Get The App

સલમાન અને ચિત્રાંગદાની નવી નવી યારી-દોસ્તી

Updated: Jun 18th, 2026

GS TEAM

Google News
Google News
સલમાન અને ચિત્રાંગદાની નવી નવી યારી-દોસ્તી 1 - image

બોલિવુડમાં 'ભાઈ'ના હુલામણા નામે ઓળખાતો સલમાન ખાન પોતાની હિરોઈનો સાથે ગાઢ મૈત્રી જમાવવા માટે જાણીતો છે. એની સાથે ફિલ્મમાં કામ કરતી ઘણી બધી એક્ટર્સ એની ગર્લફ્રેન્ડ બની ગઈ છે. સોમી અલી, સંગીતા બિજલાની, ઐશ્વર્યા રાય, જેકલીન ફર્નાન્ડિઝ અને ડેઈઝી શાહનો એની એક સમયની ગર્લફ્રેન્ડ્સના લિસ્ટમાં સમાવેશ છે. કેટલાકને એ જાણીને નવાઈ લાગશે કે સાઠીમાં પ્રવેશી ચૂકેલા ભાઈની લેટેસ્ટ ગર્લફ્રેન્ડ ચિત્રાંગદા સિંઘ (૫૦) છે, જે એની આવનારી ફિલ્મ 'માતૃભૂમિ: મેં વોર રેસ્ટ ઇન પીસ'ની લીડ હિરોઇન છે.

બોલિવુડનો એક વર્ગ એવું માને છે કે સલમાન પોતાની ફિલ્મની રિલીઝ ટાંકણે ઇરાદાપૂર્વક એની હિરોઈન સાથેના મીઠા સંબંધોને ચગાવે છે. એ એની માર્કેટિંગ સ્ટ્રેટજીનો એક ભાગ હોઈ શકે છે. હકીકતમાં એ પબ્લિસિટી સ્ટન્ટ જ બની રહે છે અને ફિલ્મ રિલીઝ થયા બાદ બધું ભૂલાઈ જાય છે. પરંતુ સલમાનના નજીકના લોકોના કહેવા મુજબ એની ચિત્રાંગદા સાથેની દોસ્તી એક અલગ લેવલની છે. સલમાન આ ફ્રેન્ડશિપને સિરિયસલી લે છે. એટલે જ છેલ્લાં થોડા વર્ષોથી દિલ્હીની આ દેખાવડી એક્ટ્રેસ ભાઈના અંતરંગ વર્તુળનું અવિભાજ્ય અંગ બની ગઈ છે. ખાન પરિવારની એક અંદરની વ્યક્તિ તો ત્યાં સુધી કહે છે કે ચિત્રાંગદા અવારનવાર સલમાનના પનવેલ ફાર્મ હાઉસની મુલાકાત લે છે. ભાઈને ગણીગાંઠી ફિલ્મો કરવા માટે જાણીતી ચિત્રાંગદાની ટેલેન્ટ પર ભરોસો હોવાથી તેઓ એને પોતાની પાંખમાં લેવા માંગે છે.

સુધીર મિશ્રાની ફિલ્મ 'હજારોં ખ્વાહિશેં ઐસી' (૨૦૦૩)માં પોતાના પરફોર્મન્સને કારણે ચિત્રાંગદા બોલિવુડમાં લાઈમલાઈટમાં આવી હતી. ત્યાર પછી પણ એણે ઘણાં દમદાર પાત્રો ભજવ્યા, પરંતુ સલમાનને એવું લાગે છે કે ઇન્ડસ્ટ્રીએ એની પૂરતી કદર નથી કરી. ચિત્રાંગદાનું કરીઅર લાંબી ચાલશે અને વહેલા-મોડી એની યોગ્ય કદર થઈને રહેશે. એટલે જ ખાને એની મહત્ત્વાકાંક્ષી મૂવી 'માતૃભૂમિ'ની લીડિંગ લેડી તરીકે ચિત્રાંગદા પર પસંદગી ઉતારી હતી. ફિલ્મના રશીઝ (કાચું, એડિટ થયા વિનાનું ફૂટેજ) જોઈને એસકે ચિત્રાંગદાના કામથી ખાસ્સો પ્રભાવિત થઈ ગયો હતો.

દેશપ્રેમની લાગણી ફરતે આકાર લેતી આ નાટયાત્મક ફિલ્મ લગભગ બનીને રેડી થઈ ચૂકી છે. ફિલ્મ ક્યારે રિલીઝ કરવી એ વિશે ખાન બધી વાતનો વિચાર કરી બહુ સાવચેતીપૂર્વક નિર્ણય લેશે. ખાસ તો એટલા માટે કે છેલ્લા થોડાંક વર્ષોમાં એની તમામ ફિલ્મો ફ્લોપ થઈ છે.

મેના અંતમાં સલમાને પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મ 'માતૃભૂમિ'નું નજીકના મિત્રો ઉપરાંત સુભાષ ઘાઈ, કબીર ખાન અને સૂરજ બડજાત્યા જેવા ડિરેક્ટર્સ માટે પ્રાઈવેટ સ્ક્રીનિંગ રાખ્યું હતું. ખારમાં પોતાના પ્રિવ્યુ થિયેટરમાં યોજાયેલા સ્ક્રીનિંગમાં ભાઈએ પોતાની આગવી સ્ટાઈલમાં બધાની મહેમાનગતિ કરી. એ પ્રસંગે 'માતૃભૂમિ'ના ડિરેક્ટર અપૂર્વ લાખિયા અને ચિત્રાંગદા પણ હાજર હતાં.

એ રાતે સ્ક્રીનિંગમાં હાજર સૌએ સલમાનની ફિલ્મની ભરપૂર પ્રશંસા કરી. શોમેન સુભાષ ઘાઈએ તો 'એક્સ' પર પોતાની પોસ્ટમાં કહ્યું કે, 'આ મૂવી બધાએ જોવી જ પડે એવી છે. 

ફિલ્મમાં ભારત અને ચીનના સૈનિકોની પોતાના દેશ અને પરિવારો પ્રત્યેની ભાવભીની લાગણીઓનું સરસ નિરૂપણ થયું છે. આખી ફિલ્મમાં મુખ્ય ફોકસ યુદ્ધ નહીં પણ શાંતિ પર રખાયું છે.'

સ્ક્રીનિંગ પૂરું થયા બાદ ખાને બધાના વધામણાં પ્રેમથી સ્વીકાર્યા, પરંતુ ભાઈ તો ભાઈ છે. એસકેએ બધા મહેમાનો સમક્ષ વિના સંકોચે કબૂલ્યું કે, 'મારો તમને ફિલ્મ બતાવવા પાછળનો હેતુ જુદો છે. મેં ખાસ ચિત્રાંગદા માટે આ સ્ક્રીનિંગ રાખ્યું છે! મારી એવી ઇચ્છા છે કે તમારી ભાવિ મૂવીઝમાં તમે ચોક્કસપણે ચિત્રાંગદાને મહત્ત્વનો રોલ આપવાનું વિચારજો. આ એવી એક્ટ્રેસ છે જેને ઇન્ડસ્ટ્રીમાં ખૂબ બધું કામ મળવુું જ જોઈએ.'

આ બધું સાંભળીને એટલું જ કહેવાનું મન થાય કે દોસ્ત હો તો સલમાન જૈસા!