Get The App

સંજય દત્ત અને કપૂર બહુ-બેટી વચ્ચે આઠ મેની ટક્કર નક્કી છે

Updated: May 7th, 2026

GS TEAM

Google News
Google News
સંજય દત્ત અને કપૂર બહુ-બેટી વચ્ચે આઠ મેની ટક્કર નક્કી છે 1 - image

- સુપરસ્ટારો જ્યારે ધમકીના ભય હેઠળ થરથર કાંપતા...

હિન્દી સિનેમાનો ઈતિહાસ લખવા બેસીએ તો એમાં રાજકપૂર અને નરગિસની જોડી માટે એક અધ્યાય ફાળવવો પડે. બોલિવુડના પહેલા શોમેન અને એમની 'આવારા', 'શ્રી ૪૨૦' અને 'બરસાત' જેવી ફિલ્મોની હિરોઈનની ઓન સ્ક્રીન અને ઓફ્ફ સ્ક્રીન સુપર હિટ થતી. લોકોને આરકે અને નરગિસને સાથે જોવા ગમતા. એમની દેશ-વિદેશમાં ખ્યાતિ હતી. પરંતુ વરસોના ગાઢ પ્રેમ બાદ પણ બંને પરણી ન શક્યા. કદાચ એટલા માટે કે રાજ કપૂર પરણીને પિતા બની ચુક્યા હતા. તેઓ નરગિસને પરણવા પોતાના બાળકોની માતા કૃષ્ણા કપૂરને છોડવા નહોતા ઇચ્છતા. બીજી તરફ, 'મધર ઇન્ડિયા'ના મેકિંગ દરમિયાન નરગિસ સુનીલ દત્તના પરિચયમાં આવી અને બંનેએ લગ્ન કરી લીધા. નરગિસ મિસીસ દત્ત બની ગઈ.

એક જ ઈન્ડસ્ટ્રીમાં હોવાથી કપૂર અને દત્ત પરિવારનો પ્રસંગોપાત ભેટો થતો રહ્યો, પણ એમણે ક્યારેય એકબીજા પ્રત્યે કટુતા ન દાખવી. બંનેએ એકબીજા પ્રત્યે પૂરેપૂરો આદર દાખવ્યો. બંને પંજાબી પરિવારોએ ઇન્ડસ્ટ્રીમાં એક દાખલો બેસાડયો. 

કદાચ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે રાજકુમાર હિરાનીએ સંજય દત્તના ઉથલપાથલભર્યા જીવનને આવરી લેતી બાયોપિક 'સંજુ' બનાવવાનું નક્કી કર્યું ત્યારે લીડ રોલ માટે એમની પહેલી અને છેલ્લી પસંદ રણબીર કપૂર જ હતો. રણબીરે સ્ક્રીન પર સંજય દત્તના પાત્રને સાકાર કરવા ઈન્કાર કર્યો હોત તો આ બાયોપિક બનત કે કેમ એ પણ એક સવાલ છે. રણબીર ફિલ્મ કર્યા પહેલા ઇન્ટરવ્યુઝમાં ઘણીવાર કહી ચુક્યો હતો કે કિશોરાવસ્થામાં હું સંજયનો મોટો ફેન હતો. એટલે જ એ દત્તના રોલને પૂરેપૂરો ન્યાય આપી શક્યો અને 'સંજુ' (૨૦૧૮) સુપર હિટ થઈ.

આટલી પૂર્વ ભૂમિકા બાંધવા પાછળનું કારણ એટલું જ કે આ વરસે ૮મી મેએ કપૂર્સ અને દત્ત જુનિયરની બોક્સ ઓફિસ પર ટક્કર થવાની છે. નીતુ કપૂરની ફિલ્મ 'દાદી કી શાદી' અને સંજય દત્તની અભિજિત મોહન વારંગ ડિરેક્ટેડ ફિલ્મ 'આખરી સવાલ' 

એક જ શુક્રવારે રિલિઝ થઈ રહી છે. બોલિવુડના બંને પ્રતિષ્ઠિત પરિવારો રિયલ લાઈફમાં ભૂલેચુકેય એકબીજા સામે ન થયા. પરંતુ સિનેમાઘરોમાં એમની ફિલ્મો વચ્ચેની ટક્કર અનિવાર્ય બની છે.

૮મી મેએ એકલી કપૂર કુટુંબની પુત્રવધુ જ સંજુ સામે મેદાનમાં નથી ઉતરવાની. આશિષ આર. મોહન દિગ્દર્શિત ફિલ્મ 'દાદી કી શાદી'માં નીતૂ અને રિશી કપૂરની પુત્રી રિધિમા કપૂર સાહની પણ એક્ટર તરીકે ડેબ્યુ કરી રહી છે. કોઈએ કદાચ આવી ટક્કરની કલ્પના પણ નહિ કરી હોય, પરંતુ વિધીમાં જે લખાયું છે એ ક્યાં કોઈ બદલી શક્યું છે?