- સતીશ શાહ અને રત્ના પાઠકની જોડી નિર્વિવાદપણે ભારતીય ટેલીવિઝનની શ્રેષ્ઠતમ જોડીઓ પૈકીની એક છે. અહીં રત્ના પાઠક પોતાના શબ્દોમાં પોતાના દાયકાઓ જૂના દોસ્તને હૃદયસ્પર્શી અંજલિ આપે છે...
ઓક્ટોબર ૨૦૨૫, બપોરના ૧૨:૫૭. મને એક વોટ્સએપ મેસેજ મળ્યો. તેમાં લખ્યું હતું : 'મારી ઉંમરને કારણે લોકો મને પુખ્ત સમજી લે છે!' આ સતીશ સાહનો મેસેજ હતો. સાથે એનો ફોટો પણ હતો. સતીશ શાહ - મારો સાથીદાર અને પ્રિય મિત્ર. મેં બપોરના ૧૪:૧૪ વાગ્યે જવાબ આપ્યોઃ 'તારા કેસમાં આ સાચું
જ છે!'
...અને જેડી મજેઠિયા ૧૫:૪૯ વાગ્યે મને મેસેજ કરે છેઃ 'સતીશભાઈ નથી રહ્યા!' મને લાગ્યું કે આ કોઈ ખૂબ જ ખરાબ મજાક કરી રહ્યું છે! પણ જેમ જેમ મને સમાચાર સ્પષ્ટ થતા ગયા, આ વાત પરથી મારો વધુ ને વધુ ભરોસો ઉઠતો ગયો. સતીશ ચાલ્યો ગયો! એક માણસ જે જિંદગીને ભરપૂર જીવવા, જીવન પર હસવા અને દરેક આઘાતને હસતાં મોઢે સહન કરીને આગળ વધવા માટે દૃઢ હતો, તે સતીશ ચાલ્યો ગયો! ભાંગી પડેલા મિત્રો એકબીજાને ઉતાવળમાં મેસેજ કરવા લાગ્યા - આ કેવી રીતે બન્યું? ક્યારે? તેની સાથે કોણ હતું? એ અત્યારે ક્યાં છે? કોઈને સમજાતું ન હતું કે શું પ્રતિક્રિયા આપવી. સતીશ ચાલ્યો ગયો!?
હું સતીશને ૧૯૮૦ના દાયકાની શરૂઆતથી જાણું છું, જ્યારે એફટીઆઈઆઈના સ્નાતકો દ્વારા બનાવવામાં આવતી ફિલ્મો, સિનેેમા કેવું હોઈ શકે તેના જૂની સંકલ્પનાઓને ઊધીચત્તી કરી રહી હતી. વાસ્તવિક દેખાતા ચહેરાઓ અને અભિનય કૌશલ્ય જે આપણે પહેલાં જોયા ન હતા, તે ચારેબાજુ હતા અને તેમના માટે પ્રેક્ષકો વધી રહ્યા હતા. આ પરિવર્તનની હવા હતી! સતીશ પાસે આ ફિલ્મોનો હિસ્સો બનવા માટે જરૂરી તમામ કૌશલ્યો હતા - તે ગાઈ શકતો હતો, તે નાચી શકતો હતો, જરૂર પડયે એ નાટકીય બની શકતો હતો. તેની પાસે 'સેન્સ ઓફ ડેન્જર' હતી. પોતાના શરીર પર તેનો કાબૂ હતો અને તેની હિલચાલની છટા અનોખી હતી, એ જુદી જુદી ભાષાઓ અને લહેકાઓમાં ઉત્તમ હતો, તેની સાંભળીને યાદ રાખવાની શક્તિ અસાધારણ હતી, અને એ સંવેદનશીલ પણ હતો! એ અફસોસની વાત હતી કે તે સમયના દિગ્દર્શકો તેને રમૂજી સિવાય અન્ય કોઈ રૂપે જોઈ શક્યા નહીં. કદાચ સતીશ પણ પોતાની જાતને મૂળભૂત રીતે એક રમૂજી માણસ તરીકે જોવા લાગ્યો હતો. તેણે સ્ક્રીન પર અને સ્ક્રીનની બહાર પણ આ ભ્રમ (અથવા કદાચ તે જ વાસ્તવિકતા હતી) જાળવી રાખ્યો. મને આશ્ચર્ય થતું હતું કે શું એ ક્યારેય 'આફ' (એટલે કે ગંભીર) બની શકતો હશે ખરો? અને પછી તેને ટેલિવિઝન પર સફળતા મળી અને એ બીજી યાત્રા પર નીકળી પડયો, જેણે તેને સુરક્ષિત અસ્તિત્વ, વિશાળ ચાહક વર્ગ, કામનો સંતોષ અને સારા મિત્રો આપ્યા. કદાચ અભિનયમાં વિવિધતાનો અભાવ અને પોતાની જાતને વિસ્તારવાની તક ક્યારેય ન શોધવી, તેની આ એક નાની કિંમત હતી, જે તેણે ચૂકવી.
ફ્લેશબેક! 'ફિલ્મી ચક્કર'ના ટાઇટલ સોંગનું શૂટિંગ. હું કોમેડીમાં નવી હતી. મેં 'ઇધર ઉધર'ના માત્ર ૧૩ એપિસોડ કર્યા હતા. અને તે એક તીક્ષ્ણ, કુશળ ખેલાડી, આ શૈલીનો ઉસ્તાદ, જેણે એકલા 'યે જો હૈ જિંદગી'ના ૬૭ એપિસોડમાં ૫૦ જુદાં જુદાં પાત્રો ભજવ્યા હતા! હું ઝડપથી સમજી ગઈ કે મારે ઘણું શીખવાનું છે. મારા મિત્ર 'સેટ્સ' (અમે વરસોથી એકબીજાને 'સેટ્સ' અને 'રેટ્સ' કહીએ છીએ) કરતાં વધુ સારું કોણ શીખવી શકે? અને તે જબરદસ્ત ઉદાર અભિનેતા હતો, જેણે ફક્ત મને જ નહીં, પણ અમારા પુત્રોની ભૂમિકા ભજવતા બે યુવાન છોકરાઓને, નાની ભૂમિકાઓમાં અન્ય વિવિધ કલાકારોને પણ મદદ કરી. હકીકતમાં, જે પણ દ્રશ્યો સારાં થયાં તેની પાછળ એનો બહુ મોટો ફાળો હતો. અમે એક અણઘડ દિગ્દર્શક, અને અસ્તવ્યસ્ત સ્િેક્રપ્ટ સાથે ફસાઈ ગયા હતા. સામાન્ય રીતે શૂટના દિવસે જ સ્ક્રિપ્ટના નામે કાલુઘેલું, જરાય હસવું ન આવે એવું લખાણ આવતું. મને યાદ છે અમે ચાર - સતીશ, વિજય કશ્યપ, સુલભા આર્ય અને હું, સ્ટુડિયો ફ્લોરની બહાર બેઠા હતા જ્યાં લાઇટિંગ ચાલી રહ્યું હતું અને લેખક અને દિગ્દર્શક સાથે તે દિવસે શૂટ કરવાના દ્રશ્યો સુધારવાનો પ્રયાસ કરી રહ્યા હતા. રમૂજી ક્ષણ ઉભી કરવી, હાસ્યાસ્પદ હોવા છતાં દ્રશ્યને સંભવિત બનાવવું, અન્ય કલાકારોને તેમના ટાઇમિંગમાં મદદ કરવી અને ક્યારેય, ક્યારેય પણ શો પર હાવી ન થવું - આ સતીશત્વ હતું, જેણે શ્રેણીને સફળ બનાવી.
મારા માટે આ અનુભવ કોમેડી શીખવાની સ્કૂલ હતો. હું શીખી કે સંવાદોનું ટાઇમિંગ કેવી રીતે કરવું અને પંચલાઈન કેવી રીતે રજૂ કરવી, કેવી રીતે હળવાશ અપનાવવી અને છતાં ગરિમા અને લાગણી જાળવી રાખવી. હું અભિનયમાં 'સત્ય' શોધી રહી હતી, જ્યારે સતીશ કેવી રીતે ઇમ્પેક્ટ પાડવો તે શોધી રહ્યો હતો. હું ટૂંક સમયમાં સમજી ગઈ કે બંને જરૂરી હતા (અને સિટકોમમાં તે શક્ય પણ હતું)... અને અહીં શરૂ થયેલી આ પ્રક્રિયા, 'સારાભાઈ વર્સીસ સારાભાઈ'માં ફળીભૂત થઈ. આતિશ કાપડિયા અને જેડી મજેઠિયાએ મને આ શો વિશે જણાવ્યું કે જેના વિશે તેઓ હજુ વિચારી રહ્યા હતા. તેમણે મને ફક્ત એક અછડતી રૂપરેખા આપી. શો ક્રેઝી અને અલગ હતો અને મેં તરત જ હા પાડી દીધી. પછીનો પ્રશ્ન હતો - ઇન્દ્રવદનની ભૂમિકા કોણ ભજવી રહ્યું છે? ખરેખર એક બિનજરૂરી પ્રશ્ન કારણ કે તેનો જવાબ સ્પષ્ટ હતો - સતીશ શાહ! 'સારાભાઈ વર્સસ સારાભાઈ' એ ઘણી બધી ઉર્જાઓનું જાદુઈ મિશ્રણ હતું. દરેક પોતાની શક્તિઓ રેડી રહ્યા હતા અને બધા એકસાથે તાલ મિલાવી રહ્યા હતા. આતિશનો સ્ક્રિપ્ટમાં સંપૂર્ણ વિશ્વાસ, દેવેનની દરેક પાત્ર કેવી રીતે ભજવવું જોઈએ તેની ઊંડી સમજ, અમે પાંચ અભિનેતાઓ (વત્તા દેવેન અને આતિશ. દુષ્યંત અને કચ્ચા કેલા તરીકેના તેમના અદભુત પાત્રોને કોણ ભૂલી શકે?) - સૌએ કુશળતાપૂર્વકની મસ્તી સાથે પાત્રોને જીવંત કર્યા. અમારા નિર્માતા જેડી મજેઠિયાનો મજબૂત ટેકો અને પ્રોજેક્ટમાં તેમનો સંપૂર્ણ વિશ્વાસ હતો. એકબીજાના કૌશલ્ય પર સંપૂર્ણ વિશ્વાસ અને પ્રશંસાના વાતાવરણમાં રહેવું અદભુત હતું. તે અમારા માટે એક અનોખો અનુભવ હતો અને મને લાગે છે કે, પ્રેક્ષકો માટે પણ તેટલો જ અનોખો હતો.
...અને આ એક વાર સતીશ ફક્ત ચિલ કરી શક્યો અને પોતે જેવો હતો તેવો રહી શક્યો - સંપૂર્ણપણે અને ખુશીથી 'હેગર ધ હોરિબલ' બની ગયો, જે તેની પ્રિય કોમિક સ્ટ્રીપ હતી. સતીશ પાસે એક પાળેલો અજગર હતો જેને તે તેના ઘરે આવતા અજાણ મુલાકાતીઓની પાસે મૂકી દેતો. તેણે એકવાર નસીર (નસીરુદ્દીન શાહ) સાથે આવું કર્યું, જેને સાપનો ડર (ફોબિયા) છે, અને પછી ઠંડા કલેજે તે ગરીબ સરિસૃપને પોતાની આસપાસ વીંટાળી દીધા. સતીશનાં મમ્મી અડધા ભય અને અડધા આશ્ચર્યમાં પોતે જણેલા આ પ્રાણીને (સતીશને) જોઈ રહ્યાં હતાં. બધાને લાગતું કે સતીશ ક્યારેય ગંભીર નહોતો તે દરેક પરિસ્થિતિમાં વિચિત્ર રસ્તો શોધી લેતો. એ માણસ જેને કોઈએ ક્યારેય ઉદાસ કે નિરાશ જોયો ન હતો. કોઈ જોતું ન હતું ત્યારે સતીશ કોણ હતો એવું મેં વારંવાર વિચાર્યું છે. પરંતુ નિઃશંકપણે તે એ માણસ હતો જે અમારા સારાભાઈ પરિવારની કરોડરજ્જુ હતો.
અમે એક સાચો પરિવાર બની ગયા છીએ. તેની ગેરહાજરીમાં અમને તે વધુ તીવ્રતાથી અનુભવાયું, જ્યારે અમે તેને તેની અંતિમ યાત્રા પર વિદાય આપવા માટે ભેગા થયાં. અમે તેને સંપૂર્ણપણે શાંત જોયો, અણનમ, જાણે વાક્યની વચ્ચે જ અટકી ગયો હોય તેમ. તેનો વાચાળ ચહેરો સંપૂર્ણપણે સ્થિર (શું તે ખરેખર શાંત હતો? મને ખાતરી નથી). અમે સહજપણે મધુ તરફ વળ્યાં. મધુ એટલે એની પત્ની અને છેલ્લા ૪૫ વર્ષથી દરેક બાબતમાં તેની ભાગીદાર, જે સમજાતું જ નહોતું કે આ બધું શું થઈ રહ્યું છે. 'શું આ ખરેખર થઈ રહ્યું છે?' તેણે મને પૂછયું. તેની આંખો સ્તબ્ધ હતી, તેના હાથ સજ્જડ હતા. તેને લઈ
જવાની તૈયારી થઈ રહી હતીલ ત્યારે અમે મધુને ઘેરીને બેઠા હતાં અને અને વસ્તુસ્થિતિને સમજવાનો પ્રયાસ કર્યો. સતીશ મ૦૦ુ માટે જીવવા માંગતો હતો - મુશ્કેલ સમયમાં તેની સંભાળ રાખવા. 'મધુએ ઘણાં વરસોથી મારા માટે આ કર્યું છે, હવે મારો વારો છે', સતીશે એક વાર કહ્યું હતું. જ્યારે તે ગાતો, એ બહુ જ મીઠું અને વારંવાર ગાતો, મધુ હંમેશા તેની પડખે હસમુખી અને સૌંદર્યની મૂત બનીને રહેતી. હવે કોણ તેને સંભળાવશે અને તેની સાથે ગાશે?
સારાભાઈ પરિવારે આ પ્રસંગ સંભાળી લીધો અને તેને યાદગાર શ્રદ્ધાંજલિ આપી. તેનાં મનપસંદ ગીતો ગાવામાં આવ્યા. સદભાગ્યે કોઈ ભાષણ નહોતાં અને મધુ પણ તેમાં જોડાઈ શકી. તેણે ધીમે ધીમે અને શરૂઆતમાં ખચકાટ સાથે ગાયું, જાણે આશ્ચર્ય પામી હોય કે જે માણસ આ ગીતો સાથે જોડાયેલો હતો તે હાજર ન હતો. પરંતુ પછી તેણે તેના જીવનની ઉજવણી કરવા માટે ભેગા થયેલા પ્રિયજનોના સ્નેહમાં પોતાને સમપત કરી દીધી. એેનો અવાજ ઊંચો થયો. એ જાણે પોતાના સતીશ માટે ગાઈ હતી.
અચાનક વરસાદનું ઝાપટું આવ્યું. કદાચ સ્વર્ગ રડી રહ્યું હતું કારણ કે ભારતીય કોમેડીનું 'નટખટ બાળક' તેની તરફ પ્રયાણ કરી રહ્યું હતું....!
- રત્ના પાઠક


