- 'આ સઘળું જોઈ-જાણીને હું થોડીવાર માટે તો અવાચક્ થઈ ગઈ હતી. મને એવો વિચાર પણ આવ્યો હતો કે શું મારે આ ઇન્ટિમસી વર્કશોપ શૂટ કરવા ગોવા જવું જોઈએ? વાસ્તવમાં અમે બધા જ મૂઢ થઈ ગયા હતાં.'
- 'આર્યન ખાનને સારી રીતે ખબર હતી કે તેને શું જોઈએ છે. જ્યાં સુધી તે કલાકારો પાસેથી ધાર્યું કામ ન કઢાવી લેતો ત્યાં સુધી સતત રીટેક લેતો રહેતો. ચાહે તેને એક શોટ માટે ૨૦-૩૦ ટેક કેમ ન લેવા પડે.'
શાહરુખપુત્ર આર્યન ખાનના સૌપ્રથમ દિગ્દર્શનમાં બનેલી સીરિઝ 'બેડ્સ ઓફ બોલીવૂડ' રજૂ થઈ ત્યારથી સતત ચર્ચામાં રહી છે. ખાસ કરીને તેના ફિનાલેના ટ્વિસ્ટે દર્શકોને ચોંકાવી દીધાં છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ આંચકો માત્ર દર્શકોને જ નથી લાગ્યો, બલ્કે સીરિઝના કલાકારોને પણ લાગ્યો હતો.
સીરિઝમાં 'કરિશ્મા તલવાર'ની મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેત્રી સાહેર બામ્બાએ આ બાબતે કહ્યું હતું કે આર્યને ક્લાઈમેક્સ વિશે એક શબ્દ સુધ્ધાં નહોતો ઉચ્ચાર્યો. તેણે કોઈને નહોતું કહ્યું કે ટ્વિસ્ટ શું છે. ખરેખર તો અમે બધા કલાકારો તેના વિશે અલગ અલગ અટકળો કરતાં હતાં. મેં કુતૂહલવશ આર્યનને પૂછી પણ લીધું હતું કે શું 'કરિશ્મા' અંતમાં મૃત્યુ પામશે? શું બોબી દેઓલ તેને ગોળીએ દેશે? પરંતુ આર્યને મને થોભો અને રાહ જૂઓની નીતિ અપનાવવાનું કહ્યું હતું. અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે અમને લાંબા સમય સુધી શોના નામની પણ જાણ નહોતી. ઘણાં વખત સુધી સીરિઝ અનટાઈટલ્ડ રહી હતી તેથી અમને ખબર જ નહોતી કે તેમાં શું થવાનું છે.
સાહેરે આગળ કહ્યું હતું કે છેક ફિનાલેના શૂટિંગથી માત્ર અડધા કલાક પહેલા આર્યને અમને બધાને તેની વાનમાં એકઠાં કર્યાં અને અમારી સમક્ષ ક્લાઈમેક્સનું વર્ણન કરવા સાથે તેણે રેફરન્સ માટે ક્રૂ સાથે મળીને તૈયાર કરેલી ક્લિપ્સ બતાવી. આ સઘળું જોઈ-જાણીને હું થોડીવાર માટે તો અવાચક્ થઈ ગઈ હતી. મને એવો વિચાર પણ આવ્યો હતો કે શું મારે આ ઇન્ટિમસી વર્કશોપ શૂટ કરવા ગોવા જવું જોઈએ? વાસ્તવમાં અમે બધા જ અવાચક્ થઈ ગયા હતાં. અમને સમજાતું નહોતું અમે શું કહીએ. મને લાગે છે કે દર્શકોને પણ આવી જ અનુભૂતિ થઈ જશે.
આર્યન ખાનની પ્રશંસાના પૂલ બાંધતા સાહેર કહે છે કે તેણે આ સીરિઝ દ્વારા દિગ્દર્શક તરીકે શુભારંભ કર્યો છે છતાં આર્યનને સારી રીતે ખબર હતી કે તેને શું જોઈએ છે. જ્યાં સુધી તે કલાકારો પાસેથી પોતાનું ધાર્યું કામ ન કઢાવી લેતો ત્યાં સુધી સતત રીટેક લેતો રહેતો. ચાહે તેને એક શોટ માટે ૨૦-૩૦ ટેક કેમ ન લેવા પડે. મહત્વની વાત એ છે કે તેણે સેટ પર ક્યારેય પિત્તો નહોતો ગુમાવ્યો. હું તો શાહરુખ ખાનને પૂછતી કે આર્યનનું મગજ આટલું બધું શાંત શી રીતે રહે છે? અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે દિગ્દર્શક તરીકે તે જેટલો શાર્પ છે એટલો જ અંગત રીતે રમૂજી છે. તે સેટ પર બધાને હસાવતો રહેતો.


