સંજય દત્ત : બોલિવુડને પોતાનાં મૂળિયાં તરફ પાછા ફરવાની જરૂર છે
હિન્દી ફિલ્મોદ્યોગ સાથે ચાર દશકથી પણ વધુ સમય સવદી સંકળાયેલો અભિનેતા સંજય દત્ત હવે દક્ષિણ ભારતીય ફિલ્મો તરફ વળ્યો છે. આ વર્ષે તે તેલુગુ ફિલ્મ 'ધ રાજાસા'બ' અને કન્નડ સિનેમા 'કેડી-ધ ડેવિલ' માં આવી રહ્યો છે. પીઢ અભિનેતાને એ વાતનો આનંદ છે કે તેને દક્ષિણ ભારતની ફિલ્મોમાં વિવિધ પ્રકારના કિરદાર અદા કરવાની તક મળી રહી છે.
કહેવાની જરૂર નથી કે અભિનેતાએ 'વાસ્તવ : ધ રીયાલિટી' (૧૯૯૯), 'મુન્નાભાઈ એમબીબીએસ' (૨૦૦૩), 'અગ્નિપથ' (૨૦૧૨) જેવી સંખ્યાબંધ યાદગાર ફિલ્મો આપી છે. સંજય દત્ત માને છે કે બોલીવૂડમાં ફરીથી આ પ્રકારની ફિલ્મો બનાવવાની તાતી જરૂર છે. છેલ્લા ઘણા સમયથી આવી ફિલ્મો બની જ નથી. બોલિવુડમાં જાણે કે આવા સિનેમાનો દુકાળ પડયો છે. આપણને આપણાં મૂળિયા તરફ પરત ફરવાની આવશ્યકતા છે.
સંજય આવી વાત કરે છે તેની પાછળનું મુખ્ય કારણ તેનો દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરવાનો અનુભવ છે. તે કહે છે કે ત્યાં કામ કરવાની મઝા જ અલગ છે. આપણે આટલાં વર્ષોથી જે વિવેકબુદ્ધિથી વિશાળ દર્શકવર્ગને ગમે એવી ફિલ્મો બનાવતાં હતાં તે સલસિલો દક્ષિણ ભારતીય ફિલ્મોદ્યોગમાં આજે પણ જારી છે. અફસોસની વાત એ છે કે બોલિવુડ આ પ્રકારના સિનેમા બનાવવાનું સાવ જ વિસરી ગયું છે. મને એમ લાગે છે કે આપણો વીતી ગયેલો સોનેરી સમય પાછો આવી શકે તેમ છે. ત્યાંના કલાકાર-કસબીઓની ધીરજ અને કામ પ્રત્યેની લગન કાબિલે તારીફ છે. આજે બોલિવુડમાંં આ બંને તત્ત્વોની કમી સ્પષ્ટ વર્તાય છે. મને સાઉથમાં શૂટિંગ કરવાનું ખરેેખર બહુ ગમે છે.
સંજય દત્તનાં સંતાનો ફિલ્મો સમજી શકે એટલા મોટાં થઈ ગયાં છે. તેથી એવો પ્રશ્ન થવો સહજ છે કે શું તેના સંતાનો શહરાન અને ઈકરાને પોતાના પિતાને પડદા પર જોવાનું ગમે છે ખરું? આના જવાબમાં સંજય દત્ત કહે છે કે ના,
હું તેમનો માનીતો કલાકાર નથી. તેમને જેકી શ્રોફ અને યુવાપેઢીના અન્ય કલાકારો પ્રિય છે. મને પણ તેમની પસંદગી ગમે છે. હું તેમન ેતેમનો અભ્યાસ પૂરો કરવા અને પછી યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ માટે જવા પ્રેરિત કરું છું.
સંજય દત્ત હવે મુંબઈ અને દુબઈ વચ્ચે આવન-જાવન કરતો રહે છે. સમય મળતાં જ તે પોતાના પરિવારને મળવા દુબઈ પહોંચી જાય છે. તેની સ્મૃતિમાં પોતાનું બાળપણ આજેય અકબંધ છે.
એ વાત સર્વવિદિત છે કે સંજય દત્તને લોકો 'બાબા' ના હુલામણા નામે બોલાવે છે. તેનું આ નામ શી રીતે પડયું તે સંભારતા સંજય કહે છે કે હું નાનો હતો ત્યારે મારાં પિતા સુનીલ દત્ત મને ઘણી વખત શૂટિંગમાં સાથે લઈ જતાં. મને તેમની સાથે જોઈને સેટ પર રહેલા બધા લોકો બોલી ઉઠતા - 'બાબા આયા, બાબા આયા...' આમ ધીમે ધીમે 'બાબા' મારું હુલામણું નામ પડી ગયું. આ નામ સાથે મારા બચપણની કેટલી બધી સંવેદનાઓ જોડાયેલી છે. આજે પણ મને કોઈ 'બાબા' કે પછી 'સંજુ બાબા' કહીને બોલાવે છે તો મને દિલથી સંતોષ થાય છે.