- મોહિત સુરી ડિરેક્ટેડ 'સૈયારા'થી શાન ગ્રોવરને લોટરી લાગી ગઈ છે. પાપરાઝી અને મીડિયા એની સાથે ઇન્ટરેક્શન કરવા કાયમ તલપાપડ હોય છે
એક સુપરહિટ ફિલ્મનો લાભ એકલા પ્રોડયુસર, ડિરેક્ટર અને લીડ પેઅરને જ નથી મળતો. ફિલ્મના બીજા એકટર્સ, ટેકનીશ્યન્સ, મ્યુઝિક ડિરેક્ટર, ગીતકાર, કોરિયોગ્રાફર વગેરે વગેરે જાણીતા નામ બની જાય છે. યશરાજ ફિલ્મસ (વાયઆરએફ)ની બ્લોકબ્લસ્ટર જાહેર થઈ ચુકેલી લવસ્ટોરી 'સૈયારા'નો દાખલો તાજો છે. સૈયારાથી ડેબ્યુ કરનાર લીડ પેઅર અહાન પાંડે અને અનીત પડ્ડા હેડલાઈન્સમાં ચમકી રહ્યા છે. એમના ઉપરાંત એક બીજા એક્ટરે મૂવીમાં પોતાના પરફોર્મન્સથી બધાનું ધ્યાન દોર્યું છે. એ એક્ટર છે શાન આર. ગ્રોવર જેણે સૈયારામાં નેગેટીવ લીડ રોલ કર્યો છે.
૧૨ ઓક્ટોબર, ૧૯૯૫માં દિલ્હીમાં જન્મેલો શાન ગ્રોવર બોલીવૂડમાં નવો નથી. એક દશકની કરિયરમાં ૩૦ વરસનો એક્ટર 'સનમ તેરી કસમ' (૨૦૧૬), 'રિજેક્ટસ' (૨૦૧૯) અને 'રુહાનિયત' (૨૦૨૨) જેવી ફિલ્મો કરી ચુક્યો છે. મોહિત સુરી ડિરેક્ટેડ સૈયારાથી શાન ગ્રોવરને લોટરી લાગી ગઈ છે. પાપરાઝીઓ એ જ્યાં જાય ત્યાં એના ફોટા પાડવા પડાપડી કરે છે અને મિડીયા એની સાથે ઇન્ટરએક્શન કરવા તલપાપડ છે. આવા જ એક બ્રીફ ઇન્ટરએક્શનમાં શાનને શરૂઆતમાં જ એક પૃચ્છા થાય છે કે 'તને સૈયારાનો રોલ કઈ રીતે મળ્યો?' ગ્રોવરનો જવાબમાં આશ્ચર્ય પમાડે એવો છે, 'મેં એની માટે ઓડિશન આપ્યું હતું. એ એક સિમ્પલ પુણ કોમ્પિટીટીવ પ્રોસેસ હતી. મેં ઉપરાઉપરી ત્રણ રાઉન્ડ ઓડિશન્સ આપ્યા. મને એમાં (કાસ્ટિંગ ડિરેક્ટર) મેડમ શાનુ શર્માનો બહુ સપોર્ટ મળ્યો. શાનુ મેડમને હું ૨૦૧૬ થી ઓળખું છું. એમણે જ મને એક્ટર તરીકે ટ્રેઈન કર્યો છે. સૈયારાનું કાસ્ટિંગ ચાલતું હતું ત્યારે એમની ઓફિસમાંથી મને ફોન આવ્યો કે ફિલ્મમાં એક ગ્રે શેડવાળુ કેરેક્ટર છે, જેનું હિરોઈન સાથે બ્રેકઅપ થઈ જાય છે અને ત્યાંથી સ્ટોરી વળાંક લે છે. મેં એ રોલ માટે વિલન તરીકે નહિ, પણ હીરોની જેમ ઓડિશન આપ્યું. તમે નહિ માનો પણ એ રોલ માટે આસરે ૩૦૦ એકટર્સે ઓડિશન આપ્યું હતું. મોટાભાગનાએ નેગેટીવ કે સાકિક જેવા ટોનમાં ઓડિશન આપ્યું જ્યારે મેં કેરેક્ટરને રોમાંટિક ટચ આપ્યો. એ વાત શાન મેડમ અને મોહિત સુરીને બહુ ગમી. ઔર મેરી નિકલ પડી.'
શું શાને આ રોલ સ્વીકારતી વખતે કોઈ ખચકાટ નહોતો અનુભવ્યો? ગ્રોવરનો ઉત્ર એના નિખાલસ એકરાર સમાન છે, 'સર, હું એમ કહું કે મને લગીરે ઢચુપચુ નહોતો થયો તો એ એક જુઠાણું હશે. ખાસ કરીને મોટા બેનરની આવી હાઈ-પ્રોફાઈલ ફિલ્મમાં એક ગ્રે પાત્ર ભજવવા માટે હિંમત જોઈએ. મેં એ હિંમત કરી છે. મને ખાતરી છે કે ભવિષ્યમાં હું લીડ રોલ્સ પણ કરવાનો છું. પરંતુ સૈયારાના રોલ માટે મનમાં થોડી શંકા જરૂર હતી. વિલન તરીકે ટાઈપકાસ્ટ થઈ જઈશ તો શું એવો વિચાર જરૂર આવ્યો હતો. બીજી તરફ, વિશ્વાસ હતો કે આ એક આઇકનિક મૂવી છે અને એમાં આ રોલ કરવો એક મોટી તક છે.'
શાનને પ્રસન્ન મૂડમાં જોઈ એને એક અંગત સવાલ પણ કરી લેવાય છે, 'ક્યા રિયલ લાઈફ મેં આપકા કભી હાર્ટબ્રેક હુઆ હૈ, દિલ તૂટા હૈ?' એનો ખેલદિલીથી જવાબ આપતા એક્ટર કહે છે, 'હા, બિલકુલ હુઆ હૈ. દિલ તો બધાનું કોઈકને કોઈક વાર તૂટે જ છે. થોડા વરસો પહેલા મેં એક મુશ્કેલ હાર્ટબ્રેકનો સામનો કર્યો હતો. એક લાંબા પ્રેમસંબંધનો ખરાબ રીતે અંત આવ્યો. મહિનાઓ સુધી હું ત્યારે ઘરની બહાર નહોતો નીકળ્યો. કોઈને મળતો નહોતો કે વાત કરતો નહોતો. પરંતુ પછી એ ગમગીનીમાંથી બહાર આવવા હું કામમાં ખૂંપી ગયો. એમાં મારો ઘા રુઝાઈ ગયો.'
ત્યાર પછીની ઇન્કવાયરી એક્ટરની કસોટી કરે એવી હતી, 'યે ફિલ્મ એક લવસ્ટોરી હૈ. ઈસલિયે અહાન પાંડે ઔર અનીત પડ્ડા કે આસપાસ હી ઘુમતી હૈ. ખાસ કરીને અહાન ચન્કી પાંડેનો ભત્રીજો અને અનન્યા પાંડેનો કઝિન બ્રધર હોવાથી એમને શૂટીંગ દરમિયાન વધુ સારી સવલતો મળતી હતી એવું હતું ખરું?' ઇન્ડસ્ટ્રીના દાવપેચ શીખી ચુકેલો ગ્રોવર એનો ડિપ્લોમેટિક જવાબ આપે છે, 'નોટ એટ ઓલ, સર. શૂટ શરૂ થયું ત્યારે હું થોડો નર્વસ હતો, પણ સાચું કહું તો આવું કાંઈ બન્યું નહિ. મને સેટ પર એક સુપરસ્ટાર જેવી ટ્રીટમેન્ટ મળી. ત્યારે મને સમજાયું કે વાયઆરએફની એક મોટા પ્રોડકશન બેનર તરીકે શા માટે આટલી પ્રતિષ્ઠા છે. વાયઆરએફ ઘણી બધી સવલતો આપીને એકટર્સને રીતસર લાડ લડાવે છે એમ કહીએ તો ચાલે.'


