સંજુબાબા પાંસઠ વર્ષની ઉંમરેય ધુબાકા મારવા છે
- 'અમે સંજુબાબાને કહ્યું કે અમુક સિકવન્સ માટે વીએફએક્સનો ઉપયોગ કરી શકાય તેમ છે, પણ સંજુબાબાએ મારા ચાહકો મારી એક્શન સિકવન્સ જોવા માટે જ થિયેટરમાં આવે છે. વીએફએક્સની કશી જરૂર નથી, હું મારા ફેન્સ માટે એક્શન સિકવન્સ જાતે જ કરીશ.'
લો, સંજય દત્ત ૬૫ વર્ષની પાક્ટ વયે પણ પોતાના સ્ટટ જાતે કરવાનો આગ્રહ રાખે છે, બોલો. છેલ્લે ૨૦૨૨માં આવેલી 'કેજીએફ : ચેપ્ટર ટુ'માં અને એ પછી ૨૦૨૩માં આવેલી 'લિઓ' ફિલ્મમાં તેણે જોરદાર એક્શન દ્રશ્યો ભજવ્યા હતા. એની લેટેસ્ટ ફિલ્મ 'ભૂતની'માં પણ સંજય દત્તે બોડી ડબલ વાપરવાને બદલે એક્શન દ્રશ્યો જાતે ભજવ્યા છે.
ફેબુ્રઆરી ૨૦૨૪માં ગોરેગામમાં આવેલાં ફિલ્મસિટીમાં આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું તે સમયે થયેલા અનુભવની વાત કરતાં દિગ્દર્શક સિદ્ધાંત સચદેવ કહે છે, 'અમે ફિલ્મના સેટ પર ચાલીસ ફૂટ ઊંચી દીવાલ બનાવવામાં આવી હતી. સંજય દત્તે આ દીવાલ પર એકલા ઊભા રહેવાનું હતું અને જ્યારે પાછળ ધડાકો થાય ત્યારે દીવાલ પરથી કૂદવાનું હતું. અમે ક્રેન અને કેબલની સહાયથી સંજય દત્તને દીવાલ પર ખડા કરી દીધા હતા. આ શોટ માટે અમે ઘણાં રિહર્સલ કર્યાં હતાં અને સેફ્ટી માટેનાં તમામ પગલાં ભર્યાં હતાં. અમે તેઓ જ્યાં કૂદવાના હતા ત્યાં ક્રેશ મેટ બિછાવી હતી અને સેફ્ટી માટે હાર્નેસ પહેરાવી તેની સાથે બે કેબલ પણ જોડયા હતા. શૂટિંગ શરૂ થયું. પાછળ આગ ભડભડ સળગી રહી હતી. અમે બધા મનોમન પ્રાર્થના કરી રહ્યા હતા કે બધું સમુસૂતરું પાર પડે. અમારી આંખો સંજય દત્ત પર જડાયેલી હતી. 'એકશન' બોલતાંની સાથે તેમણે દીવાલ પરથી જમ્પ માર્યો. અમારા સૌના શ્વાસ અદ્ધર થઇ ગયા હતા. કૂદકો માર્યા બાદ થોડી વાર બાદ સંજુબાબાએ થમ્સ અપ સાઇન કરી ત્યારે અમારો જીવ હેઠો બેઠો અને સેટ પર તાળીઓનો ગડગડાટ થઇ ગયો.'
'ભૂતની' આમ તો ફિલ્મ હોરર-કોમેડી છે, પણ દિગ્દર્શક સિદ્ધાંત સચદેવે એક્શનનો વઘાર પણ કર્યો છે. તેઓ કહે છે, 'અમે સંજુબાબાને કહ્યું કે અમુક સિકવન્સ માટે વીએફએક્સનો ઉપયોગ કરી શકાય તેમ છે, પણ સંજુબાબાએ ચોખ્ખું કહી દીધું કે મારા ચાહકો મારી એક્શન સિકવન્સ જોવા માટે જ થિયેટરમાં આવે છે. વીએફએક્સની કશી જરૂર નથી, હું મારા ફેન્સ માટે એક્શન સિકવન્સ જાતે જ કરીશ.'
આ ઉંમરે પણ સંજુબાબા ડિમાન્ડમાં છે. તેમની એકાધિક ફિલ્મો આવી રહી છે જેમ કે, 'વેલકમ ટુ ધ જંગલ', 'બાપ', 'કેડી- ધ એવિલ', 'શેરાં દી કૌમ પંજાબી' વગેરે. જોઈએ, આમાંથી કઈ ફિલ્મો સંજુબાબાને જશ અપાવે છે.