- 'આર્ટિસ્ટ તરીકે તમારે ઓરિજિનલ રહેવું જરૂરી છે. તો જ તમારી નોંધ લેવાશે. ભારતમાં રિયાલિટી શો કરતી વખતે સ્પર્ધકો પર બહુ પ્રેશર રહે છે.'
સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં નાયિકાના પ્રેમીની ભૂમિકા કરવા છતાં શાંતનુ મહેશ્વરીની કરીઅર જોઈએ એવી ઊંચકાઈ નથી. એટલા માટે કે 'ગંગુબાઈ' તરીકે આખી ફિલ્મમાં આલિયા ભટ્ટ છવાઈ ગઈ હતી. શાંતનુનું લેડીઝ ટેલરનું પાત્ર ઢંકાઈ ગયું. ગંગુબાઈના લાર્જર ધેન લાઈફ કેરેક્ટર સામે એ પોતાની હાજરીની નોંધે લેવડાવી ન શક્યો.
શાંતનુ પોતાનો અનુભવ શેર કરતા એક નવી વાત કરી, 'મેં એ ફિલ્મ સાઈન કરી ત્યારે માન્યામાં નહોતું આવતું કે મૂવીમાં મારી સાથે આલિયા ભટ્ટ છે. એટલા માટે કે હું પહેલેથી એના કામનો પ્રશંસક રહ્યો છું. મોટાભાગના લોકોની એવી ધારણાં છે કે મને આલિયા સાથે કામ કરતી વખતે ડર લાગ્યો હશે, થોડો સંકોચ થયો હશે. પરંતુ એવું નથી. હકીકત જુદી છે. 'ગંગુબાઈ' શૂટ કરતી વખતે મને આલિયા સાથે કામ કરવાનો નહીં પણ એ વાતનો ડર હતો કે હું સંજય સરને મારા કામથી ખુશ કરી શકીશ કે નહીં. સેટ પર મને સતત એ જ વિચાર આવ્યા કરતો હતો.'
શાંતનુનું બાળપણ કોલકત્તામાં વીત્યું હોવાથી એ ફ્લુઅન્ટ બંગાળી બોલી શકે છે. એણે એક બંગાળી ફિલ્મ 'ચલચિત્રો' પણ કરી છે. પહેલા ટીવી શોઝ અને પછી ફિલ્મોમાં મહેશ્વરીને એની ડાન્સિંગ સ્કીલ્સને કારણે જ એન્ટ્રી મળી છે. સારા ડાન્સર હોવાને લીધે એને કરિઅરનો પહેલો ટીવી શો 'દિલ દોસ્તી ડાન્સ' મળ્યો અને એ લાઈમલાઈટમાં આવ્યો. પછી શાંતનુ એ 'ફિયર ફેક્ટર : ખતરોં કે ખિલાડી'ના વિજેતા બની પોતાની ટેલેન્ટનો પરિચય કરાવ્યો. પોતાની કરિઅરનો શરૂઆતનો તબક્કો યાદ કરતા ૩૭ વરસનો અભિનેતા કહે છે, 'બહુ ઓછા લોકોને યાદ હશે કે મેં ઇન્ટરનેશનલ લેવલના વર્લ્ડ ઓફ ડાન્સ શોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ શોમાંથી મને એક બોધપાઠ મળ્યો કે આર્ટિસ્ટ તરીકે તમારે ઓરિજિનલ રહેવું જરૂરી છે. તો જ તમારી નોંધ લેવાશે. ભારતમાં રિયાલિટી શો કરતી વખતે બહુ પ્રેશર રહે છે. તમને કોન્ટેસ્ટંટ તરીકે કાંઈક હટકે ઓરિજિનલ કરવાનો સમય જ નથી મળતો. તમે નવા નવા હો ત્યારે યુટયુબ પર ક્લિપ્સ જોઈને ડાન્સની પ્રેક્ટીસ કરો. એમાં ક્યારેક કોઈની બેઠી કોપી થઈ જવાની સંભાવના રહે છે. જ્યારે તમે વિદેશમાં શો કરવા જાવ ત્યારે તમને કબર હોય છે કે અહીં એકથી એક ટેલેન્ટેડ લોકો સાથે તમારો મુકાબલો છે. તમારા ડાન્સ મૂવ્સમાં જો ઓરિજિનાલિટી નહીં હોય તો તમે આ લોકો સામે ઊભા પણ નહીં રહી શકો.'
ગયા વરસે રોમાંટિક ફિલ્મ 'લવ ઈન વિયેટનામ'માં જોવા મળેલા મહેશ્વરીની આવનારી મૂવી એક સાઇકોલોજિક થ્રિલર છે. 'ક્રોસ ફાયર' નામની એવી મૂવી ૨૦૨૬માં રિલિઝ થશે. પોતાના સંઘર્ષના દિવસો યાદ કરતા શાંતનુ કહે છે, 'મુંબઈમાં મેં ઘણા ડાન્સ ઓડિશન આપ્યા છે. આવા જ એક ઓડિશનમાં અમુક પ્રોડક્શન યુનિટના લોકો હાજર હતા. એમણે મને એક ટીવી શોના ઓડિસન માટે આમંત્રણ આપ્યું. ત્યારે હું હજુ ઇન્ડસ્ટ્રીમાં નવો હતો. મને જ્યાં ઓડિશન માટે બોલાવાયો એ જગ્યા એકદમ અંતરાળમાં હતી. એટલે મને મિત્રોએ ચેતવ્યો કે જાતો નહીં, કોઈ સ્કેમ હોઈ શકે છે. નકામો ફસાઈ જઈશ. પરંતુ સદનસીબે મને મારા એક કોરિયોગ્રાફર ફ્રેન્ડ પાસેથી પાકી માહિતી મળી કે ખરેખર આવો શો બની રહ્યો છે અને એમાં નવા ચહેરા લેવાના છે. એટલે હું તો પહોંચી ગયો, ૩-૪ ઓડિશન આપ્યા અને મારું સિલેક્શન થઈ ગયું.'
શાંતનુનો ઇન્ડસ્ટ્રીમાં કોઈ ગોડફાધર નથી. એટલે સ્ટાર કિડસની જેમ એ હવામાં નથી ઉડતો, હકીકતોથી વાકેફ છે. જમીની સચ્ચાઈ વિશે વાત કરતા શાંતનુ સમાપનમાં કહે છે, 'સાચુ કહું તો મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું બોલિવુડમાં કામ કરીશ. અનુભવે એટલું શીખ્યો છું કે એક્ટિંગ અને ડાન્સિંગ બંને ચેલેન્જિંગ છે. તમારી પાસે ટેલેન્ટ છે તો શું થી ગયું તમારે મહેનત તો કરવી જ પડશે. આ બંને ક્ષેત્રો એવા છે જેમાં રિયાઝની, પ્રેક્ટીસની બહુ જરૂર પડે છે. એવું નથી કે તમે કાંઈક શીખી લીધું અને પછી એને છોડી દીધું અને ચાર વરસ પછી ફરી એ શરૂ કરો. તમે ત્યારે એ નહીં કરી શકો. એક્ટર તરીકે તમારે સતત રિયાઝ કરતા રહેવું પડે. તો જ તમે પોતાનું બેસ્ટ આપી શકો.'


