સૈફ અલી ખાન : ઓટીટી પ્લેટફોર્મની લોકપ્રિયતા થિયેટર માટે ખતરો નથી!
સ્ટ્રિમિંગ પ્લેટફોર્મની લોકપ્રિયતા દિન-પ્રતિદિન વધી રહી છે તે અંગે સૈફ અલી ખાને પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. સ્ટ્રિમિંગ પ્લેટફોર્મની વધતી લોકપ્રિયતાની પ્રશંસા કરતા સૈફે તેને કલાકારો માટે 'લિબરેટિંગ ફીલિંગ' ગણાવી. 'આ વિશ્વભરના બધા કલાકારો માટે સૌથી વધુ મુક્તિદાયક અને અદ્ભુત બાબત રહી છે. પહેલાં આપણે ચોક્કસ માળખા કે ઇમેજમાં ફિટ થવું પડતું હતું અને તમારે જે પ્રકારની બાબતો કરવાની હતી તેના માટે એક ફોર્મ્યુલા, એક દેખાવ, એક શૈલી હતી. આજે સ્ટ્રિમિંગ પ્લેટફોર્મને પ્રતાપે અમે ગમે તેવા મુશ્કેલ તબક્કામાં પણ અત્યંત મુશ્કેલ પાત્રો એક્સપ્લોર કરી શકીએ છીએ અને તેની વધુ ઊંડાઈ સુધી પહોંચી શકીએ છીએ. લોંગ ફોર્મેટની વાર્તા કહેવા જેવી તમામ પ્રકારની બાબતો પ્રદર્શિત કરવા માટે તે એક શાનદાર પ્લેટફોર્મ છે.'
સૈફે 'વેવ્ઝ'ની ઇવેન્ટમાં નેટફ્લિક્સના સીઈઓ ટેડ સારાન્ડોસ સાથે પેનલ ચર્ચા દરમિયાન આ પ્રમાણે હ્યું હતું.
૫૪ વર્ષના આ અદાકારે ઓટીટી પ્લેટફોર્મની વૈશ્વિક પહોંચ પર પણ પ્રકાશ પાડયો હતો. તેણે નોંધ્યું કે તેઓ તેમને તેમની ફિલ્મોની થિયેટર રિલીઝ કરતા વધુ ધ્યાન ખેંચે છે. જે વિશ્વભરમાં અને ઘણા લોકો સુધી પહોંચે છે. મને એવા લોકો તરફથી ફોન આવે છે જેઓ સામાન્ય રીતે મને સિનેમેટિક રિલીઝ માટે ફોન કરતાં નથી, પરંતુ આજે નેટફ્લિક્સ સૌના મોબાઇલમાં છે. લોકો મને યુરોપ અને અમેરિકાથી પણ ફોન કરે છે અને આપણી સરખામણી દુનિયાના અન્ય દેશો સાથે કરવામાં આવે છે, જે ખૂબ જ રોમાંચક બાબત છે.'
જોકે સૈફે ભારપૂર્વક જણાવ્યું હતું કે 'ઓટીટી પ્લેટફોર્મની લોકપ્રિયતા અને પહોંચ થિયેટરો માટે ખતરો બની શકે નહીં. સ્ટ્રિમિંગ અને થિયેટરો સ્પર્ધકો નથી. તેઓ એકબીજા સાથે સહઅસ્તિત્વમાં રહીને આગળ વધી શકે છે કારણ કે માર્કેટ વિશાળ છે.'
તેણે એમ પણ કહ્યું કે, 'મને ભારતીય સંસ્કૃતિમાં મૂળ ધરાવતી વાર્તાઓ ગમે છે. જો કોઈ વિદેશમાં મને મારી ફિલ્મો વિશે પૂછે તો હું 'પરિણીતા' અથવા 'ઓમકારા'નું નામ આપું છું. જે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. દુનિયાને આપણી પોતાની વાર્તાઓ આપણા અંદાજમાં કહેવાનો આનંદ જ કંઈ ઔર છે... '