Get The App

શાંતનુ મહેશ્વરી : પ્રણય કથાઓનો સમય પર ફર્યો

Updated: Sep 25th, 2025

GS TEAM

Google News
Google News
શાંતનુ મહેશ્વરી : પ્રણય કથાઓનો સમય પર ફર્યો 1 - image

અભિનેતા શાંતનુ મહેશ્વરીને અભિનય ક્ષેત્રે આવ્યે દોઢ દશક જેટલો સમય થઈ ગયો છે. આમ છતાં ફિલ્મો બાબતે તે પોતાને નવોદિત જ માને છે. તે કહે છે કે ટીવી અને ઓટીટીની દુનિયામાંથી સિનેજગતમાં આવવાનું આસાન નથી હોતું. પણ ખરા દિલથી પ્રયાસો કરવામાં આવે તો સફળતા ચોક્કસ મળે. અને શાંતનુએ આ કરી દેખાડયું છે.

એક અચ્છા અભિનેતા ઉપરાંત હોસ્ટ, ડાન્સર, કોરિયોગ્રાફર જેવી બહુમુખી પ્રતિભા ધરાવતા શાંતનુએ 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં પોતાની અભિનય ક્ષમતાનો પરચો દેખાડી દીધો હતો. અને હવે તેની ફિલ્મ 'લવ ઈન વિયેટનામ' રજૂ થઈ રહી છે. (તમે આ વાંચતા હશો ત્યારે કદાચ તે રજૂ થઈ ગઈ હોય એવું પણ બને.) આ સિનેમામાં અભિનેતાએ અવનીત કૌર સાથે જોડી જમાવી છે.

છેલ્લા ઘણાં સમયથી બોલીવૂડમાં એક્શન ફિલ્મોનું ચલણ રહ્યું છે. પણ હવે રોમાંટિક ફિલ્મોનો સમય પરત ફરી રહ્યો હોય એવું પ્રતિત થઈ રહ્યું છે. શાંતનુ પણ આ વાતને સમર્થન આપતાં કહે છે કે હું હમેશાંથી માનતો આવ્યો છું કે પ્રેમકથાઓ પાણીની જેમ પોતાનો માર્ગ શોધી જ લેતી હોય છે. બસ, આ વિષયને નવી પેઢીના દર્શકોના પરિપ્રેક્ષ્યમાં રજૂ કરવામાં આવે તો રંગ રહી જાય.

અભિનેતા માને છે કે દર્શકોને નવી કહાણીઓ જોવા થોડું પ્રોત્સાહન જોઈએ, તેથી ફિલ્મ સર્જકોએ તેની તક ઝડપી લેવી રહી. આજે દર્શકો કે-ડ્રામા (કોરિયન ડ્રામા) તરફ વળ્યા છે. આમ છતાં પ્રેમકક્ષાઓ તરફની તેમની ચાહત અકબંધ રહી છે. તાજેતરમાં રજૂ થયેલી 'સૈયારા'ની અપ્રતિમ સફળતાએ આ વાત પુરવાર કરી બતાવી છે. શાંતનુ વધુમાં કહે છે કે મોહિત સૂરીના આ સિનેમામાં અહાન પાંડે અને અનિતા પડ્ડા જેવા નવોદિત કલાકારોની જોડીએ પણ દર્શકોના દિલ જીતી લીધાં છે. આનો સીધો અર્થ એ થયો કે દર્શકોને રોમાંટિક ફિલ્મોમાં રસ છે જ. જો કહાણી મજબૂત હોય અને રજૂઆત દમદાર હોય તો નવોદિત કલાકારો પણ કમાલ કરી શકે.