- શાહરૂખ ખાને તાજેતરમાં 60મો જન્મદિન ઉજવ્યો.
- શાહરૂખને શૂટિંગ દરમિયાન વારંવાર ગંભીર ઇજાઓ થતી રહી છે, પણ એનો ખુશનુમા મિજાજ અકબંધ છે.
જ્યાહરૂખ ખાન આજકાલ ફુલ ફૉર્મમાં છે. કેમ ન હોય? એના પુત્ર આર્યન ખાન (જે નજીકના ભૂતકાળમાં કથિત ડ્રગકાંડને લીધે ભારે બદનામ થઈ ગયો હતો) આજની તારીખે 'બેડ્સ ઓફ બોલિવુડ' નામના ઓટીટી શોના કારણે સ્ટાર બની ગયો છે. ના રે, આ શોમાં એણે એક્ટિંગ નથી કરી, પણ આ શોનું ડિરેક્શન અને સહલેખન એણે કર્યું છે. કોઈ સ્ટાર-સનની આ રીતે ડિરેક્ટર તરીકે શાનદાર શરૂઆત થઈ હોય એવું છેલ્લે ક્યારે બન્યું હતું? 'બેડ્ઝ ઓફ બોલિવુડ'ના ટ્રેલર લોન્ચ પ્રસંગે શાહરૂખે મીડિયા સાથે વાતચીત કરતી વખતે જણાવ્યું હતું, 'આપ કે દિલમેં બહુત સવાલ ઉઠ રહે હોંગે તો સવાલો કે જવાબ મેં પહલે હી દે દૂ કી મેરે હાથ કો ક્યા હુઆ હૈ? મુઝે થોડી-સી ચોટ લગ ગયી, ફિર છોટી સર્જરી હૂઇ-છોટી નહીં થોડી બડી થી. તો રિકવર કરને મેં એક-દો મહિના લગેગા. લેકિન નેશનલ એવોર્ડ ઉઠાને કે લિયે તો મેરા એક હાથ હી કાફી હૈ. એકચ્યુલી, આજકાલ સારી ચીજેં મેં એક હાથ સે હી કર લેતા હૂં.'
શાહરૂખને ઇજા એની આગામી ફિલ્મ 'કિંગ'ના શૂટિંગ દરમિયાન થઈ હતી. આ એક્શન ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ છે. ૨૦૨૬માં તે રિલીઝ થવાની છે. શાહરૂખ માટે ઇન્જરી કોઈ નવી વાત નથી. એની ઇજાઓનો સિલસિલો શરૂ થયો હોત છેક છેક ૧૯૯૩માં, યશ ચોપડાની ફિલ્મ 'ડર'નું શૂટિંગ કરતી વખતે. એક સીનમાં શાહરૂખ ખાને જોશમાં આવી જઇ એવો કૂદકો માર્યો કે તેની ડાબી ઘૂંટી અને છાતીની ત્રણ પાંસળીઓમાં ગંભીર ઇજા થઇ હતી. એ પછી તેને રાકેશ રોશનની ફિલ્મ 'કોયલા'ના સેટ પર ૧૯૯૭માં ઇજા થઇ હતી. એ વખતે તેના ડાબા ઘૂંટણની ઢાંકણી પર હેરલાઇન ફ્રેક્ચર આવ્યું હતું. 'રા.વન' વખતે આ સમસ્યા એ હદે વકરી કે તેણે પીડા શમાવવા માટે ઇન્વેસિવ સર્જરી કરાવવી પડી. ૨૦૦૨માં બોની કપૂરની ફિલ્મ 'શક્તિ'ના શૂટ દરમિયાન પીઠનો દુખાવો એ હદે થવા માંડયો કે તેણે ડોક્ટર પાસે જઇ ચેક કરાવવું પડયું. તેમાં જણાયું કે તેની કરોડરજ્જુમાં આવેલાં મણકાઓની વચ્ચે રહેલી ગાદી સરકી ગઇ છે. આ ગાદી પાછી બેસાડવા માટે તેણે એન્ટિરિયર સર્વાઇકલ ડિસેસ્કોટોમી ઇંગ્લેન્ડની એક હોસ્પિટલમાં કરાવવી પડી. એ પછી તરત જ શાહરૂખે આશુતોષ ગોવારીકરની ફિલ્મ 'સ્વદેસ'નું શૂટિંગ કર્યું. હાલત એવી હતી કે સેટ પણ એક ફિઝિયોથેરપિસ્ટને સતત તૈનાત રાખવો પડતો હતો. આ વખતે શાહરૂખે કોઇ ચાન્સ લીધાં વિના જર્મનીમાં જઇ પીઠની સર્જરી કરાવી. એ દરમ્યાન તેની ફિલ્મ 'કલ હો ન હો આવી' અને હીટ થઇ.
એ પછી ૨૦૧૦માં રજૂ થયેલી 'દુલ્હા મિલ ગયા' ફિલ્મના એક એકશન સીનમાં તેના ડાબા ખભાને ગંભીર ઇજા થઇ. આ ફિલ્મમાં ખરેખર તો એનો ગેસ્ટ અપિરીયન્સ માત્ર હતો. આ જ વર્ષે કરણ જોહરની ફિલ્મ 'માય નેમ ઇઝ ખાન'ના શૂટિંગ દરમ્યાન આ જ ખભા પર ફરી ઇજા થઇ. સાથે સાથે તેના જમણાં અંગૂઠાને પણ ઇજા થઇ. એ પછી 'ચેન્નાઇ એક્સપ્રેસ' આવી. પાછી ઇન્જરી થઈ. શાહરૂખે લંડન જઈને ખભાંની સર્જરી કરાવવી પડી. ૨૦૧૬માં 'ફેન'ના શૂટિંગ દરમ્યાન એનો પગ ભાંગ્યો.
...અને આ વર્ષે સિદ્ધાર્થ આનંદની ફિલ્મ 'કિંગ'ના શૂટિંગમાં શાહરૂખ નવેસરથી ઘાયલ થયા! તેને જમણા હાથ ઉપરાંત તેને પીઠમાં પણ ફરી ઇજા થઇ, જેને કારણે તેને યુકે અને યુએસએ જઇને સારવાર કરાવવી પડી. ટૂંકમાં, શાહરૂખ સતત પડતોઆખડતો રહ્યો છે અને પીઠના દુખાવાથી પીડાતો રહ્યો છે. કદાચ આ કિંમત છે, એના સુપરસ્ટાર પદની, જે એણે શરીર તોડીને પણ ચૂકવવી પડે છે.
'જવાન' ફિલ્મમાં તેને પહેલીવાર બેસ્ટ એક્ટર તરીકે નેશનલ એવોર્ડ મળ્યો ત્યારે એવોર્ડ સમારોહ બાદ આપેલા વિડિયો મેસેજમાં શાહરૂખનો જમણો હાથ પ્લાસ્ટરમાં દેખાતો હતો.
'કિંગ'નું ટ્રેલર ખાસ્સું ઇન્ટરેસ્ટિંગ છે. આ ફિલ્મમાં શાહરૂખની દીકરી સુહાના ખાન ઉપરાંત દીપિકા પદુકોણ, અભિષેક બચ્ચન અને અનિલ કપૂર પણ છે. જોઈએ, ફિલ્મ બોક્સઓફિસ પર કિંગ બની શકે છે કે કેમ...


