ઉદાસી, એક્શન અને ચાર્લિઝ થેરોન .
ચાર્લિઝ થેરોન ઇઝ બેક... એન્ડ હાઉ! 'ધી ઓલ્ડ ગાર્ડ-ટુ'માં એન્ડી તરીકે ચાર્લિઝે સિનેમેટીક વાપસી કરી છે. ૨૦૨૦માં મૂળ ફિલ્મને આશ્ચર્યજનક સફળતા મળી હતી. જોકે તે પછી પણ તેની સિક્વલ બનાવવી કે નહીં તે વિશે નિર્માતાઓ લાંબા સમય સુધી અવઢવમાં રહ્યા હતા. ખેર, પાર્ટ-ટુ બન્યો ને આ રિલીઝ પણ થઈ ગયો.
ઓડિયન્સને મૂળ 'ધી ઓલ્ડ ગાર્ડ' ફિલ્મ ગમી ગઈ હતી તેનું એક મહત્ત્વનું કારણ ફિલ્મનો ઉદાસ ટોન હતો. સામાન્યપણે એક્શન ફિલ્મમાં આવો ટોન જામે નહીં, પણ ઓડિયન્સને આ કોમ્બિનેશન જ કદાચ સૌથી વધારે ગમી ગયું હતું.
પહેલી ફિલ્મનો અંત એન્ડી એટલે કે ચાર્લિઝ થેરોનના પાત્રનો પ્રથમ પ્રેમ ક્વિન્હની કરૂણ ઝલક સાથે થયો હતો. ક્વિન્હ સમુદ્ર હેઠળ સદીઓની ત્રાસદી પછી સપાટી પર આવે છે. એ ભયાવહ છબીમાંથી જ ફિલ્મની સિક્વલ 'ધી ઓલ્ડ ગાર્ડ ટુ'નો જન્મ થયો.
વિક્ટોરિયા મેહોની દ્વારા દિગ્દર્શિત સિક્વલની વાર્તામાં નવું ઊંડાણ છે. એક તરફ એન્ડી અમરતાથી વંચિત રહી ગઈ છે, અને બીજી તરફ એનો પ્રેમી પાછો ફર્યો છે. એન્ડીએ આ બન્ને વચ્ચે સંતુલન જાળવવાનું છે. લાગે છે કે પાર્ટ-ટુ પણ ઓડિયન્સને ગમી ગયો છે. ચાર્લિઝ થેરોન કહે છે, 'ભઈ, આ તો ફિલ્મ લાઇન છે. અહીં કોઈ વાતની ગેરન્ટી નથી હોતી. લોકોને ગમ્યું તો ગમ્યું, ન ગમ્યું તો ન ગમ્યું!'
વાત તો સાચી. ચાર્લિઝ હવે 'ધી ઓડિસી' પર આધારિત ફિલ્મમાં દેખાશે. ફિલ્મના નિર્દેશક? હોલિવુડના ડિરેક્ટર નંબર વન, ક્રિસ્ટોફર નોલન! વાહ. આનાથી વધારે બીજું શું જોઈએ!