Get The App

શરદ કેલકર : હું બોલતા તોતડાતો હતો, પણ મારી પાસે કોઈ વિકલ્પ નહોતો

Updated: Mar 5th, 2026

GS TEAM

Google News
Google News
શરદ કેલકર : હું બોલતા તોતડાતો હતો, પણ મારી પાસે કોઈ વિકલ્પ નહોતો 1 - image

- 'મેં ઘણી બાબતો અજમાવી. મારી બોલવાની ગતિ ધીમી કરી. સારી રીતે બોલતા લોકોનું નિરીક્ષણ કર્યું. પછી મને લાગ્યું કે મારી બોલતી વખતે શ્વાસ લેવાની રીત જ સાવ ખોટી છે.'

એક સમય એવો પણ હતો કે જ્યારે અભિનેતા શરદ કેલકરનું નામ ટેલિવિઝન અને ફિલ્મોમાં જબરદસ્ત ગાજતું, જો કે હવે સમય તો એવો આવ્યો છે કે આ કલાકારનું નામ વોઇસઓવર અને ડબિંગ સ્પેસમાં પણ જોરશોરથી સન્માનપૂર્વક લેવામાં આવે છે. જોકે બહુ ઓછા લોકો જાણે છે કે એક સમય હતો જ્યારે બોલવું એ આ અભિનેતા માટે એક પડકાર હતો. આ તદ્દન સાચું છે.

શરદ કેલકર બોલવામાં થોડો તોતડાતો હતો-અચકાતો હતો. અભિનેતા તરીકે શરદ કેલકરે કારકિર્દી શરૂ કરી તે વખતે તેને દૂર કરવા માટે લેવાયેલા સભાન પ્રયાસ વિશે ખુલ્લા મને વાત કરી. શરદ કેલકર કહે છે, ટર્નિંગ પોઈન્ટ તો ત્યારે આવ્યો જ્યારે મને સમજાયું કે મારી પાસે કોઈ વિકલ્પ જ નથી. જો હું મારા બોલવા પર કામ નહીં કરું તો હું અભિનય કરી શક્યો ન હોત. આવી પરિસ્થિતિમાં ગમે તે કરવાનો ઈરાદો અત્યંત મહત્ત્વપૂર્ણ બની જાય છે.

આ સાથે જ શરદ કેલકર વધુમાં જણાવે છે, તમને આ સમસ્યા શા માટે છે તે જાણવું અત્યંત મહત્ત્વપૂર્ણ છે. અરે, કેટલાક લોકો માટે આ બાબત તબીબી હોઈ શકે અથવા જીભ સાથે સંબંધિત હોઈ શકે છે, જેનો ઉપચાર તબીબી પાસે કરી શકાય છે. મને આ બાબત સમજવામાં જ આઠ મહિના જેટલો સમય લાગ્યો. મને લાગ્યું કે કંઈ પણ ઠીક કરતાં પહેલાં મારે તેનું કારણ સમજવું પડશે. આ પછી તો મેં ઘણી બાબતો અજમાવી, મારી બોલવાની ગતિ બદલી, ધીમી કરી. ઝડપથી બોલવું અને સારી રીતે બોલતા લોકોનું નિરીક્ષણ કર્યું, આ પછી મને લાગ્યું કે મારી શ્વાસ લેવાની રીત જ સાવ ખોટી છે.

એકવાર તેણે સમસ્યા ઓળખી લીધી, પછી તો સભાન પ્રયાસ અને શિસ્ત દ્વારા ધીમે ધીમે સુધારો થવા લાગ્યો. શરદ કેલકર અત્યારે ટીવી શો 'તુમ સે તુમ તક'માં જોવા મળે છે અને તાજેતરની વેબ સીરિઝ 'તસ્કરી : ધ સ્મગલર્સ'નો હિસ્સો છે. આ સંદર્ભે શરદ કેલકર કહે છે, મેં મારા શ્વાસ પર નિયંત્રિત કરવાનું શરૂ કર્યું છે અને ધીમે ધીમે તેમાં સુધારો થયો. અરે, ઘણા લોકો તો જેઓ બોલતા બોલતા અચકાઈ જાય છે તેઓ સારી રીતે ગાઈ શકે છે, કારણ કે ગાવાનું એક લય અને ચોક્કસ શ્વાસ લેવાની પધ્ધતિને અનુસરે છે. પ્રાણાયમે મને ઘણી મદદ કરી છે. જો તે તબીબી હોય તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. યોગ્ય માર્ગદર્શન સાથે તે નિયંત્રિત કરી શકાય છે, એમ શરદ કેલકરે જણાવ્યું હતું.

શરદ ટીવી શો 'સિંદુર તેરે નામ કા'ના સેટ પરની એક નિર્ણાયક ક્ષણને યાદ કરતાં જણાવે છે. એ વેળા શરદ હીરોઈન કીર્તિ ગાયકવાડ સાથે કામ કરી રહ્યો હતો, જે અત્યારે તેની પત્ની છે. એક દિવસ કીર્તિએ મજાકમાં તેના હેરડ્રેસરને કહ્યું, એ બોલતાં અચકાય છે, એને એનાં સીન પૂરાં કરતાં ઘણો સમય લાગશે. તેનાથી મને કોઈ નુકસાન ન થયું, પરંતુ મારા મનમાં એક આગ લાગી ગઈ, કારણ કે હું તેનાથી ધુ્રજી ગયો હતો. આત્મવિશ્વાસ હંમેશા એક સંઘર્ષ રહ્યો. તે જ દિવસથી મેં મારી જાત પર ગંભીરતાથી કામ કરવાનું શરૂ કર્યું. અને તે પ્રક્રિયા હજુ પણ ચાલે જ છે. કીર્તિની એક ટિપ્પણીએ મારામાં ઉત્સાહ પ્રેર્યો અને મેં મારી ખામી સુધારવાની પ્રક્રિયા સુધારવાની શરૂઆત કરી.