Get The App

સંજય દત્તને જીવનના ઉત્તરાર્ધમાં સાઉથની ખલનાયકી ફળી

Updated: Dec 11th, 2025

GS TEAM

Google News
Google News
સંજય દત્તને જીવનના ઉત્તરાર્ધમાં સાઉથની ખલનાયકી ફળી 1 - image

- 'મારા માટે દક્ષિણની ફિલ્મો કરવી એ એક પડકાર છે. આ ભૂમિકાઓમાં એક એક્ટર તરીકે ઘણું કરવા મળે છે. આ ભૂમિકાઓમાં એક્શન, ઇન્ટેન્સિટી અને ડેપ્થ હોય છે.'

હિન્દી ફિલ્મોમાં ૧૯૮૧માં રોકી ફિલ્મથી પદાર્પણ કરનાર સંજય દત્તની કારકિર્દી સાડા ચાર દાયકામાં ફેલાયેલી છે. અભિનેતા તરીકે સંજય દત્તે જાતજાતના પાત્રો ભજવી ભારે લોકપ્રિયતા હાંસલ કરી છે. તેના  બલ્લુથી માંડી મુન્નાભાઇ સુધીના પાત્રો યાદગાર છે. જોકે છેલ્લાં થોડા વર્ષોથી સંજુબાબાની એક્ટર તરીકેની કારકિર્દીમાં ઓટ આવી હતી. 

દરમ્યાન હિન્દી ફિલ્મોની દુનિયા પર સાઉથની ફિલ્મોની ચડાઇ શરૂ થઇ ચૂકી હતી. આ અરસામાં 'કેજીએફ ચેપ્ટર ટુ' માટે દિગ્દર્શક પ્રશાંત નીલે સંજય દત્તને સાઇન કર્યો ત્યારે લોકોએ તેની બહુ નોંધ લીધી નહોતી પણ અધીરા તરીકે સંજય દત્તે જે ભૂમિકા ભજવી તે તેની કારકિર્દીમાં એક મહત્વનો વળાંક બની રહી. સાઠી વટાવ્યા બાદ એક ખલનાયક તરીકે સંજુબાબા દક્ષિણની ફિલ્મોમાં સફળ થઇ ગયા. આજે પણ તેમની નવી ફિલ્મો સતત આવી રહી છે. સંજુબાબાએ તેમની દક્ષિણની આ ખલનાયકી બાબતે રસપ્રદ વાતો કરી હતી. 

સંજુબાબાએ જણાવ્યું હતું કે મારા માટે દક્ષિણની ફિલ્મો કરવી એ એક પડકાર છે. મને આ ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકાઓ કરવાની સારી તકો મળી છે. આ ભૂમિકાઓમાં એક એક્ટર તરીકે ઘણું કરવા મળે છે. આ ભૂમિકાઓમાં એક્શન, ઇન્ટેન્સિટી અને ડેપ્થ હોય છે. તમારે લોકોને મારવાના હોય છે. તો ઘણીવાર તમને પણ પીટવામાં આવે છે. આ બધું એક્સાઇટિંગ લાગે છે. પછી સંજુબાબા તેમની મજાકિયા શેલીમાં ઉમેરે છે, આજના જમાનામાં મજા એ છે કે એક એક્ટર તરીકે આટલી બધી ફિલ્મો કર્યા બાદ પણ હજી ઘણું નવું કરવા મળે છે. 

એવું નથી કે સંજુબાબા એક્શન અને મારધાડની ફિલ્મો કરી જાણે છે. એક જમાનામાં તેમણે માધુરી દિક્ષિત સાથે  'સાજન' જેવી હિટ રોમેન્ટિક ફિલ્મ પણ કરી હતી. પણ સંજુબાબા તેમની પેઢીના એક્ટરની મર્યાદાઓથી પણ વાકેફ છે. તે કહે છે, અમારી પેઢી માસ-ઓડિયન્સ માટે કામ કરતી રહી છે. અમે લોકોના હીરો છીએ. મેં કરેલી  'સાજન' ફિલ્મ સરસ ગીતો ધરાવતી એક બહેતરીન ફિલ્મ હતી. આજે પણ જો કોઇ સારી રોમેન્ટિક સ્ક્રિપ્ટ આવે તો હું જરૂર રોમેન્ટિક ફિલ્મ કરીશ. 

જો કે, અત્યારે તો અધીરા અને  'લિયો' ફિલ્મમાં એન્થોની દાસની ભૂમિકા ભજવનારા સંજુબાબાને ખલનાયકીથી સંતોષ માનવો પડે તેમ છે.  'કેજીએફ ટુ'ના અધીરાની જેમ જ એન્થોની દાસની ભૂમિકા પણ લાર્જર ધેન લાઇફ એન્ટી હીરોની હતી. તેમાં તેનું શરીરસૌષ્ઠવ અને તેની પર્સનાલિટીને કારણે તે સાઉથના સ્ટાર સામે બરાબર ટક્કર ઝીલે છે. સંજય દત્તના લાંબો અનુભવ અને તેમની વયને કારણે સાઉથના નિર્દેશકો તેને માટે ખાસ ભૂમિકાઓ રચે છે જે સંજય દત્ત તેમની લાક્ષણિક શૈલીમાં નિભાવી આપે છે. સંજય દત્તની દક્ષિણની ફિલ્મોમાં ખલનાયકી એટલી સફળ નીવડી છે કે હવે હિન્દી ફિલ્મ માં  પણ તેમની હાજરી જોવા મળે છે. શાહરૂખ ખાનની ફિલ્મ જવાનના નિર્દેશક એટલીએ સંજય દત્તને લેવાનો આગ્રહ રાખ્યો અને  'જવાન' ફિલ્મમાં સંજય દત્ત પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળ્યા. આ બાબત દર્શાવે છે કે સંજુબાબા હવે દક્ષિણના નિર્દેશકોના માનીતાં ખલનાયક બની ચૂક્યા છે. વક્રતા તો એ છે કે સંજય દત્ત તેમની આખી જિંદગી તેને ડ્રગ્સની લતને કારણે લાગેલી આડી લાઇને ચડી ગયેલાં યુવાનની છાપને દૂર કરવા મથતો રહ્યો છે. પણ હવે પાછલી જિંદગીમાં આ છાપ જ તેમને કામ અપાવી રહી છે. સંજય દત્ત કહે છે, હું જ્યારે વિવિધ પ્રકારના અતરંગી પાત્રો ભજવું ત્યારે હું મારી કારકિર્દીને દાવ પર લગાવી રહ્યો હોઉં છું. એક એક્ટર તરીકે હું આ પાત્રો એલાનથી ભજવું ત્યારે લોકોને પણ તેમાં મજા પડે છે. જો કે, તમામ પ્રયાસો છતાં ઘણીવાર ફિલ્મ ઉંધે માથે પટકાઇ પણ શકે છે.  'ડબલ આઇસ્માર્ટ' નામની સો કરોડ રૂપિયાના ખર્ચે બનેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર ઉંધે માથે પછડાઇ ત્યારે સંજય દત્તનો બિગબુલનો રોલ પણ ફિલ્મને ફલોપ થતાં અટકાવી શક્યો નહોતો. પ્રથમ ભાગ  'સ્માર્ટ શંકર' હીટ હતો પણ સિક્વલ  'ડબલ આઇસ્માર્ટ' બોક્સ ઓફિસ પર નિષ્ફળ નીવડી હતી. હવે બધાંની નજર  'કેડી: ધ ડેવિલ' પર છે.