સંજના સાંઘી : હું જાડી ચામડીની થઈ ગઈ છું
- 'મેં ક્યારેય સ્પ્નેય નહોતું વિચાર્યું કે હું અભિનય ક્ષેત્રે આવીશ અને આજીવન આ કામને જ વળગી રહીશ, પણ આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી મને ઘણું શીખવા મળ્યું છે. હવે હું અભિનયને વધુને વધુ પ્રેમ કરવા લાગી છું'
ફિલ્મોદ્યોગમાં આવતાં નવોદિતો ઘણી વખત સિનેમાની પસંદગીમાં થાપ ખાઈ જાય છે. કેટલીક વાર તેઓ સારી ફિલ્મને જાકારો આપી દે છે અને પાછળથી પેટ ભરીને પસ્તાય છે. અભિનેત્રી સંજના સાંઘીએ પણ કાંઈક આવું જ કર્યું હતું. અદાકારા કહે છે કે એક તબક્કે હું લાંબા સમય સુધી રિજેક્શન સહેતી રહી હતી. મારી ફિલ્મ 'દિલ બેચારા' રજૂ થઈ તેનાથી પહેલા વર્ષો સુધી મેં ઑડિશન આપ્યાં હતાં. દરમિયાન મારી ભૂલ કે ગેરસમજને કારણે મેં હાથે કરીને સારી ફિલ્મો ગુમાવી. આજદિન સુધી મારા મનમાં તેનો ખટકો રહી ગયો છે.
જોકે સંજના તરત જ ઉમેરે છે કે હવે હું આવા વસવસામાંથી બહાર આવતાં શીખી ગઈ છું. ધીમે ધીમે મને સમજાવા લાગ્યું હતું કે તમે કોઈ કામ કરવાની ના પાડો અથવા તમને ઇચ્છિત કામ ન મળે તેની પાછળ પણ ચોક્કસ કારણ રહેલું હોય છે જે તમે તરત નથી સમજી શકતાં. અને જ્યાં સુધી તમે કોઈક કામ ગુમાવ્યાનો રંજ શિરે લઈને ફરો ત્યાં સુધી હળવાશ ન અનુભવી શકો. તમારી નીંદર હરામ થઈ જાય. અને તેની સીધી અસર તમારા અન્ય પ્રોજેક્ટના કામ પર પડે તે જુદું. બહેતર છે કે વસવસાને કોરાણે મૂકીને આગળ વધી જવામાં આવે.
સંજનાને હવે એ વાતની રાહત છે કે તે મનોરંજન જગતના ચડાવ-ઉતારમાં તટસ્થ રહી શકે છે. તે કહે છે કે અગાઉ કાંઈ મનગમતું ન થાય તો હું મારી મમ્મીને ફોન કરીને ખૂબ રડતી. અને મારી મમ્મી મને કેટલીય વાર સુધી સમજાવતી રહેતી. પણ હવે મને સમજાઈ ગયું છે કે તમે તમારા ભાગનું કામ સારી રીતે કરી લીધું છે. અને ફિલ્મ ચાલશે કે નહીં તે તમારા હાથમાં નથી. તો પછી નાહકની ફિકર શાને કરવી? બસ, આ વિચાર સાથે મારા મનનો ભાર હળવો થઈ જાય છે અને હું નચિંત બનીને ઊંઘી શકું છું.
ફિલ્મોદ્યોગની કામ કરવાની રીત સમજાયા પછી દિલ્હીની આ કુડી મુંબઈને પોતાનું ઘર માનવા લાગી છે. અદાકારા કહે છે કે મેં ક્યારેય સ્પ્નેય નહોતું વિચાર્યું કે હું અભિનય ક્ષેત્રે આવીશ અને આજીવન આ કામને જ વળગી રહીશ. પણ આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી મને ઘણું શીખવા મળ્યું છે. હવે હું અભિનયને વધુને વધુ પ્રેમ કરવા લાગી છું. હું લાંબા વર્ષો સુધી અહીં કામ કરવા માગું છું તેથી નીતનવું શીખવાનો પ્રયાસ કરતી રહું છું.
'ધ ફૉલ્ટ ઈન અવર સ્ટાર્સ'ના ભારતીય સંસ્કરણ 'દિલ બેચારા'માં 'કીઝી બાસુ'ની ભૂમિકા ભજવનાર સંજના કહે છે કે છેલ્લાં કેટલાંક વર્ષમાં મને એવી ઘણી ફિલ્મો કરવાની તક ન મળી જે હું ખરેખર કરવા માગતી હતી. આમ છતાં હું ચમત્કારમાં માનું છું અને આગામી સમયમાં પણ માનતી રહીશ. ચમત્કાર તો ગમે ત્યારે થઈ શકે.
ફિલ્મોદ્યોગમાં કામ કરતાં લોકોનું અંગત જીવન હમેશાં જાણે કે પાપારાઝીઓના હાથમાં હોય છે. તેઓ તેમની વ્યક્તિગત બાબતોને પણ ખાનગી નથી રહેવા દેતાં. આવી સ્થિતિમાં કલાકારોએ, ખાસ કરીને ખ્યાતનામ કલાકારોને પોતાનું વ્યક્તિગત જીવન ખાનગી રાખવા માટે વિશેષ કાળજી લેવી પડે છે. સંજના પણ આ બાબતે સચેત રહે છે. તે કહે છે કે હું પણ મારા વ્યક્તિગત જીવન વિશે જાહેરમાં વાતો કરવાનું પસંદ નથી કરતી. પરંતુ આ સમજ પણ સમય સાથે આવે છે.
મારા મતે તમે આયખાની વીસીમાં હો ત્યારે સહેજ વધુ સાહસિક હો છો. તે વખતે તમે હજી પ્રેમ અને કમ્પેનિયનશીપ વચ્ચેનો તફાવત સમજવાનો પ્રયાસ કરતાં હો છો. તે વખતે તમારા સાથીનો સંગાથ તમને રંગીન લાગે. હું પણ આ તબક્કામાંથી પસાર થઈ ચૂકી છું. પરંતુ થોડાં વર્ષ પહેલા હું મારી લાંબા સમયની રિલેશનશીપમાંથી બહાર આવી ત્યારે મારા જીવનમાં જાણે કે ઉદાસી સિવાય કાંઈ બચ્યું નહોતું. પરંતુ હવે હું એ તબક્કો પાર કરી ચૂકી છું. સંજનાની આ વાત સાંભળીને એવો પ્રશ્ન થવો સહજ છે કે આવા કડવા અનુભવમાંથી પસાર થયા પછી તે ફરીથી પ્રેમમાં પડવાની હિમ્મત કરશે ખરી? કે પછી કરી ચૂકી છે? આના જવાબમાં સંજના કહે છે કે પ્રેમમાં પડવાનો છોછ શાને? હમણાં પણ હું સિંગલ નથી.