Get The App

સંગીતા ઘોષ : અઢી દશકની યાત્રા .

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
સંગીતા ઘોષ : અઢી દશકની યાત્રા                             . 1 - image

- 'ટીવીનું સ્ટારડમ આજે પણ અકબંધ છે. જ્યારે લોકો મને મારી વર્ષો પહેલાં કરેલી ધારાવાહિક 'દેશ મેં નિકલા હોગા ચાંદ' માટે સંભારે છે ત્યારે મારી ખુશીનો પાર નથી રહેતો...'  

ટીવી સીરિયલોના કેટલાંક કલાકારોએ દશકો સુધી દર્શકોના દિલ પર રાજ કર્યું છે, આજે પણ કરી રહ્યાં છે. મહત્વની વાત એ છે કે યુવાન વયમાં પ્રેમિકા, પત્ની અને ગૃહિણીના પાત્રોને બખૂબી નિભાવનાર કેટલીક અભિનેત્રીઓએ નેગેટિવ રોલ અને મમ્મીની ભૂમિકાઓ પણ એટલી જ સરસ રીતે ભજવી છે. સંગીતા ઘોષ આવી અદાકારાઓમાંની એક છે.

તાજેતરમાં જ સંગીતાને અભિનય ક્ષેત્રે આવ્યે અઢી દશક થયા અને તેના વિવાહને દોઢ દાયકો. પરંતુ પોતાની વેડિંગ એનિવર્સરીના દિવસે તે તેના પતિ-પુત્રીથી સેંકડો માઈલ દૂર હતી. વાસ્તવમાં સંગીતા હમણાં ચંદીગઢ ખાતે તેની ધારાવાહિકનું શૂટિંગ કરી રહી છે. પરિણામે પોતાની લગ્નતિથિએ તેણે પતિ શૈલેન્દ્ર સિંહ અને ચાર વર્ષની પુત્રી દેવી સાથે વીડિયો કોલ પર વાત કરી લીધી. જોકે અભિનેત્રીએ કબૂલ્યું હતું કે પરિવારથી દૂર રહેવાનું તેને ખટકી રહ્યું છે. તેને પતિ-પુત્રીની ખોટ તીવ્રપણે ચાલી રહી છે. પરંતુ કલાકારોનું જીવન આવું જ હોય છે એ હકીકત સ્વીકારવી જ રહી.

પચીસ વર્ષ લાંબી કારકિર્દીમાં સંખ્યાબંધ કિરદાર અદા કરનાર સંગીતા હમણાં 'તુ જુલિયેટ જટ દી'માં કડક સ્વભાવની માતા 'ગુલાબ'ની ભૂમિકા ભજવી રહી છે. અને તેને પોતાનું આ બહુસ્તરીય નેગેટિવ પાત્ર અદા કરવાની મોજ પડી રહી છે. તે કહે છે કે મારા મતે કોઈપણ કહાણી 'માતા' વિના પૂરી ન થઈ શકે. મને મારો આ રોલ ભજવવાનું અત્યંત પ્રિય છે. વળી હું મારા કિરદારને મનભરીને માણું છું.

અભિનેત્રીને એ વાતનું ગૌરવ છે કે તે અઢી દશકથી આ માધ્યમમાં ટકી રહી છે. તે કહે છે કે ભારતીય ટેલિવિઝને મને ઘણું શીખવ્યું છે. ટીવીનું સ્ટારડમ આજે પણ અકબંધ છે. જ્યારે લોકો મને મારી વર્ષો પહેલા કરેલી ધારાવાહિક 'દેશ મેં નિકલા હોગા ચાંદ' માટે સંભારે છે ત્યારે મારી ખુશીનો પાર નથી રહેતો. આ ઇન્ડસ્ટ્રીમાં લાંબા વર્ષો સુધી સફળ ધારાવાહિકોમાં કામ કરીને ટકી રહેવું સહેલું નથી. પરંતુ હું તે કરી શકી તે બદલ સ્વયંની પીઠ થાબડું છું. મારી આટલી લાંબી અભિનય યાત્રા મારા પરિશ્રમ, ટેલેન્ટ અને વત્તાઓછા અંશે ભાગ્યને આભારી છે. હું નસીબદાર છું કે મને સારી સારી સીરિયલોમાં સરસ ભૂમિકાઓ ભજવવાના મોકા મળતાં રહ્યાં છે.

લાંબા વર્ષો સુધી ટીવી પર કામ કરનારા કલાકારોની નજર હવે ફિલ્મો કરતાં ઓટીટી તરફ વધુ મંડાઈ રહી છે. તો શું સંગીતા આ માધ્યમમાં કામ કરવા ઇચ્છુક નથી? આના જવાબમાં અદાકારા કહે છે કે હું ખરેખર ઓટીટી પર કામ કરવા માગું છું. પરંતુ તેમાં કહાણી રજૂ કરવાની રીત તદ્દન વેગળા પ્રકારની છે. આમ છતાં હું આ ત્રીજા પડદા પર કામ કરવા ઉત્સુક છું. જ્યારે હું કોઈ વેબ સીરિઝ કરીશ ત્યારે મારી અભિનય કારકિર્દીનું નવું પ્રકરણ શરૂ થશે.