શાહરૂખ ખાન હવે માત્ર સિનિયર એક્ટર નહીં, એ હવે સિનિયર સિટીઝન એક્ટર બની ગયો છે. બીજી નવેમ્બરે એણે ૬૦ વર્ષ પૂરાં કરીને ૬૧મા વર્ષમાં પ્રવેશ કર્યો. ખરેખર, માની શકાતું નથી. એ 'સર્કસ' સિરિયલનો ચાર્મિંગ 'અભિ'-શાહરૂખ, એ 'ક...ક...ક... કિરન...' કહીને જુહી ચાવલાને છળાવી મૂકતો શાહરૂખ, એ બન્ને હાથ પહોળા કરીને રોમેન્ટિક મુદ્રા કરતો શાહરૂખ, એ 'સ્વદેસ', 'ચક દે ઇન્ડિયા', 'દેવદાસ'નો શાહરૂખ ૬૦ વર્ષનો થઈ ગયો! સિનેમા જેવા ભયાનક સ્પર્ધાત્મક ક્ષેત્રમાં દાયકાઓ સુધી શિખર પર રહેવું, અને ખુદને સતત રિલેવન્ટ સાબિત કરતા રહેવું - આ કેટલી મોટી વાત છે! શાહરૂખ પાસેથી જો કંઈ શીખવા જેવું હોય તો તે આ જ છે - સમયની સાથે રિલેવન્ટ રહેવાની કળા!
આમ તો પોતાના દર બર્થડે પર શાહરૂખ બાંદરા-મુંબઈ ખાતેના પોતાના 'મન્નત' બંગલોએ ચાહકોના ટોળેટોળાંને (સલામત અંતર જાળવીને) મળતો હોય છે, પણ હાલ 'મન્નત'ના રિનોવેશનનું કામકાજ થઈ રહ્યું છે, એટલે એણે પોતાની બર્થડે પાર્ટી શહેરથી થોડે દૂર અલીબાગ ખાતે યોજી હતી. શાહરૂખે સોશિયલ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ચાહકોને ઉદ્દેશીને લખ્યુંઃ 'તમે સૌ 'મન્નત'ની બહાર મારી રાહ જોઈ રહ્યા હશો, પણ હું આજે તમને મળવા આવી શકું તેમ નથી. તે બદલ દિલથી ક્ષમા. આ પગલું આપણા સૌની સલામતી અને ક્રાઉડ કંટ્રોલ માટે લેવામાં આવ્યું છે. થેન્ક્યુ, મારી લાગણી સમજવા માટે...'
શાહરૂખની અલીબાગ ખાતે યોજાયેલી બર્થડે પાર્ટીમાં અડધોઅડધ ઇન્ડસ્ટ્રી હરખપદૂડી થઈને પહોંચી ગઈ હતી. સોશિયલ મીડિયા શાહરૂખ માટેના શુભેચ્છા-સંદેશાથી છલક છલક થવા માંડયું. કેટલાય સ્ટારલોકોએ શાહરૂખ સાથેની પોતાની લેટેસ્ટ અથવા જૂની તસવીરો શેર કરીને બર્થડે વિશ કર્યું. કાજોલે લખ્યુંઃ 'હેપી સિસ્ક્ટીએથ ટુ અ લાઇફ વેલ લિવ્ડ... મારી આજની સલાહઃ કેક પર ગોઠવેલી મીણબત્તીઓને ગણવા ન બેસતો. તને ખરેખર તો નવેસરથી ૩૧મું બેઠું છે, તે બદલ અઢળક શુભેચ્છાઓ!' જુહી ચાવલાએ એક જૂની તસવીર શેર કરીને લખ્યુંઃ 'મારા ફ્રેન્ડ, કો-સ્ટાર, પાર્ટનર, કે જેના સાથે હું ખૂબ હસી છું, રડી છું અને જેના સંગાથમાં મેં કંઈકેટલુંય સેલિબ્રેટ કર્યું છે, તેને મારા તરફથી એક હજાર વૃક્ષો! ગોડ બ્લેસ હિમ. હેપી સિક્સ્ટીએથ બર્થડે શાહરૂખ...' આર. માધવને 'રોકેટ્રીઃ ધ નામ્બી ઇફેક્ટ'ના સેટ પર ખેંચેલી તસવીર (કે જેમાં માધવનનો દીકરો પર દેખાય છે) શેર કરીને લખ્યુંઃ 'હેપી સિક્સ્ટીએથ ડિયર શાહ ઓફ શાહ્ઝ. અમને સૌથી યાદગાર સિનેમેટિક ક્ષણો આપવા બદલ થેન્ક્યુ.' ગ્લેમર ફોટોગ્રાફર ડબ્બુ રત્નાણીએ પોતાના ફેમસ કેલેન્ડર માટે ખેંચેલી શાહરૂખની મસ્તમજાની બ્લેક-એન્ડ-વ્હાઇટ તસવીર શેર કરી (જુઓ ઉપર) અને શાહરૂખ માટે 'મેગ્નેટિક', 'એફર્ટલેસ', 'લ્યુમિનસ' જેવા વિશેષણો વાપર્યા.
તો ચાલો, ભેગાભેગું આપણે પણ શાહરૂખને વિશ કરી દઈએઃ હેપ્પી બીલેટેડ બર્થડે, એસઆરકે. સ્ટે બ્લેસ્ડ... ઓલવેઝ !


