Get The App

સના મકબુલ ખાન : ખોટા હો તો નમવું અને સાચા હો તો શીંગડા ભરાવવા!

Updated: Jan 15th, 2026

GS TEAM

Google News
Google News
સના મકબુલ ખાન : ખોટા હો તો નમવું અને સાચા હો તો શીંગડા ભરાવવા! 1 - image

- 'લોકો મક્કમ મનોબળ ધરાવતી સ્ત્રીને સાંખી નથી શકતા. મારા કિસ્સામાં આ વાત શતપ્રતિશત સાચી ઠરી. હું જેવી છું એવી જ મને પૂરેપૂરી સ્વીકારવી પડે.' 

કંઈક પામવા પાછળ કાંઈક ગુમાવવું પડે', આ ઉક્તિ સના મકબુલને બરાબર લાગૂ પડે છે. 'બિગ બોસ ઓટીટી-૩'માં વિજેતા બનેલી 'ઈસ પ્યાર કો ક્યા નામ દું' અને 'વિષ' જેવી ધારાવાહિકોમાં જોવા મળેલી આ અભિનેત્રીનું જીવન રાતોરાત બદલાઈ ગયું. આ રીઆલિટી શો તેની કારકિર્દીમાં મહત્વનો વળાંક બનીને આવ્યો. પરંતુ તેને પગલે અભિનેત્રીનું અંગત જીવન, ખાસ કરીને લવ લાઈફ રોળાઈ ગઈ.

વાસ્તવમાં સના મકબુલ ખાન બિઝનેસમેન શ્રીકાંત બુરેડીના પ્રેમમાં હતી. તેણે 'બિગ બોસ ઓટીટી-૩'માં ભાગ લીધો ત્યારે પણ બંને પ્રેમમાં હતાં. પરંતુ તેની સફળતાને પગલે શ્રીકાંતના મનમાં પેદા થયેલી ઇર્ષ્યા અને અસલામતીની ભાવનાએ તેમના સંબંધનો ભોગ લીધો. ગયા વર્ષના પ્રારંભમાં જ બંને આપસી સમજૂતીથી છૂટાં પડી ગયાં.

સનાએ આ બાબતે કહ્યું હતું કે મારી વધતી જતી સફળતા મારા સાથીથી સહન ન થતી હોય એવો તાલ સર્જાયો હતો. સામાન્ય રીતે એમ કહેવામાં આવે છે કે લોકો મક્કમ મનોબળ ધરાવતી સ્ત્રીને સાંખી નથી શકતા. મારા કિસ્સામાં આ વાત શતપ્રતિશત સાચી ઠરી. મારા જેવી અડગ મહિલા સાથે પાર પાડવું મારા પ્રેમી માટે મુશ્કેલ થઈ પડયું. હું તેના કરતાં આગળ વધી તેને કારણે અમારા સંબંધમાં રહેલું સંતુલન ખોરવાઈ ગયું. પરંતુ હું મારા મતમાં મક્કમ હતી. હું મારા તરફથી સ્પષ્ટ હતી કે હું આવી જ છું, અને જેવી છું તેવી જ મને સ્વીકારવી પડશે. હું દુનિયાની પરવા નથી કરતી. પરંતુ મારી સિધ્ધિને પગલે મારા અંગત જીવનમાં અડચણ આવતી હોય તો તે સમસ્યા બની જાય.

પોતાના સંબંધમાં સામી વ્યક્તિના મનમાં પેદા થયેલી અસલામતીની ભાવનાનું શું પરિણામ આવ્યું તે સમજાવતાં અદાકારા કહે છે કે મને ભાવનાત્મક અવઢવને પગલે સ્વમાન પર પસંદગી ઉતારવાની નોબત આવી. પુરૂષ માટે મહિલાઓની સિધ્ધિ સ્વીકારવાનું અત્યંત કઠિન હોય છે. તેમને એમ લાગે છે કે તે મારા કરતાં આગળ શી રીતે વધી શકે? તેને આટલા બધા લોકોની ચાહના શી રીતે મળી શકે? આ પ્રકારની અસલામતીની ભાવના તમારા સાથીના મનમાં પેદા થાય એ મારો અંગત અનુભવ છે. હકીકતમાં જો તમે કોઈને ખરા હૃદયથી ચાહતા હો તો તેની સિધ્ધિને સ્વીકારીને તેને વધુ આગળ વધવાની પ્રેરણા આપવી જોઈએ. પરંતુ તેના સ્થાને તમે તેની અદેખાઈ કરો તો સામી વ્યક્તિને આકરો નિર્ણય લેવાની ફરજ પડે.

પોતે પોતાનો પ્રેમ સંબંધ તોડવા શા માટે તૈયાર થઈ તેના વિશે સના ખાન કહે છે કે મારી સફળતા પછી મારા પરિવારજનો અને મિત્રો ફૂલ્યા નહોતા સમાતા. તેમણે ક્યારેય મારી ઇર્ષ્યા નહોતી કરી. તેમનું મારા પ્રત્યેનું વર્તન લગીરેય નહોતું બદલાયું. પરંતુ હું જેને મારો સાથી માનતી હતી તેના વર્તનમાં પરિવર્તન આવી ગયું હતું. શરૂઆતમાં મને આ વાત ન સમજાઈ. મેં તેની સાથે એડજસ્ટ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેના તરફથી કોઈ સુધારો ન થયો. છેવટે મેં સમજદારીપૂર્વક અલગ થવાનો નિર્ણય કર્યો તેની પાછળ મારો ઉછેર કામ આવ્યો. મં મારા મનની વાત સાંભળીને જ મારા જીવનનો આ મહત્વનો ફેંસલો લીધો હતો.