અભિનેત્રી સામન્થા રૂથ પ્રભુને સાથે આપણી એટલે કે હિન્દી ફિલ્મો જોતાં દર્શકોની ઓળખાણ થઈ 'પુષ્પા' (૨૦૨૧)ના પેલા સુપરહિટ આઇટમ સોંગ 'ઊ અંટવા'થી. પછી આપણે એને એવી જ સુપરહિટ વેબ સિરીઝ 'ફેમિલી મેન'ની બીજી સીઝનમાં અને ત્યાર બાદ ખાસ કશું ઉકાળી ન શકેલા વેબ શો 'હની બની' (૨૦૨૪)માં જોઈ. તમે જુઓ કે સામન્થા હવે 'નોર્થ ઇન્ડિયા'માં પણ એટલી પોપ્યુલર બની ગઈ છે કે આપણે એની ચર્ચા બોલિવુડના સ્ટાર્સની સાથે સાથે જ કરી રહ્યા છીએ.
સામન્થા ફરીવાર મોટા પડદા પર ઝળકવા માટે તૈયાર છે. છેલ્લે સામન્થા તેલુગુ ફિલ્મ 'કુશી' (૨૦૨૩)માં વિજય દેવરાકોન્ડા સાથે નજરે પડી હતી. હવે સામન્થા 'મા ઉનતી બંગારામ' માટે હૈદરાબાદમાં શુટિંગ શરૂ કરવાની તૈયારીમાં છે. આ સાથે જ સામન્થાનું દિગ્દર્શક નંદિની રેડ્ડી આ ત્રીજું સાહસ છે. આ અગાઉ તેણે 'ઓહ! બેબી' (૨૦૧૯) અને 'જબરદસ્ત' (૨૦૧૩)માં કામ કર્યું હતું. ૨૦૨૨માં ઓટોઇમ્યુન રોગ માવોસાઇટિસને કારણે સામન્થાએ અભિનયમાંથી વિરામ લીધો હતો. નવેમ્બર, ૨૦૨૪માં એ રાજ અને ડીકે દ્વારા દિગ્દર્શિત ઓટીટી જાસૂસી અને એક્શન શ્રેણી 'સિટાડેલ : હની બની' સાથે પાછી ફરી. ના, આવતા અઠવાડિયે સ્ટ્રીમ થનાર 'ફેમિલી મેન-૩'માં સામન્થા નહીં હોય.
નિર્માતાઓના મતે 'મા ઈનતી..' માટેનું શુટિંગ ૨૨ ઓક્ટોબરથી શરૂ થઈ ગયું છે. નંદિની રેડ્ડી કહે છે, 'હું અને સામન્થા ત્રીજી વખત સાવ અલગ શૈલીની ફિલ્મમાં કામ કરવા માટે ઉત્સાહિત છીએ. મને લાગે છે કે આ વાર્તા તેના સ્ટાર-પાવરને પૂર્ણ ન્યાય આપશે. સામન્થા સાથે કામ કરવામાં હંમેશાં આનંદ જ આવે છે.'
સામન્થા છેલ્લે આ વર્ષની શરૂઆતમાં તેલુગુ હોરર કોમેડી ફિલ્મ 'શુભમ્'માં મોટા પડદા પર જોવા મળી હતી.
અનેક અટકળો અને અફવા વચ્ચે એવા સમાચાર મળ્યા છે કે નિર્માતા-દિગ્દર્શક વેટ્રીમારનની ખૂબ રાહ જોવડાવી રહેલી ફિલ્મ 'અરસન'માં હીરો તરીકે તો સિમ્બુ છે જ, એ ફિલ્મમાં હવે અભિનેત્રી તરીકે સામન્થા અથવા કીર્તિ સુરેશને લેવાનું વિચારાઈ રહ્યું છે. વિશ્વાસપાત્ર સાધનો દ્વારા જાણવા મળી રહ્યું છે કે યુનિટ હાલમાં આ ભૂમિકા માટે અભિનેત્રી સામન્થા સાથે વાતચીત કરી રહ્યું છે.
વચ્ચે એવી અફવા ફેલાઈ હતી કે નાણાંકીય મુશ્કેલીને કારણે ફિલ્મ બંધ કરવામાં આવી છે. કથિત નાણાંકીય અવરોધો અને પ્રોજેક્ટ પડતો મુકવા માટે બાહ્ય દબાણ બાદ અફવા ફેલાઈ હતી. આ અફવા, અફવા જ સાબિત થઈ. ફિલ્મ ખરેખર બની રહી છે અને મોટે ભાગે સામન્થા એમાં હિરોઈન તરીકે દેખાવાની છે.
ઓટીટી એવું શક્તિશાળી માધ્યમ છે કે ભાષાઓના સીમાડા આપણને નડતા નથી. સાઉથના કલાકારો હવે આપણને 'આપણા' જ લાગે છે. આવી જ લાગણી સંભવત: સાઉથના દર્શકોનેે બોલિવુડના કલાકારો માટે હોવાની.
સરસ!


