- પોલીસ ઓફિસરે અવાજ વધુ ઊંચો કરીને કહ્યું, 'ક્યા નહીં પિયા હૈ? તુમ્હારી પુરી કાર મેં ઐસા સ્મેલ આ રહી હૈ જૈસે સમન્દર કે અંદર પૂરી શરાબ કી ભઠ્ઠી હો...'
સિનેમાના સ્ક્રીન પર દેખાડાય છે એ રીતે કોઈ ગેંગસ્ટરની લાઈફ સુખચેનથી ભરપુર નથી હોતી. એમને સતત પોલીસ અને હરીફ ગેંગનો ડર લાગ્યા કરે છે. એ તો ઠીક છે પણ એકટર્સનેય ફિલ્મ માટે ગુંડા જેવા કોસ્યુમ્સ પહેરવાનું ભારે પડી શકે છે. વેટરન નેશનલ એવોર્ડ વિનિંગ એક્ટર સૌરભ શુકલાએ આવો જ એક કિસ્સો હમણાં મીડિયા સાથે શેર કર્યો, જેમાં પોલીસે એમની કાર અચાનક રોકીને એમની પૂછપરછ કરી હતી.
વાત ૧૯૯૮માં રિલિઝ થયેલી રામગોપાલ વર્માની અંધારી આલમ પર આધારિત ફિલ્મ 'સત્યા'ના મેકિંગ વખતની છે. એ જમાનામાં એક ગીત શૂટ કરતા કમસેકમ ૩-૪ દિવસ લાગી જતા, પરંતુ 'સત્યા'માં ગુંડા ટોળકી દ્વારા એક લગ્નમાં શરાબના નશામાં ઝુમીને મસ્તીથી ગવાતું સોંગ 'ગોલી માર ભેજે મેં' વર્માએ ફક્ત સાડા પાંચ કલાકમાં શૂટ કરી લીધું. એ યાદ કરતા સૌરભ શુકલા કહે છે, 'સૌથી સારી વાત એ હતી કે સોંગના શુટિંગ વખતે અમને એકટર્સને રિયલ બિયર પુરી પાડવામાં આવી હતી. પરંતુ કામ બગડે નહિ એ માટે કોઈએ બિયર પીધો નહિ. જેવું શુટિંગ પત્યું કે અમે બધા બિયરની બોટલો લઈ મારી કારમાં મારા ઘરે જવા નીકળ્યા. ઘરે જઈને બધાએ બિયરનો ટેસડો લેવો હતો. મનોજ બાજપેયી, આદિત્ય શ્રીવાસ્તવ અને મારા સહિત આખી કાસ્ટ કારમાં ગોઠવાઈ ગઈ હતી અને અચાનક રસ્તામાં પોલીસે અમારી કાર રોકી. પોલીસ ઓફિસરે કારનો દરવાજો ખોલ્યો અને અમને બધાને મેલાઘેલા કપડાં જોયા. ઉપરથી કારમાં બિયરની વાસ આવતી હતી. એટલે ઓફિસર તાડુક્યો, બાપરે! અંદર ક્યા પુરી કી પુરી (દારુકી) ભઠ્ઠી લગા રખી હૈ, તુમને? અને ખુલાસો કર્યો કે અમે દારુ બિલકુલ નથી પીધો. પરંતુ ઓફિસર એ માનવા તૈયાર નહોતો. એણે અવાજ વધુ ઊંચો કરીને કહ્યું, ક્યા નહીં પિયા હૈ? તુમ્હારી પુરી કાર મેં ઐસા સ્મેલ (વાસ) આ રહી હૈ જૈસે સમન્દર કે અંદર પુરી શરાબ કી ભઠ્ઠી હો.'
આ રમુજી કિસ્સો કહેતી વખતે શુકલા પોતે પણ હસવું રોકી નહોતા શક્યા.
શાહરુખની 'કિંગ'માં સૌરભ શુકલાની લેટેસ્ટ એન્ટ્રી
શાહરુખ ખાનના હોમ પ્રોડક્શનની બિગ બજેટ ફિલ્મ 'કિંગ' પહેલા જ દિવસથી એની એન્સેમ્બલ (લાંબીલચક) કાસ્ટને કારણે ચર્ચામાં છે. એમાં હવે 'જોલી એલએલબી' જજ તરીકે છવાઈ ગયેલા એક્ટર સૌરભ શુકલાનો ઉમેરો થયો છે. તેઓ નેશનલ એવોર્ડ વિનિંગ એક્ટર ઉપરાંત સારા સ્ક્રીનપ્લે રાઇટર પણ છે.
અત્રે યાદ અપાવવું ઘટે કે વેટરન એક્ટર સૌરભે અગાઉ એવું નિવેદન કરીને બધાને ચોંકાવી દીધા હતા કે શાહરુખ અને એમની પુત્રી સુહાના ખાન સાથેની મારી આગામી ફિલ્મ 'કિંગ' માં બોલિવુડના ૭૦ ટકા કલાકારો સામેલ છે. એ વિશે તાજેતરમાં પૂછાતા શુકલાજીએ એવો ડિપ્લોમેટિક ખુલાસો કર્યો હતો કે એવું કહીને હું ફિલ્મના સ્કેલ અને એની સાથે જોડાયેલા બધાના ઉત્સાહને હાઇલાઈટ કરવા માગતો હતો. ઇન શોર્ટ, મારો કહેવાનો મતલબ એટલો જ હતો કે 'કિંગ' એક બિગ બજેટ ફિલ્મ છે અને દરેક વ્યક્તિ એની સાતે જોડાવા તત્પર છે. શાહરુખ સાથે ફિલ્મ કરવા દરેક જણ તલપાપડ છે. એટલા માટે કે બધા શાહરુખને પ્રેમ કરે છે. એની ઓફિસમાંથી એક ફોન આવે અથવા તો એક્ટર પોતે કોલ કરે તો તમે એની સાથે કામ કરવા તમારો જમણો હાથ પણ કાપીને આપી દો. અલબત્ત, આટલું કહ્યા પછી એક્ટરે 'કિંગ'માં પોતાના રોલ વિશે કોઈ ફોડ નહોતો પાડયો.
સૌરભ શુકલાની એસઆરકે સાથેની આ પહેલી ફિલ્મ નથી, તેઓ ખાન સાથે અગાઉ 'બાદશાહ' અને 'હે રામ' જેવી મૂવી જ કરી ચુક્યા છે.


