- સાન્યા ફેમિનિઝમ પર અત્યંત સંતુલિત વિચાર ધરાવે છે. લોકો ભૂલી જાય છે કે નારીવાદ માત્ર મહિલાઓની લડાઈ નથી, પણ સમાનતાની માંગણી છે.
મુંબઈની ભાગદોડ અને બોલિવુડની ચકાચૌંધ વચ્ચે પણ સાન્યા મલ્હોત્રાની ગણના આજે એવી ગણીગાંઠી અભિનેત્રીઓમાં થાય છે જે ગ્લેમરના બાહ્ય દેખાડાથી નહિ પણ પોતાની સાદગી, પ્રતિભા અને પ્રમાણિકતાથી ઓળખાય છે. દિલ્હીની ગલીઓમાંથી શરૂ થયેલી સાન્યાની સફર તેની ફિલ્મોની વાર્તા જેટલી રોમાંચક ઉપરાંત પ્રેરક પણ છે. સાન્યાએ પોતાના અભિનય કૌશલ્ય, આત્મવિશ્વાસથી યુક્ત ફેશન સ્ટાઈલ અને વિચારોની પરિપકવતાથી સાબિત કર્યું છે કે કલાકારની ખરી ઓળખ તેના કામ અને વિચારધારાથી થતી હોય છે, સ્ટારડમથી નહિ.
દિલ્હીથી મુંબઈ: સ્ટાઈલ તો બદલાઈ, પણ સમજદારી વધી
સાન્યા કહે છે કે તેની ફેશન સેન્સ કાયમ બે ધૂ્રવો વચ્ચે ઝૂલતી રહી છે. દિલ્હીમાં ઉછરેલી સાન્યા ત્યાંની સંસ્કૃતિથી પૂરી રીતે રંગાયેલી હતી. સાન્યા મઝાકમાં કહે છે કે દિલ્હીમાં તો પાંચ મિનિટ માટે પણ બહાર નીકળવું હોય તો મેકઅપ અને પૂરી તૈયારી સાથે નીકળવું પડતું. પણ મુંબઈમાં તેનો અંદાજ રિલેક્સ થઈ ગયો. મુંબઈની સહજ અને સ્વતંત્ર શૈલીએ તેને વિના મેકઅપ અને સજાવટ પોતાનો સ્વીકાર કરતા શીખવ્યું.
દિલ્હીના મિત્રો મુંબઈ આવતા તો તેઓ સાન્યાને સાદગીભર્યા વેશમાં જોઈને આશ્ચર્ય પામતા અને હળવી પણ નકારાત્મક ટિપ્પણી પણ કરતા. સાન્યા હસતા જણાવે છે કે ખાન મારકેટમાં ચપ્પલ પહેરીને જવું તેના મિત્રો માટે અપરાધથી ઓછું નહોતું. પણ સાન્યાને આ પરિવર્તન પસંદ આવ્યું, કારણ કે તેમાં બાહ્ય દેખાડાથી વધુ અસલિયતને વધુ મહત્ત્વ મળતું હતું.
પોતાની જ સ્ટાઈલ વધુ પસંદ છે
સાન્યા માટે ફેશન માત્ર કપડાંનો ખેલ નથી, પણ પોતાની ઓળખ અને લાગણીઓને વ્યક્ત કરવાનું માધ્યમ છે. પ્રારંભિક દૌરમાં તેની પાસે સ્ટાઈલિસ્ટ રાખવાની સુવિધા નહોતી, આથી તેણે પોતાની જ આવડતથી પોતાનો લૂક તૈયાર કરવાનું શરૂ કર્યું અને તેમાં જ તેને વધુ આત્મવિશ્વાસ હાંસલ થયો. એક વાર એક મોટા કાર્યક્રમમાં તેણે પોતાના જ વોર્ડરોબમાંથી કપડા પસંદ કર્યા અને ત્યારે તમામે તેના પહેરવેશની પ્રશંસા કરી. ત્યારથી સાન્યાને વિશ્વાસ બેઠો કે પોતાની સ્ટાઈલ પોતે જ સારી રીતે ઓળખે છે. ઉપરાંત સાન્યાને રિપીટ આઉટફિટ પહેરવોનો પણ કોઈ છોછ નહોતો.
સ્ટારડમ નહિ, એક્ટિંગથી પ્રેમ
સાન્યા કાયમ એક અભિનેત્રી બનવા ઈચ્છતી હતી, સ્ટાર નહિ. તેનું ધ્યાન ક્યારે પણ ચમક-ધમક વાળા ટાઈટલ્સ પર હનિ. 'પગલૈટ', 'કટહલ' અને 'મિસિસ' જેવી ફિલ્મોમાં મુખ્ય રોલ નિભાવીને સાન્યાએ સાબિત કર્યું કે તેની પ્રથમ પ્રાથમિકતા કાયમ અભિનય જ રહી છે. સાન્યાએ જણાવ્યું કે 'પગલૈટ' સાઈન કરતી વખતે તેને પોતાના પર સંશય હતો, પણ પ્રોડયુસર ગુનીત મોંગા અને દિગ્દર્શક ઉમેશ શુક્લાએ તેને ભરોસો અપાવ્યો. આ જ ભરોસો આજ ેપણ તમામ પ્રકારના રોલ ભજવવામાં તેને સહાયરૂપ થાય છે.
ફેમિનિઝમ પુરુષો માટે પણ એટલું જ જરૂરી
પોતાની ચર્ચિત ફિલ્મ 'મિસિસ'ની વાત કતા સાન્યા ફેમિનિઝમ પર અત્યંત સંતુલિત વિચાર ધરાવે છે. સાન્યાના મતે લોકો ભૂલી જાય છે કે નારીવાદ માત્ર મહિલાઓની લડાઈ નથી, પણ સમાનતાની માંગણી છે.
પુરુષપ્રધાન સમાજનું દબાણ પુરુષો પર પણ હોય છે. તેમને ભાવનાઓ વ્યક્ત કરવાની સ્વતંત્રતાથી પણ વંચિત રાખવામાં આવે છે.
સાન્યા પાસે લગ્ન માટે સમય નથી
સાન્યા અસલ જીવનમાં 'મિસિસ' બનવા હજી તૈયાર નથી. સાન્યા મજાકમાં જણાવે છે કે હાલ તો તેની પાસે રજા લેવાનો પણ સમય નથી. કામ અને પ્રોજેક્ટ્સ વચ્ચે તે લગ્નને પ્રાથમિકતા ન આપી શકે.
ઓટીટી પર દમદાર પ્રદર્શન
સાન્યાની અનેક ફિલ્મો 'લુડો', 'લવ હોસ્ટેલ' અને 'મિસિસ' સીધી ઓટીટી પર રજૂ થઈ અને ખૂબ જ પ્રશંસા પામી. સાન્યા માને છે કે તેની ફિલ્મોને ડિજિટલ પ્લેટફોર્મ પર ઉત્કૃષ્ટ પ્રતિસાદ મળી રહ્યો છે, આથી જ તે તેની રજૂઆતના ફોર્મેટની ચિંતા નથી કરતી.
દિલજીતના ગીત પર ડાન્સ: કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી
હાલમાં જ સાન્યાએ દિલજીત દોસાંજના ગીત 'ચાર્મર' પર ડાન્સ કરતો પોતાનો વીડિયો શેર કર્યો, જેમાં તે પ્રથમ વાર હિલ્સ પહેરીને નૃત્ય કરતી દેખાઈ. આ અનુભવ તેના માટે વિશેષ એટલા માટે હતો કે તેણે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાની હિંમત દેખાડી. વીડિયોમાં તેની ઊર્જા અને ખુશી સાફ છલકાય છે.
જો કે અગાઉ પણ સાન્યા સુનિધિ ચૌહાણના લોકપ્રિય ગીત 'આંખ'માં નજરે પડી હતી. આ ગીત માટે તેને બે અઠવાડિયાની મહેનત કરીને ડાન્સ શીખ્યો હતો.
ફિલ્મના રોલ માટે શારીરિક તાલીમ લીધી
પોતાની હાલની ફિલ્મ 'સની સંસ્કારી કી તુલસી કુમારી'માં સાન્યા વરુણ ધવન અને જાન્હવી કપૂર સાથે દેખાઈ. આ ફિલ્મ પાત્ર માટે તેણે વજન વધારવું પડયું અને સાન્યાએ આ બાબતને એક ફિટનેસ પડકાર તરીકે ઉપાડી લીધી. ક્રેશ ડાયેટિંગથી બચીને તેણે ત્રણ મહિના સુધી સ્ટ્રકચર્ડ પ્લાન સાથે સ્ટ્રેન્થ ટ્રેનિંગ, મૂવમેન્ટ સ્કિલ્સ અને સંતુલિત ખાનપાન પર ધ્યાન આપ્યું. તેણે માત્ર વજન વધારવા પર જ નહિ પણ શરીરને મજબૂત બનાવવા પર ધ્યાને કેન્દ્રિત કર્યું. પુલ-અપ્સ, પુશ-અપ્સ અને ફંકશનલ મૂવમેન્ટ્સ શીખતી વખતે સાન્યાએ એક સ્વસ્થ શરીર જ નહિ પણ મજબૂત માનસિકતા પણ વિકસાવી.


