- 'સજના હૈ મુઝે...' ગીતમાં 'સજના' શબ્દ પહેલીવાર જુદા અર્થમાં છે અને બીજીવાર અલગ જ અર્થમાં. આ ગીતે એ દિવસોમાં ધૂમ મચાવેલી
૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકાના કેટલાક અભિનેતા અને ફિલ્મસર્જકો સંગીતના મર્મી હતા એટલે પોતાને શું જોઇએ છે એ સંગીતકારને કહી શકતા અને પોતાને સંતોષ થાય એવું કામ કરાવી શકતા. એવા અદાકારોમાં દિલીપકુમાર, રાજ કપૂર અને દેવ આનંદ જેવા કલાકારો તો બી. આર. ચોપરા, યશ ચોપરા, એસ. મુખરજી જેવા ફિલ્મ સર્જકોનો સમાવેશ હતો. એવા જ એક સંગીતમર્મી પણ, અત્યંત લો પ્રોફાઇલ ફિલ્મસર્જક હતા, રાજશ્રીના તારાચંદ બડજાત્યા. ૧૯૬૦ના દાયકામાં એમણે આપણને અત્યંત તેજસ્વી જોડી લક્ષ્મીકાંત પ્યારેલાલની આપી. પારસમણી ભલે લક્ષ્મીકાં પ્યારેલાલની પહેલી ફિલ્મ ગણાઇ હોય, એમને ખરો યશ રાજશ્રીની દોસ્તી ફિલ્મથી મળ્યો.
એવાજ પ્રતિભાશાળી ગીતકાર સંગીતકાર રવીન્દ્ર જૈનને પહેલી તક તારાચંદ બડજાત્યાએ આપી. આમ તો રવીન્દ્રની પહેલી ફિલ્મ 'હીરા ઔર કાંચ' હતી, પરંતુ એ ફિલ્મ બૂરી રીતે પીટાઇ જતાં રવીન્દ્રને યશ મળ્યો નહીં. એક તરફ પ્રકાશ મહેરાએ બનાવેલી અને અમિતાભ બચ્ચનને એંગ્રી યંગ મેનની ઇમેજ આપનારી ફિલ્મ 'ઝંઝીર' ફિલ્મ રજૂ થઇ. બીજી બાજુ અમિતાભ બચ્ચનને સિનિયર અભિનેત્રી નૂતન અને સી ગ્રેડની અભિનેત્રી-ડાન્સર ગણાયેલી પદ્મા ખન્ના સાથે ચમકાવતી રાજશ્રીની ફિલ્મ સૌદાગર રજૂ થઇ. સૌદાગરમાં રવીન્દ્ર જૈનનાં ગીતો અને એમનું જ સંગીત હતું.
એક બંગાળી નવલકથા પરથી બનેલી આ ફિલ્મની કથા એટલી નબળી હતી કે ફિલ્મ ફ્લોપ નીવડી. જો કે એનાં ગીતો અને સંગીતની નોંધ લેવાઇ. એમને ખરો યશ મળ્યો 'સૌદાગર'થી. આ ફિલ્મમાં એમણે શુદ્ધ શાીય અને લોકસંગીત પર આધારિત સંગીત પીરસ્યું. છતાં એ સમયના ફિલ્મ રસિકોને એ સ્પર્શી ગયું. અહીં એ ફિલ્મનાં લોકપ્રિય નીવડેલાં બે ચાર ગીતોની વાત કરીએ.
સિતાર સમ્રાટ પંડિત રવિશંકરે બનાવેલા મનાતા રાગ માંઝ ખમાજ પર આધારિત પ્રણયગીત આ ફિલ્મનું અનેરું આકર્ષણ હતું. (પંડિત રવિશંકરે ફિલ્મ 'અનુરાધા'માં આ રાગ પર આધારિત એક યાદગાર ગીત આપેલું- 'જાને કૈસે સપનોં મેં ખો ગયી અંખિયાં મૈં તો હું જાગું મોરી સો ગઇ અંખિયાં...)'
અહીં રવીન્દ્ર જૈને પ્રણયની સંવેદનાને તાદ્રશ કરતું સરસ ગીત આપ્યું છે- 'તેરા મેરા સાથ રહે, ધૂપ હો યા છાયા હો, દિન હો યા રાત રહે, દર્દી કી શામ હો, યા સુખ કા સવેરા, સબ ગંવારા હૈ મુઝે સાથ બસ તેરા રહે...' છ માત્રાના દાદરા તાલમાં આ ગીત લતાના કંઠે ગજબની મોહિની સર્જે છે.
પછીનું ગીત આશાના કંઠમાં છે. અહીં શબ્દ ચમત્કૃતિનો આશ્રય ગીતકાર રવીન્દ્રે લીધો છે. એક શબ્દ પહેલીવાર જુદા અર્થમાં હોય અને બીજીવાર જુદા અર્થમાં આવે. આ ગીતે પણ એ દિવસોમાં ધૂમ મચાવેલી. આ રહ્યું એ ગીત- 'સજના હૈ મુઝે, સજના કે લિયે, જરા ઊલઝી લટ સંવાર લું, હર અંગ કા રંગ નીખાર લું, કે સજના હૈ મુઝે સજના કે લિયે...' ફિલ્મ રસિકોએ આ ગીતને ઉમળકાથી વધાવી લીધું હતું.
રવીન્દ્ર જૈને અહીં એક ગીત એસ ડી બર્મનની શૈલીનું લાગે એવું બનાવ્યું હતું. તર્જ પણ એ શૈલીની હતી- 'ઓ માંઝી રે, દૂર હૈ કિનારા, ગહરી નદી કી ધારા, તેરી તૂટે નૈયા માંઝી ખેતે જાઓ રે...' આ ગીતમાં ગાવઠી રાગનો આધાર લીધો હતો અને કહરવા તાલમાં આ ગીતને મન્ના ડેએ પોતાની આગવી હલકથી જમાવ્યું હતું.
સીધાસાદા રાગ બિલાવલ પર આધારિત મુખડું અને અંતરામાં ફરી એકવાર રાગ માંઝ ખમાજથી સજેલું એક ગીત કિશોર કુમારે ગાયું છે. અહીં ફરીવાર છ માત્રાના દાદરા તાલનો ઉપયોગ સંગીતકારે કર્યો છે. આ એ ગીત છે જેનું મુખડું તમે હેડિંગ રૂપે માણ્યું- 'હર હસીન ચીજ કા તલબગાર હું, રસ કા, ફૂલોં કા, ગીતોં કા બીમાર હૂં...'
ફિલ્મ સંગીતના ઇતિહાસમાં કેટલાંક ગીતો એવાં પણ આવ્યાં છે જેમાં કોઇ પ્રકારના તાલવાદ્યનો ઉપયોગ ન થયો હોય. ઇવન ગિટારના કોર્ડઝ્ પણ વચ્ચે ન આવે. એવો એક પ્રયોગ અહીં રવીન્દ્ર જૈને કર્યો છે. મુહમ્મદ રફી અને આરતી મુખરજીના કંઠે રજૂ થતું એ ગીત આ રહ્યું- 'હુસ્ન હૈ યા કોઇ કયામત હૈ, ખ્વાબ દેખા હૈ યા કોઇ હકીકત હૈ, બેબસી હૈ કિ પા નહીં સકતે હાય...' અહીં રોમાન્સરંગી રાગ પહાડી ગીતના શબ્દોને અનેરા લાડ લડાવે છે.
રુઠન-મનાના જેવી લાગણીને વ્યક્ત કરતું એક ગીત આશા ભોંસલેના કંઠમાં છે. ખરેખર તો નાયિકા નાયક પાસે લાડ કરે છે. ઠુમરી દાદરા હોરી ચૈતી જેવા ઉપશાીય સંગીતમાં વપરાતા રાગ પીલુ પર આધારિત આ ગીતનું મુખડું છે- 'ક્યોં લાયો સૈયાં પાન, મેરે હોઠ તો યૂં હી લાલ, પિયા હોઠ હૈ તેરે કાલે, લે તૂ હી યે પાન ચબાલે. ઔર અપની બડા લે શાખ, મેરે હોઠ તો યૂં હી લાલ...'
ફિલ્મની પેરેલલ નાયિકા પદ્મા ખન્નાનું પરદા પર નામ ફૂલબાનુ છે. એ ધ્યાનમાં રાખીને એને માટે રચાયેલું ગીત લતાજીના કંઠમાં છે- 'ચંપા નહીં, ચમેલી નહીં, મૈં ગેંદા નહીં, ગુલાબ નહીં, ફિર ભી જો દેખે બોલે, તેરા કોઇ જવાબ નહીં, મૈં કા કરું મૈં હું ફૂલબાનુ જી મૈં હૂં ફૂલબાનુ....'
અમિતાભ બચ્ચન અને નૂતન જેવા નીવડેલાં કલાકારો હોવા છતાં નબળી કથાને કારણે ફિલ્મ ચાલી નહીં પરંતુ રવીન્દ્ર જૈનના ગીત સંગીતની નોંધ. ફિલ્મ રસિકો, સમીક્ષકો અને સમગ્ર બોલિવૂડે લેવી પડેલી. પછી તો રવીન્દ્ર જૈનની કારકિર્દી સરસ રીતે ચાલી નીકળી.


