- 'હું આજે શારીરિક અને માનસિક બન્ને રીતે વધુ મજબૂત બની ગઇ છું. જીવન અને કારકિર્દીના વિકાસ માટે આપણું મનોબળ જ આપણું સૌથી મોટું શસ્ત્ર બની રહેતું હોય છે.'
હિન્દી ફિલ્મ જગતની નવી પેઢીના કલાકારો પોતાની હેલ્થ માટે ખૂબ સભાન રહે છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય, બન્ને માટે. આ ખૂબ સારી વાત છે. તેઓ વહેલી સવારે જાગીને જિમ જશે, યોગાસન - ધ્યાન- પ્રાણાયામ કરશે. પાપારીઝીઓ એમની આ તસવીરો સતત સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. માત્ર લેટેસ્ટ પેઢીના કલાકારો જ નહીં, બલ્કે અક્ષયકુમાર, જોન અબ્રાહમ, અનિલ કપૂર, દીપિકા પદુકોણ પોતાના વર્કઆઉટ્સની બાબતમાં ખૂબ શિસ્તબદ્ધ છે. હળવીથી ભારે કસરતો અને યોગાભ્યાસને કારણે એમનાં તન-મન લીલાંછમ રહે છે.
આ મામલામાં અભિનેત્રી સારા અલી ખાન ખાસ્સી જાગૃત છે. સૈફ અલી ખાન અને અમૃતા સિંહની આ દીકરી કહે છે, 'હિન્દી ફિલ્મ જગતનું વાતાવરણ બહારથી બહુ ઝળહળતું લાગે છે. હકીકત તો એ છે કે ફિલ્મના શૂટિંગ દરમિયાન અને શૂટિંગ ન હોય ત્યારે પણ અમારે ઘણી મહેનત પણ કરવી પડે છે. જબરી સ્પર્ધા પણ હોવાથી અમારે બહુ સાવધ રહેવું પડે છે. ક્યારેક શૂટિંગ વહેલી સવાર સુધી ચાલતું હોય છે. ઉપરાંત, ફિલ્મ રજૂ થાય તે પહેલાં તેના પ્રમોશન માટે જુદાં જુદાં શહેરોમાં જવું પડે છે. આવી પરિસ્થિતિમાં શારીરિક અને માનસિક બંને રીતે મજબૂત રહેવું જરૂરી છે. હું તો બહુ સ્પષ્ટપણે માનું છું કે શારીરિક તંદુરસ્તી સાથોસાથ માનસિક આરોગ્ય પણ એટલું જ તાજુંમાજું રહે તે જરૂરી છે. કોઇપણ વ્યક્તિ શારીરિક રીતે મજબૂત હોય પણ તેનું મનોબળ નબળું હોય તો તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. તે વ્યક્તિ જીવનમાં પડકારરૂપ પરિસ્થિતિમાં ડિપ્રેશનમાં આવી જશે. જે વ્યક્તિનું મનોબળ લોખંડી હશે તે જીવનના તમામ આરોહ -અવરોહમાંથી સફળતાથી બહાર આવી જશે.'
ફિલ્મ 'કેદારનાથ' (૨૦૧૮)થી હિન્દી ફિલ્મ જગતમાં અભિનયની કારકિર્દી શરૂ કરનારી સારા કહે છે, 'મને અનુભવે સમજાયું છે કે તાકાતવાન હોવાનો અર્થ એવો નથી થતો કે આપણે આપણી લાગણી કે ભાવનાને વ્યક્ત ન કરવી. ઉદાહરણરૂપે અન્યાય, અપમાન, નિષ્ફળતાથી લઇને પોતાની પ્રતિભા અને સફળતા વગેરે સાથે સંકળાયેલી લાગણીઓને કે સમજણને વ્યક્ત ન કરવી અને તેને મનમાં જ ધરબાયેલી રાખવી તે કાંઇ શક્તિનું લક્ષણ નથી. ખરેખર તો આપણી આવી લાગણીઓને મનમાં જ ગોંધાયેલી રાખવાથી સમય જતાં માનસિક સ્તરે મોટું નુકસાન થવાનું જોખમ રહે છે.'
મુંબઇમાં જન્મેલી અને કોલંબિયા યુનિવર્સિટી (ન્યુ યોર્ક)માંથી હિસ્ટ્રી અને પોલિટિકલ સાયન્સની સ્નાતક થયેલી સારા અલી ખાન બહુ મહત્ત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, 'હું જ્યારે પણ કોઇપણ બાબતમાં આછેરી મુંઝવણ કે દ્વિધા અનુભવું છું ત્યારે મારી મમ્મી અમૃતા સિંહ સાથે વાત કરીને તેમનું માર્ગદર્શન મેળવું છું. આપણાં સુખ - દુ:ખમાં માતાપિતા જ સાચી સલાહ આપે.'
'સિમ્બા', 'ઝરા હટકે ઝરા બચ કે', 'કૂલી નં.૧', 'અતરંગી રે', 'સ્કાયફોર્સ', 'મેટ્રો... ઇન દિનોં' વગેરે ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ ભજવનારી સારા અલી ખાન એક મહત્વની કબૂલાત કરતાં કહે છે, 'હા, હું મારી ફિલ્મ કારકિર્દીના મામલે એક તબક્કે માનસિક રીતે અતિ સંવેદનશીલ બની ગઇ હતી. બહુ પરેશાન રહેતી હતી. જોકે મેં મારી જાત સાથે વાત કરી અને ઉકેલ શોધ્યો. મેં મારી મમ્મી સહિત પરિવારના બીજા સભ્યો સાથે વધુ સમય પસાર કરવાનું શરૂ કર્યું. મારી આજુબાજુ બનતી ઘટનાઓમાં રસ લીધો, નાની નાની નાની વાતોમાંથી આનંદ મેળવ્યો. ખરેખર ચમત્કાર થયો હોય તેમ મારા મન પરથાી પેલો બોજો અને મુંઝવણ અદ્રશ્ય થઇ ગયાં. હું આજે શારીરિક અને માનસિક બંને રીતે વધુ મજબૂત બની ગઇ છું. જીવનના અને કારકિર્દીના વિકાસ માટે આપણું મનોબળ જ આપણું સૌથી મોટું શસ્ત્ર છે.'


