મને 'તુમ સે તુમ તક'ની ઓફર મળી ત્યારે મને તેમાં કંઈક નોખું કરવાની તક મળી રહી હતી. અગાઉ ક્યારેય મેં આ પ્રકારની ભૂમિકા નથી ભજવી. વળી સીરિયલ સર્જકોએ મારા ઓટીટી શોઝ અને ફિલ્મોની તારીખો સાથે આ શોની તારીખો એડજસ્ટ કરી તેથી મેં તેમાં કામ કરવાનું સ્વીકારી લીધું.
શરદે જે રીતે 'બાહુબલિ' માં પ્રભાસને પોતાનો સ્વર આપ્યો તે જોતાં કોઈ માની ન શકે કે એક તબક્કે બોલતી વખતે અચકાતો હતો. તેણે આ સમસ્યામાંથી શી રીતે મુક્તિ મેળવી તેના વિશે વાત કરતાં અભિનેતા કહે છે કે મને શાહરૂખ ખાનની એક ફિલ્મનો ડાયલોગ 'કિસી ચીજ કો આપ નિદ્ત સે કરના ચાહો તો સારી કાયનાત ઉસ મેં લગ જાતી હૈ' સ્પર્શી ગયો. હકીકતમાં હું ઉચ્ચ શિક્ષણ લીધાં પછી સારી નોકરી કરીને ઠરીઠામ થઈ ગયો હતો. પરંતુ તે વખતે જ મને અભિનય કરવાની ચાનક ચડી. અને ૨૮ વર્ષની ઉંમરે હું આ ક્ષેત્રે આવ્યો. જ્યારે મને પાંચ-છ થી વધુ વાક્યો બોલવાનો આવતાં ત્યારે હું હકલાતો. સેટ પર હાજર લોકો મારી મજાક ઉડાવતાં. પરંતુ તન્વી આઝમી, જયતિ ભાટિયા, સુમુકી પેંડસે જેવા મારા સહકલાકારો મને સહકાર આપતાં. તેઓ મને ધીમે ધીમે વાત કરવાની, મોઢામાં ગોટીઓ નાકીને કે પેન્સિલ ફસાવીને બોલવાની સલાહ આપતા. મેં બધા પ્રયોગો કરી જોયા.
પરંતુ કોઈ કારી ન ફાવી. છેવટે મેં મારું વિશ્લેષણ શરૂ કર્યું. મેં અમિતાભ બચ્ચન અને દિલીપકુમારને ધ્યાનથી જોવા-સાંભળવાનો આરંભ કર્યો. તે વખતે મેં નોંધ્યું કે તેઓ સંવાદ બોલતી વખતે વચ્ચે સહેજે રોકાઈને શ્વાસ લઈ લે છે. જ્યારે હું શ્વાસ લેવાનુ ંજ વિસરી જાઉં છું મારા હકલાવા પાછળનું આ જ મુખ્ય કારણ છે. છેવટે મેં મારા બ્રીથિંગ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને મારું અચકાવાનું બંધ થઈ ગયું. મારા મતે તમે ચાહો તો કોઈપણ નબળાઈને હદપાર કરી શકો છો.