- 'લવ એન્ડ વોર'નું હજુ 70 દિવસનું શૂટિંગ બાકી છે. આ સમયગાળા દરમ્યાન છ લાંબાં ગીતો ફિલ્માવવામાં આવશે. લગભગ ૩૫ દિવસ ખાસ ગીતો અલાયદા રાખવામાં આવ્યા છે.
સિનેમેટીક ભવ્યતા ઘડવાની વાત આવે ત્યારે બહુ ઓછા ફિલ્મસર્જકો સંજય લીલા ભણસાલી જેવું ધૈર્ય અને ચોકસાઈ રાખી શકે છે. તેમની આગામી ફિલ્મ 'લવ એન્ડ વોર' પણ તેમાં કોઈ અપવાદ નથી. રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ અભિનિત આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ નવેમ્બર ૨૦૨૪ના રોજ શરૂ થયો હતો અને હજી પણ ૭૦ દિવસનું શૂટીંગ બાકી છે.
હાલ ફિલ્મનું શૂટીંગ ગોરેગાંવ, મુંબઈમાં થઈ રહ્યું છે, પણ તેના નિર્માણકાર્યમાં હજી ઘણા ંકામ બાકી છે. શૂટ સાથે સંકળાયેલાં સૂત્રો અનુસાર બે મહિનાથી વધુ સમયનું શૂટીંગ બાકી છે, જેમાં છ લાંબાં ગીતો ફિલ્માવવાના રહેશે. લગભગ ૩૫ દિવસ ખાસ ગીતોનાં શૂટિંગ માટે અનામત રાખવામાં આવ્યા છે.
ભણસાલીની ફિલ્મમાં સંગીતનું કેટલું મહત્ત્વ છે તે આપણે સૌ જાણીએ છીએ. તે સરળ ટ્રેક નથી હોતા પણ ભવ્ય, સમય-વિશિષ્ટ રચનાઓ હોય છે. પ્રત્યેક ગીતમાં જટિલ કોરીયોગ્રાફી અને વિગતવાર કોસ્ચ્યુમ ડીઝાઈનથી લઈને વિશાળ સેટ રચના જેવા વિસ્તૃત પ્રી-પ્રોડક્શન થયું હોય છે જે કથાના ભાવનાત્મક કેન્દ્રને તીવ્ર બનાવે છે.
ભણસાલી મોટાભાગે શાનદાર વિઝ્યુઅલ અને ક્લાસિકલ સૌંદર્યમાં સમૃદ્ધ ભવ્ય ઐતિહાસિક ડ્રામા સાથે સંકળાયેલા રહ્યા છે. એક તરફ ભણસાલીએ સંકેત આપ્યો છે કે 'લવ એન્ડ વોર' તેમના તાજેતરના ભવ્ય પીરિયડ કથાનકોથી વિપરીત છે, જે વધુ સમકાલીન વાર્તા રજૂ કરશે. જોકે ફિલ્મનું સંગીત અને વિઝ્યુઅલ ટ્રીટમેન્ટની તેમની લાક્ષણિકતા આમાં પણ નજરે પડશે. આધુનિક વાતાવરણમાં પણ ભણસાલીની વાર્તા કહેવાની પદ્ધતિ નાટકીય, શાનદાર પ્રોડક્શન ડીઝાઈન અને ભાવનાત્મક મ્યુઝિકલ કહાણી કહેવા પર ટકી છે. મોડર્ન થીમ અને ક્લાસિકલ વિઝ્યુઅલ ભાષાના મેળથી ફિલ્મને એક અલગ ટેક્સચર મળવાની સંભાવના છે.
એક્સટેન્ડ થયેલા પ્રોડક્શન શેડયુલથી ફિલ્મની રજૂઆત પર પણ અસર થશે. શરૂઆતમાં 'લવ એન્ડ વોર' ૨૦૨૬ના સ્વતંત્રતા દિવસે રજૂ થવાનું હતું, જે બોલિવૂડની ફિલ્મો માટે સૌથી માનીતો દિવસ ગણવામાં આવે છે. જોકે આ સ્લોટ હવે રાજકુમાર સંતોષી દિગ્દર્શિત, સની દેઉલ અભિનિત અને આમિર ખાન સમર્થિત 'લાહોર ૧૯૪૭'એ લઈ લીધો છે. બંને પ્રોજેક્ટના વ્યાપને જોતા 'લવ એન્ડ વોર'ના સર્જકોએ બોક્સ ઓફિસ અથડામણ ટાળવા તેમની રજૂઆતની તારીખમાં ફેરવિચારણા કરવાનો નિર્ણય લીધો.
રણબીર કપૂર અને ભણસાલીએ છેલ્લે ૨૦૦૭માં રણબીર કપૂરની ડેબ્યુ ફિલ્મ 'સાવરીયા'માં સાથે કામ કર્યું હતું.
'લવ એન્ડ વોર'નું કેન્દ્ર છે રણબીર કપૂર અને વિકી કૌશલ દ્વારા અભિનિત બે સૈન્ય અધિકારીઓ અને આલિયા ભટ્ટના પાત્ર સાથેનો તેમનો પ્રણય ત્રિકોણ. કથાનકના બળે તેની સરખામણી 'સંગમ' જેવા ક્લાસીકલ રોમેન્ટિક ડ્રામા સાથે થઈ રહી છે, પણ ભણસાલીએ સ્પષ્ટતા કરી છે કે આ ફિલ્મ કોઈ રિમેક નથી, પણ સમકાલીન ભાવનાઓમાં જડાયેલી મૂળ કથા છે. પોતાની વિશિષ્ટ મૌલિક ભવ્યતા સાથે પ્રેમ, હરિફાઈ અને બલિદાનના મિશ્રણ દ્વારા ભણસાલી લાગણીશીલ અને ભવ્ય સિનેમેટીક અનુભવ રચવા માગે છે.
'લવ એન્ડ વોર'માં ખરેખર શું છે, તે 'સંગમ'ની રીમેક છે કે કેમ એ તો ફિલ્મ જોઈએ ત્યારે ખબર... પણ એક વાત તો નિશ્ચિત છે. આ ફિલ્મ ભણસાલીના ચાહકો માટે એક ટ્રીટ બની રહેશે. જોકે આપણે ધારીએ કંઈક અને બને કંઈક એવું પણ થતું હોય છે. ફિંગર્સ ક્રોસ્ડ!


