Get The App

સામન્થા : ચાલવા માંડો તો માર્ગ આપોઆપ નીકળે

Updated: Jul 18th, 2025

GS TEAM

Google News
Google News
સામન્થા : ચાલવા માંડો તો માર્ગ આપોઆપ નીકળે 1 - image


- 'તમે મુશ્કેલીમાં મુકાઓ છો ત્યારે જ તમને ખ્યાલ આવે છે કે તમારામાં કેવી અને કેટલી શક્તિઓ પડેલી છે...'

દક્ષિણની સફળ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ સોશિયલ મીડિયાનો કમાલનો ઉપયોગ કરી સતત લાઇમ લાઇટમાં રહે છે. સામંથા સોશિયલ મીડિયાનો માર્કેટિંગ ટૂલ તરીકે અફલાતૂન ઉપયોગ કરી જાણે છે. કોઇપણ બાબતને કેવો  પ્રતિભાવ આપવો અને તેના વડે ચાહકોની નજરમાં સતત રહેવાની કળા તેણે હાંસલ કરી લીધી છે. તે સોશિયલ મીડિયા પર અવારનવાર તેની ફિલોસોફીના નમૂના પણ મુકતી રહે છે. 

સામંથાના અનુભવોને માણનારો એક ખાસ વર્ગ છે. સામંથાએ તાજેતરમાં એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, 'જેટલી વાર હું પરિચિત અને સલામત ક્ષેત્રની સીમાને ઓળંગું છું ત્યારે મને મારા વિશે નવું જ જાણવા મળે છે. પોતાની જાતના અજાણ્યા પાસાંથી પરિચિત થવાનું સરળ નથી, પણ જ્યારે તમે મુશ્કેલીમાં મુકાઓ છો ત્યારે જ તમને ખ્યાલ આવે છે કે તમારામાં કેવી અને કેટલી શક્તિઓ પડેલી છે.' 

તાજેતરમાં સામંથાએ  નિર્માત્રી તરીકે 'શુભમ' નામની ફિલ્મ રજૂ કરી. છ કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ ફિલ્મ તેનો ખર્ચ માંડ માંડ કાઢી શકી છે, પણ મુદ્દો એ છે કે સામંથાએ આ ફિલ્મનું નિર્માણ કરી પુરવાર કરી આપ્યું છે કે તેની સર્જકતાની સરહદો અભિનય પૂરતી જ મર્યાદિત નથી. તેણે મનોરંજક અને અર્થપૂર્ણ સિનેમાને ટેકો આપી સાબિત કર્યું છે કે તેની સમગ્ર સમાજ સાથે નિસબત છે અને તેના માટે તે જરૂરી નાણાંકીય જોખમ પણ ઉઠાવી શકે છે. મજાની વાત એ છે કે હોરર-કોમેડી ફિલ્મ 'શુભમ્' ભારતના બોક્સ ઓફિસ પર પહેલાં સપ્તાહમાં માંડ ચાર કરોડ રૂપિયાની જ કમાણી કરી શકી, પણ નોર્થ અમેરિકામાં આ ફિલ્મ એક ખાસ દર્શક વર્ગને ખૂબ પસંદ પડી છે. પ્રથમ છ દિવસમાં જ ઓવરસીઝ માર્કેટમાં આ ફિલ્મે ૧.૮ કરોડ રૂપિયાની કમાણી કરી છે. વિદેશમાં વસતાં તેલુગુભાષીઓને આ ફિલ્મ ગમી છે. 

સામંથાએ રૂમીનું એક ક્વોટ ટાંકી સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, 'તમે રસ્તા પર ચાલવાનું શરૂ કરો ત્યારે  આગળનો રસ્તો પણ દેખાવા માંડે છે.' સામંથાએ તેની સ્ટાઇલમાં તેમાં ઉમેરો કર્યો છે કે, 'તમે પગલું ન ભરો તે પહેલાં સ્પષ્ટતા થતી નથી, તમે પગલું ભરો તે સાથે જ માનસિક સ્પષ્ટતાઓ થવા માંડે છે. બાકીની બધી બાબતો તો જરૂરિયાતો હોય છે. હું હવે શીખી રહું છું કે આરામ એ સરપાવ નથી, એ જરૂરિયાત છે.' 

હવે આરામ એ જરૂરિયાત હોય કે ન હોય, પણ સામંથા પોતાના આરામને સરપાવમાં ફેરવવામાં ઉસ્તાદ છે. તાજેતરમાં અબુધાબી નજીક આવેલાં લિવા રણ પ્રદેશમાં એક રિસોર્ટમાં તે આરામ ફરમાવતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર મુકેલી તસવીરોમાં જણાય છે કે સામંથાએ આ આરામ ફરમાવવાના બહાને પોતાની પરફયુમ બ્રાન્ડનું સોફ્ટ લોન્ચિંગ પણ કરી લીધું છે. આ પોસ્ટમાં તેણે એની લાક્ષણિક સ્ટાઇલમાં જણાવ્યું છે કે, 'કોઇ મોજું કાયમ રહેતું નથી, કોઇ તોફાન ટકી શકતું નથી. તમામ ચીજો પસાર થઇ જાય છે. તે પોતાનો માર્ગ શોધી લે છે.' 

અંગત કટોકટીમાંથી પસાર થયા બાદ સામંથા હાલ અંગત વિકાસના તબક્કામાંથી પસાર થઇ રહી હોવાથી તેના ચાહકોને આ વાક્યો ગમી જાય તેમાં કોઇ શંકા નથી. 

ટૂંકમાં સામંથા હવે એક માત્ર અભિનેત્રી જ રહી નથી, એ એક લાઇફસ્ટાઇલ આઇકન અને ઉદ્યોગનવસાહસિક પણ બની રહી છે. સામંથાને શુભેચ્છાઓની હકદાર છે, ખરું?  

Tags :