Get The App

સલીમ-જાવેદની છેલ્લી ફિલ્મ : મિસ્ટર ઈન્ડિયા

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
સલીમ-જાવેદની છેલ્લી ફિલ્મ : મિસ્ટર ઈન્ડિયા 1 - image

- દાસ્તાન-એ-સિનેમા

- જાવેદ અખ્તરે ટીખળ કરી કે અદશ્ય હોય તેવા હીરો પર એક ફિલ્મ બનાવવી જોઈએ. એક એવો સુપરહીરો કે જેને જોઈ ન શકાય, ફક્ત સાંભળી શકાય. મજાકમાંથી જન્મેલા ફિલ્મના આઈડિયા પર સલીમ-જાવેદની જોડીએ કામ શરૂ કર્યું... અને આ ફિલ્મ એટલે 'મિસ્ટર ઇન્ડિયા'. જે ફિલ્મ અમિતાભની બની શકે તેમ હતી તેમાં આખરે હીરો તરીકે અનિલ કપૂર ગોઠવાયો.

બો

લિવુડમાં હોળી પાર્ટીનો ટ્રેન્ડ વર્ષો જૂનો છે. એક સમય હતો જ્યારે અમિતાભ બચ્ચનની હોળી પાર્ટી બોલિવુડની બેસ્ટ માનવામાં આવતી. આવી જ એક પાર્ટીમાં કંઈક એવું બન્યું કે તેના પછી સલીમ-જાવેદની જોડી વિખૂટી પડી. અમિતાભની પાર્ટીમાં સલીમ ખાન વગર એકલા જાવેદ અખ્તર પહોંચ્યા હતા. બચ્ચને પૂછયું, સલીમ ખાન ન આવ્યા? સામેથી જવાબ આવ્યો કે, એ તો તમારી સાથે કામ જ કરવા નથી માગતા. બચ્ચન તેમની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. આ ઘટનાના મૂળમાં અન્ય એક ઘટના છે. વાત જાણે એમ છે કે, નિર્માતા પ્રમોદ ચક્રવર્તી અમિતાભ બચ્ચનને હીરો લઈને ફિલ્મ શરૂ કરવા માંગતા હતા. ફિલ્મની કહાણી ફાઈનલ નહોતી. આ વચ્ચે બચ્ચન ફિલ્મના મહૂરત શોટ માટે પણ પહોંચી ન શક્યા એટલે તેમનો અવાજ એક કેસેટ પર વગાડવામાં આવ્યો. આ દરમિયાન જાવેદ અખ્તરને ટીખળ સૂઝી. તેમણે કહ્યું કે, અદશ્ય હોય તેવા હીરો પર એક ફિલ્મ બનાવવી જોઈએ. એક એવો સુપરહીરો કે જેને જોઈ ન શકાય, ફક્ત સાંભળી શકાય. મજાકમાંથી જન્મેલા ફિલ્મના આઈડિયા પર સલીમ-જાવેદની જોડીએ કામ શરૂ કર્યું. બચ્ચનને આઈડિયા સંભળાવવામાં આવ્યો ત્યારે કોઈએ કહી દીધું કે, તમે મહૂરત શોટમાં ના આવ્યા એટલે મજાક મજાકમાં આ સ્ટોરી લખાઈ. આ મજાક માટે બલીનો બકરો સલીમ ખાનને બનાવવામાં આવ્યા. બચ્ચનને કહેવામાં આવ્યું કે, તમારી આવી મજાક સલીમ ખાને ઉડાવી છે. બચ્ચન અને સલીમ ખાનના સંબંધો અહીં બગડયા. બચ્ચને ક્યારેય સલીમ ખાનને ન પૂછયું કે, તમે મારા વિશે આવું બોલ્યા છો? અને સલીમ ખાને પણ બચ્ચનને ક્યારેય ન કીધું કે, મેં તમારી મજાક ઉડાવી જ નથી. 

જાવેદ અખ્તરની આ વાત સલીમ ખાનને પસંદ ન આવી. સલીમ ખાનના વિચાર સીધો અને સરળ હતો. તેઓ માનતા કે, તમારે કોઈની પાછળ જે બોલવું તે એવું બોલવું કે એ વ્યક્તિ તમારી સામે હોય તો પણ બોલી શકાય. તેમણે જાવેદ અખ્તરને કહી દીધું કે, ભાઈ, ખોટું સહન નહીં થાય. અને આ રીતે એક એવી જોડીનો અંત આવ્યો જેણે ૧૯૭૧થી ૧૯૮૭ની વચ્ચે ૨૪ ફિલ્મો સાથે કરી હતી. આ ૨૪માંથી ૨૦ સુપરહિટ રહી હતી. જોડી 'ઓફિશિયલી' તો ૧૯૮૨માં જુદી પડી હતી, પરંતુ એ પહેલાં સાથે લખેલી તેમની ફિલ્મો 'ઝમાના' (૧૯૮૫) અને 'મિસ્ટર ઈન્ડિયા' (૧૯૮૭) તેમના 'વર્ક ડિવોર્સ' બાદ રિલીઝ થઈ હતી. 'મિસ્ટર ઈન્ડિયા' માટે બચ્ચને તો ધરાહાર ના પાડી દીધી હતી એટલે છેવટે આ ફિલ્મ અનિલ કપૂરને મળી. 

આઈડિયાથી ફિલ્મ સુધી 

આ ફિલ્મનો આઈડિયા તો જાવેદ અખ્તરનો જ હતો. એટલે તેની પટકથા પણ તેમની પાસે જ રહી. તેમણે અનેક પ્રોડ્ક્શન હાઉસને સ્ક્રિપ્ટ સંભળાવી, પરંતુ કોઈ ખરીદદાર ન મળ્યો. આ પહેલાં ૧૯૫૭માં 'મિસ્ટર એક્સ' અને ૧૯૬૪માં 'મિસ્ટર એક્સ ઈન બોમ્બે' જેવી ફિલ્મો રિલીઝ થઈ હતી. જેમાં, પણ અદ્રશ્ય માણસની વાત કરવામાં આવી હતી. ઘણા પ્રોડયુસર્સે કીધું કે, આઈડિયા કંઈ નવો નથી. જોકે ભાઈ અનિલ કપૂરને રિલોન્ચ કરવા માંગતા બોની કપૂરને આ સ્ક્રિપ્ટ પસંદ આવી. બોનીએ આ ફિલ્મ ડિરેક્ટ કરવા માટે શેખર કપૂરની પસંદગી કરી. 'માસૂમ' બાદ બીજી ફિલ્મ 'મિસ્ટર ઈન્ડિયા' કરી રહેલા શેખર કપૂરને રૂપિયા ૧૦,૦૦૦નો માસિક પગાર મળ્યો હતો.  અનિલ કપૂરને એક એવો રોલ આપવામાં આવ્યો હતો જેમાં હીરો ઘણા સીનમાં દેખાતો જ નથી. સલીમ-જાવેદની અન્ય એન્ગ્રી યંગમેન થીમની ફિલ્મોથી અલગ અહીં અનાથ બાળકો ફિલ્મનું કેન્દ્ર હતાં. બીજી તરફ, પત્રકારનો રોલ કરી રહેલી શ્રીદેવી પોતાના હાસ્યથી છવાઈ જાય છે. શેખર કપૂરે ઘણા ઈન્ટરવ્યુમાં શ્રીદેવીના વખાણ કરતા કહ્યું હતું કે, તેમને શ્રીદેવી પર 'ક્રશ' હતો. આજે જેવું જોવા મળે છે તેવું એઆઈ તો શું તે સમયે સાધારણ વીએફએક્સ પણ માંડ ઉપલબ્ધ હતું. આવી સ્થિતિમાં બનાવવામાં આવેલી આ ફિલ્મ ભારતીય સિનેમાની સિદ્ધી સમાન છે. 

કોમિક બુક્સમાંથી મોગેમ્બો 

મોગેમ્બો 'શોલે'ના ગબ્બર જેવો ડરામણો નહોતો. તે કોમિક બુક્સના વિલન જેવો હતો. પાગલ તાનાશાહ. જે ગુપ્ત ટાપુને પોતાના અડ્ડો બનાવે છે. આ ટાપુ પર મિસાઈલો અને એસિડના કૂવા છે. ડાગા, તેજા અને મિસ્ટર વોલકોટ જેવા તેના સાથીઓ છે. હિટલરને કરવામાં આવતી નાઝી સલામની જેમ સિપાહીઓ તેને 'હેલ મોગેમ્બો' કહીને સલામ કરતા. અમરિશ પુરીને રિહર્સલ દરમિયાન કહેવામાં આવ્યું હતું કે, વિચારો કે તમે નાનાં બાળકને શેક્સપિયરનું નાટક સંભળાવી રહ્યાં છો. આ પાત્રમાં એટલી ભવ્યતા હોવી જોઈએ. અમરિશ પુરી ૧૯૮૭ સુધીમાં 'ઈન્ડિયાના જોન્સ એન્ડ ધ ટેમ્પલ ઓફ ડૂમ'માં મોલા રામનું પાત્ર ભજવી ચૂક્યા હતા. તેમના માટે સ્ટીવન સ્પીલબર્ગે કહ્યું હતું કે, અમરિશ મારો સૌથી પ્રિય વિલન છે. અમરિશ પુરીની એક્ટિંગની ભવ્યતા તો આપણે સૌએ જોઈ પરંતુ, પડદા પાછળ અનેક મેક-અપ આટસ્ટની મહેનત હતી. મોગેમ્બોના દેખાવનું વિગતવાર સ્કેચ બનાવવામાં આવ્યું હતું, જેમાં, વિગ, કપડાં અને અન્ય વસ્તુઓ સામેલ હતી. બોની ક્પૂરે મેકઅપ આટસ્ટ માધવને કહ્યું હતું કે જો તે સ્કેચ મૂજબ જ દેખાવ આપશે તો તેને બમણા રૂપિયા મળશે. માધવ, કે જે સામાન્ય રીતે રૂપિયા દસ હજાર રુપિયા લેતો હતો, તેને વીસ હજાર રૂપિયા ફી પેટે ચુકવવામાં આવ્યા હતા.  

ફિલ્મનું હટકે સંગીત 

આ ફિલ્મમાં લક્ષ્મીકાંત-પ્યારેલાલનું મ્યુઝિક છે. આ ફિલ્મના ગીતો જાવેદ અખ્તરે લખ્યા હતા. આ ફિલ્મના 'હવા હવાઈ..', 'ઝિંદગી કી યહી રીત હૈ..' અને 'કાંટે નહીં કટ તે..' આજે પણ લોકપ્રિય છે. 'હવા હવાઈ'ને કવિતા કૃષ્ણમૂતએ થોડા મસ્તીભર્યા અંદાજમાં ગાયું છે. આ ગીત માટે પહેલાં આશા ભોસલેની પસંદગી કરવામાં આવી હતી પરંતુ, છેવટે તે કવિતા કૃષ્ણમૂર્તિને મળ્યું હતું. શ્રીદેવીએ આ ગીતને પોતાના અદભુત ડાન્સ સાથે યાદગાર બનાવ્યું છે. 'કાંટે નહીં કટ તે..'ને 'મેડ ઈન્ડિયા' સોંગથી ફેમસ થયેલી અલિશા ચિનાઈએ કિશોર કુમાર સાથે મળીને ગાયું છે. જીવનની ફિલોસોફી સમજાવતું 'ઝિંદગી કી યહી રીત હૈ, હાર કે બાદ હી જીત હૈ' ફિલ્મના ઈમોશનલ ટોનને સ્પોર્ટ કરે છે. આ ગીતના બે વર્ઝન છે. એકને કિશોર કુમારે ગાયું છે જ્યારે બીજાને કવિતા કૃષ્ણમૂતએ. તે સમયે આ ફિલ્મની ૨૫ લાખ કેસેટ્સ વેચાઈ હતી. 

મોગેમ્બો ખુશ હુઆ, શેખર નહીં 

કહેવામાં આવે છે કે, શેખર કપૂરને 'મોગેમ્બો ખુશ હુઆ' ડાયલોગ ખાસ ગમ્યો નહોતો. તેમણે આગ્રહ રાખ્યો હતો કે, ફિલ્મમાં એક-બે વખત બરાબર છે, બાકી આ ડાયલોગમાં ખાસ મજા નથી. પરંતુ, જાવેદ અખ્તરે આ ડાયલોગ રાખવા માટે ઝઘડો કર્યો હતો. જાવેદ અખ્તરનો આ ઝઘડો ફળ્યો. આ ડાયલોગ આજે પણ લોકપ્રિય છે. 

મોગેમ્બો તરીકે અનુપમ ખેર? 

મોગેમ્બો તરીકે અમરિશ પુરી સિવાય અન્ય કોઈના નામની કલ્પના કરવી મુશ્કેલ છે, પરંતુ શરૂઆતના સ્ટેજમાં અનુપમ ખેર નક્કી જ હતા. એક-બે મહિના પછી ખેરને કીધા વિના તેમના જ મિત્રો બોની કપૂર અને અનિલ કપૂરે અમરિશ પુરીને રોલ આપી દીધો હતો.

આફતાબ, અહેમદ ખાન, કરણ નાથનું ડેબ્યુ 

'મસ્ત', 'કસૂર' અને 'મસ્તી' જેવી ફિલ્મોમાં જોવા મળેલા આફતાબ શિવદસાનીએ આ ફિલ્મમાં ચાઈલ્ડ એક્ટર તરીકે ડેબ્યુ કર્યુંં હતું. 'રંગીલા' જેવી કેટલીય ફિલ્મના કોરિયોગ્રાફર અને 'બાગી-૨' અને 'બાગી-૩' જેવી ફિલ્મોના ડિરેક્ટર અહમદ ખાન પણ આ ફિલ્મમાં ચાઈલ્ડ સ્ટાર તરીકે જોવા મળ્યા હતા. આ સિવાય 'પાગલપન' અને 'યે દિલ આશિકાના' જેવી ફિલ્મો કરનાર કરણ નાથ પણ આ ફિલ્મમાં ચાઈલ્ડ આટસ્ટ હતો. ત્રણેય એક્ટર્સે જ્યારે ફિલ્મ થિયેટરમાં જોઈ ત્યારે ચોંકી ગયા હતા, કારણ કે તેમને ખબર જ નહોતી કે, અનિલ કપૂર આ ફિલ્મમાં ગાયબ થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે, અનિલ કપૂરને ગાયબ કરવા માટે બ્લૂ સ્ક્રીન ટેકનોલોજી અને કેમેરા ટ્રિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અહેમદ ખાને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મ તેના માટે એક્ટિંગ સ્કૂલ જેવી હતી. કેલેન્ડર નો રોલ કરી રહેલા સતીષ કૌશિક અને ફિલ્મના ડિરેક્ટર શેખર કપૂર પાસેથી તેને ઘણું શીખવા મળ્યું હતું. 

મિસ્ટર ઈન્ડિયા ક્યારે ન બનવું? 

આ ફિલ્મની મેકિંગ શીખવે છે કે, કેવા સમયે 'મિસ્ટર ઈન્ડિયા' ન બનવું. 'મિસ્ટર ઈન્ડિયા' બનીને ગાયબ ત્યારે ન થવું, જ્યારે અન્ય વ્યક્તિ સાથે ગેરસમજ થઈ હોય. ત્યારે, ગાયબ થયા વિના સામસામે બેસીને મુદ્દો ઉકેલી લેવો. ક્યારેક મૌન ગેરસમજ પેદા કરે છે. બીજું, એ કે મધ્યસ્થી તરીકે એક જ વ્યક્તિને ન રાખવી. મહાભારતના યુદ્ધમાં સંજય ધૃતરાષ્ટ્રની આંખો બન્યા હતા, પરંતુ તેઓ પ્રામાણિક હતા. આ જમાનામાં સંજય મળવા મુશ્કેલ છે. ત્રીજું એ કે, સલીમ ખાન અને અમિતાભના મામલામાં 'ઈગો'નો પણ રોલ રહ્યો. કોઈ એકે બીજાને પૂછી લીધું હોત તો આજે ઘણી સુપરડુપર હિટ ફિલ્મો જોવા મળત. જાવેદ અખ્તરે પણ તે સમયે ચાલાકીની જગ્યાએ સમજદારી વાપરી હોત તો હિટનો આંકડો વીસ  પર અટક્યો ન હોત. એટલે, હા, યાદ રાખવું કે જીવનમાં ઘણા એવા પ્રસંગો આવશે જ્યારે આ ફિલ્મના મુખ્ય પાત્ર 'મિસ્ટર ઈન્ડિયા'ની જેમ ગાયબ થયા વિના પરિસ્થિતિનો સામનો કરીને જ જીત મેળવી શકાશે.