Get The App

શહાના ગોસ્વામી : આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવો જ ગુણવત્તા માપવાના ધોરણ ન હોવા જોઈએ

Updated: Aug 21st, 2025

GS TEAM

Google News
Google News
શહાના ગોસ્વામી : આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવો જ ગુણવત્તા માપવાના ધોરણ ન હોવા જોઈએ 1 - image

- મને ટ્રૉફી હીરોઈનની જેમ ફક્ત ગીત-નૃત્ય ન કરવાના હોય, ફિલ્મમાં મને અન્ય ફૂટેજ પણ મળે. જોકે મને મોટાભાગે જટિલ અને શક્તિશાળી મહિલાપાત્રોની જ ઑફર આવે છે. 

બૉલીવૂડની કમર્શિયલ ફિલ્મોમાં ખાસ જોવા ન મળે એવા કલાકારો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવોમાં ખ્યાતિ પ્રાપ્ત કરવામાં અગ્રેસર હોય છે એ વાત હવે જગજાહેર છે. આવા જ કલાકારોમાંની એક છે શહાના ગોસ્વામી. ગયા વર્ષે તેની ફિલ્મ 'સંતોષ'ને કાન્સ ફિલ્મોત્સવમાં પુષ્કળ પ્રશંસા મળી. મોટાભાગે શક્તિશાળી સ્ત્રીપાત્રો ભજવવા માટે જાણીતી આ અદાકારાની તાજેતરમાં રજૂ થયેલી ઇન્ડિયન-ૉસ્ટ્રેલિયન કહાણી ધરાવતી ફિલ્મ 'ફોર ઇયર્સ લેટર' પણ દર્શકોને ગમી રહી છે.

શહાના આ સિનેમાનાં પોતાના પાત્ર 'શ્રીદેવી' વિશે કહે છે કે તે આધુનિક યુગની મૉડર્ન યુવતી છે. આત્મવિશ્વાસથી છલકાતી 'શ્રીદેવી'ની પોતિકી મહત્વકાંક્ષાઓ છે. 

શહાનાને મોટાભાગે શક્તિશાળી મહિલાપાત્રોની ઑફરો મળતી રહી છે. તેણે 'બૉમ્બે બેગમ્સ' અને 'અ સૂટેબલ બૉય' જેવી ફિલ્મોમાં સમાજની દ્રષ્ટિએ અનૈતિક ગણાય એવા કિરદાર અદા કર્યાં છે. અદાકારાએ પોતાના આ પાત્રોમાં જાન રેડી દીધી છે. 

એવું નથી કે શહાનાને પડદા પર ગીતો ગાવામાં, નાચવામાં રસ નથી. અભિનેત્રી કહે છે કે હું નાનપણથી અરીસા સામે 'સૂરજ હુઆ મધ્યમ' જેવા ગીતો પર ડાન્સ કરતી. પરંતુ મને આવા રોલ ઑફર નથી થયાં. હા, જો મને કોઈ આવી ફિલ્મમાં લેવાં માગે તો હું તેમાં કામ કરવા તૈયાર છું. શરત માત્ર એટલી કે મને ટ્રૉફી હીરોઈનની જેમ ફક્ત ગીત-નૃત્ય ન કરવાના હોય, ફિલ્મમાં મને અન્ય ફૂટેજ પણ મળે. જોકે મને મોટાભાગે જટિલ અને શક્તિશાળી મહિલાપાત્રોની જ ઑફર આવે છે. વળી કમર્શિયલ ફિલ્મના બિઝનેસમાં સ્ટાર કલાકારો હોવા પણ જરૂરી છે. એ વાત હું સમજી શકું છું.

ગયા વર્ષે શહાનાની ફિલ્મ 'સંતોષ'થી લઈને 'ઑલ વી ઇમેજિન એઝ લાઈટ'એ કાન્સ ઉપરાંત અન્ય ફિલ્મોત્સવોમાં સરાહના મેળવી. સામાન્ય રીતે ફેશન અને લાઈફસ્ટાઈલ માટે જાણીતા આવા ફિલ્મ ફેસ્ટિવલોમાં આપણી ફિલ્મોની ચર્ચા થાય છે તે વાત નાનીસુની ન ગણાય. પરંતુ શહાના આ વાત સાથે સંપૂર્ણપણે સહમત નથી થતી. તે કહે છે કે હું નથી માનતી કે અગાઉ આપણે ત્યાં ફિલ્મોત્સવોમાં રજૂ કરવા જેવી ફિલ્મો નહોતી બનતી. આ ફેસ્ટિવલો પોતાના હિસાબે સિલેકશન કરતાં હોય છે. તેથી આપણને આપણી ફિલ્મો કેવી છે તે સમજવા તેમના હિસાબે ચાલવાની જરૂર નથી. ખરેખર તો આપણને એમ વિચારવું જોઈએ કે તેમણે આપણને અગાઉ આવી તક કેમ ન આપી? જરૂરી નથી કે આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં રજૂ થાય એ ફિલ્મો જ સારી હોય. આપણા સિનેમાની ગુણવત્તા માપવાનાં ધારાધોરણ આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવો ન હોવા જોઈએ. આપણે ત્યાં હમેશાંથી સારી ફિલ્મો બનતી આવી છે. હા, હવે આપણા સિનેમા દુનિયાભરના લોકો જૂએ છે એ આપણા માટે સારી વાત છે.

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય, બંને ફિલ્મોમાં કામ કરવાનો અનુભવ ધરાવતી શહાનાને એમ લાગે છે કે વિદેશોમાં ફિલ્મોનું નિર્માણ વધુ વ્યવસ્થિત રીતે, નિયમો અને કાયદાઓને અનુસરીને થાય છે. આપણે ત્યાં અઢી ફિલ્મનું કન્ટેન્ટ ધરાવતી એક સીરિઝ એક ફિલ્મના બજેટમાં બનાવવાનો આગ્રહ રાખવામાં આવે છે. તેથી તેની સીધી અસર તેની ગુણવત્તા પર પડે છે. જો આપણે ત્યાં પણ સ્ક્રીપ્ટને યોગ્ય સમયે આપવાથી લઈને તેને ડેવલપ કરવાનું, પ્રી-પ્રોડક્શન વર્ક ઇત્યાદિ વધુ વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો આપણે પણ વિદેશમાં બને છે એવી ફિલ્મો-સીરિઝો બનાવી શકીએ. પરંતુ ક્યાં પૈસા બચાવવા તેનો જ વિચાર કરો તો પ્રોજેક્ટની ગુણવત્તા પર અસર પડવાની જ.