Get The App

સંધ્યા શાંતારામ: આલા દરજ્જાની અભિનેત્રી... બેનમૂન નૃત્યાંગના

Updated: Oct 16th, 2025

GS TEAM

Google News
Google News
સંધ્યા શાંતારામ: આલા દરજ્જાની અભિનેત્રી... બેનમૂન નૃત્યાંગના 1 - image

- તાજેતરમાં નિધન પામેલાં સંધ્યાએ નવરંગ, જનક જનક પાયલ બાજે, જલ બિન મછલી... જેવી ફિલ્મોમાં કરેલાં  નૃત્યો અવિસ્મરણીય છે   

સંધ્યા શાંતારામ. અભિનય, નૃત્ય, દેહ સૌંદર્યનો અદભુત, અનુપમ, અનોખો ત્રિવેણી સંગમ.  હિન્દી  અને મરાઠી ફિલ્મ જગતનાં આલા દરજ્જાનાં અભિનેત્રી અને બેનમૂન નૃત્યાંગના.  ઉત્તમ અભિનેત્રી જેમણે  બહુ ઓછી  ફિલ્મોમાં કામ કર્યું પણ તેમનો  અભિનય અમર બની ગયો. સંધ્યા શાંતારામે જે જે પાત્રો ભજવ્યાં તે જીવંત,બોલકાં, હસતાંરમતાં બની ગયાં. 

૨૦૨૫ની ૪,ઓક્ટોબરે અભિનયના મંચને સદાય માટે આવજો કહીને અફાટ અંતરિક્ષની વાટ પકડનારાં સંધ્યા શાંતારામને ભીની ભીની શ્રદ્ધાંજલી આપવી હોય તો  તેમની અભિનય --નૃત્ય પ્રતિભાને વંદન કરવાં રહ્યાં. સંધ્યા શાંતારામ તેમના જીવનના છેલ્લા દિવસો મુંબઇના પરેલ વિસ્તારમાં આવેલાકલાના મંદિરસમા રાજકમલ સ્ટુડિયોમાં જ વિતાવ્યા હતા. 

રાજકમલ સ્ટુડિયો એટલે હિન્દી ફિલ્મ જગતના કલાગુરુ ગણાતા મહાન ફિલ્મ સર્જન વ્હી.શાંતારામનું કલામંદિર. સુંદર,ઉત્તમ, માનવીય સંવેદનાસભર, કલાત્મક, સંગીત -નૃત્યસભર ફિલ્મોનું સર્જન સ્થળ. 

સંધ્યાએ પચાસ અને સાઇંઠના દાયકામાં રજૂ થયેલી ફિલ્મોમાં વિવિધ પાત્રો ભજવ્યાં. સાથોસાથ આ બધી ફિલ્મોમાં પોતાની ઉજળી અભિનય પ્રતિભા સાથોસાથ મનમોહક નૃત્ય પ્રતિભાનો પણ પરિચય આપ્યો.  

સંધ્યા(સાચું નામ વિજયા દેશમુખ)નો જન્મ  ૧૯૩૧માં મહારાષ્ટ્રના કાયસ્થ પરિવારમાં થયો હતો. સંધ્યાને અને તેની બહેન વત્સલાને બાળપણથી જ  ગાયનનો અને નૃત્યનો બેહદ શોખ હતો. સમય જતાં સંધ્યાનાં માતાપિતા  ગુજરાતના વડોદરાથી મુંબઇ આવ્યાં. સંધ્યા અને વત્સલા બંને બહેનોએ મુંબઇની તે સમયના પ્રતિષ્ઠિત ગુજરાતી નાટક ગૂ્રપ દેશી નાટક સમાજ દ્વારા રજૂ થતાં નાટકોમાં નાનાં નાનાં પાત્રો ભજવવાનું શરૂ કર્યું. તે નાટકોમાં અભિનય, નૃત્ય, હાસ્ય સહિત યુદ્ધનાં દ્રશ્યો વગેરે પાસાં પણ રહેતાં.  

હિન્દી ફિલ્મ જગતની જૂની પેઢીનાં જાણકારોના કહેવા મુજબ મુંબઇના કાલબાદેવી વિસ્તારના ભાંગવાડીમાં ચાલતા એક ગુજરાતી ગીત-સંગીત--નૃત્યના કાર્યક્રમમાં સંધ્યાએ પણ ઉમળકાભેર હિસ્સો લીધો હતો. તે કાર્યક્રમનો આનંદ માણવા કલાગુરુ વ્હી.શાંતારામ ગયા હતા. કાર્યક્રમ દરમિયાન વ્હી.શાંતારામે   સંધ્યાની નૃત્યકલાની પ્રતિભાથી ભારે પ્રભાવિત થયા.  

કાર્યક્રમ  બાદ   વ્હી. શાંતારામે  સંધ્યાનો સંપર્ક સાધીને પોતાની મરાઠી ફિલ્મ અમર ભૂપાલી(૧૯૫૧)માં  અભિનય કરવા આમંત્રણ આપ્યું.આમ અમર ભૂપાલી મરાઠી ફિલ્મથી સંધ્યાની અભિનય યાત્રા શરૂ થઇ. સમયના પ્રવાહ સાથે વ્હી.શાંતારામ અને સંધ્યા વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો અને બંનેેએ લગ્ન પણ કર્યાં. બોલીવુડનાં સૂત્રોના કહેવા મુજબ  સંધ્યાના અવાજમાં  વ્હી.શાંતારામને પોતાની બીજી પત્ની જયશ્રીના અવાજના મીઠા મધુરા સૂર સંભળાતા હતા. એટલે કે સંધ્યા બોલતાં ત્યારે વ્હી.શાંતારામને એવું લાગતું કે તેમની બીજી પત્ની જયશ્રી વાત કરે છે.  બંનેના કંઠમાં કોઇ અજીબો ગરીબ સામ્યતાનો અહેસાસ થતો હતો.    સંધ્યાએ તીન બત્તી ચાર રાસ્તા ફિલ્મમાં  શરીરની ચામડીનો  શ્યામ રંગ ધરાવતી પણ  મધુર કંઠી  કોકીલા નામની યુવતીનુ પાત્ર ભજવ્યું હતું. બસ, તે ફિલ્મમાં સંધ્યાની ભૂમિકા એવી પ્રભાવશાળી  રહી હતી કે દર્શકો તેને કોયલ તરીકે ઓળખવા લાગ્યાં હતાં. 

લગ્ન વખતે  વ્હી.શાંતારામ અને સંધ્યા વચ્ચેની ઉંમરમાં લગભગ ૩૦ વર્ષનો ઘણો  મોટો તફાવત હતો. જોકે  સંધ્યા સાથેનાં લગ્નથી વ્હી.શાંતારામની બીજી પત્ની જયશ્રીએ ઉગ્ર વિરોધ કર્યો. પરિવારનું વાતાવરણ તંગ બની ગયું.  આમ છતાં  વ્હી.શાંતારામના પહેલાં પત્ની વિમલા બાઇ બહુ જ શાંત રહ્યાં હતાં.

કહેવાનો અર્થ એ છે કે હિન્દી ફિલ્મ જગતના મોટાગજાના ફિલ્મ સર્જન વ્હી.શાંતારામે ત્રણ ત્રણ લગ્ન(વિમલા બાઇ, જયશ્રી, સંધ્યા) કર્યાં હતાં. 

વ્હી.શાંતારામે પત્ની સંધ્યાની અભિનય અને નૃત્યની પ્રતિભા સોળેય કલાએ ખીલે તેવા હેતુથી દો આંખે બારહ હાથ(૧૯૫૭), જનક જનક પાયલ બાજે, સ્ત્રી, નવરંગ, સેહરા,  જલ બીન મછલી, નૃત્ય બીન બીજલી, પીંજરા વગેરે અમર અને યાદગાર ફિલ્મોનું સર્જન કર્યું. 

* ખાસ કરીને જનક જનક બાયલ બાજે ફિલ્મમાં તો સંધ્યાને ભારતના  શાસ્ત્રીય નૃત્યોના આલા દરજ્જાના નૃત્યકાર ગોપીકૃષ્ણ પાસે તાલીમ પણ લીધી હતી. આ ફિલ્મમાં સંધ્યા અને ગોપીકૃષ્ણની જોડીએ નયનરમ્ય શાસ્ત્રીય કલાનાં  નૃત્યો રજૂ કર્યાં છે. 

* નવરંગ ફિલ્મમાં તો સંધ્યાએ : અરે જારે હટ નટખટ ... ગીતમાં પુરુષનું અને સ્ત્રીનું મહોરું પહેરીને  અદભુત નૃત્ય કર્યું હતું. હિન્દી ફિલ્મમાં આવું વિશિષ્ટ પ્રકારનું નૃત્ય કરનારાં સંધ્યા પહેલાં અભિનેત્રી હતાં.  

* આ જ નવરંગ ફિલ્મમાં સંધ્યાએ ગીત: આધા હૈ ચંદ્રમા રાત આધી ... ગીતમાં પોતાના માથા પર નાના મોટા  સાત ઘડા ગોઠવીને સુંદર,અદભુત, મનમોહક નૃત્ય કર્યું હતું. આ ગીતમાં લોકનૃત્યનો બેનમૂન પ્રયોગ થયો છે.   

*  સેહરા ફિલ્મ(૧૯૬૩)માં સંધ્યાએ: પંખ હોતી તો ઉડ આતી રે ... ગીતમાં પક્ષીઓ કેવી રીતે ઉડે અને આકાશમાં ઉડતાં ઉડતાં કેવી કેવી રમતિયાળ હરકતો કરતાં હોય તેવા અભિનયની આકર્ષક અંગભંગીમાઓ કરીને દર્શકોને રાજીનાં રેડ કરી દીધાં હતાં. આજે ૫૦ વર્ષ બાદ પણ સંગીતના કાર્યક્રમોમાં  આ  ગીત ગવાય છે. 

 સંધ્યા  જેટલાં ઉત્કૃષ્ટ નૃત્યાંગનાં હતાં, એટલાં જ મોટાગજાનાં અભિનેત્રી પણ હતાં. સંધ્યાએ  પીંજરા ફિલ્મ(મરાઠી: ૧૯૭૨) )માં   તમાશા ગર્લનું  સુંદર પાત્ર ભજવ્યું છે.આ ફિલ્મમાં મજેદાર અભિનેતા શ્રીરામ લાગુએ ગાંધીવાદી    શિક્ષકની   ભૂમિકા  ભજવી  છે. શિક્ષક  ખરેખર તો પેલી તમાશા ગર્લના જીવનને સુધારવાનો ઉમદા પ્રયાસ કરે છે. 

જોકે બને છે એવું કે શિક્ષક અને પેલી તમાશા ગર્લ બંને એકબીજાંં પ્રત્યે એકબીજાંને પ્રેમ  ભરપૂર પ્રેમ થઇ જાય છે. 

પીંજરા ફિલ્મ પુણે શહેરમાં લગાતાર ૧૩૪ સપ્તાહ સુધી રજૂ થઇ હતી. તે સમયનાં ફિલ્મ રસીકોએ આ ફિલ્મને બહોળો પ્રતિસાદ આપ્યો હતો. સંધ્યાને  પીંજરા(મરાઠી) ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનેત્રીના ફિલ્મ ફેર એવોર્ડ પણ એનાયત થયો હતો.