- રૂક્મિણીએ પોતાની વિશિષ્ટ કાર્ય પદ્ધતિ પણ વિકસાવી છે. તે જે કોઇ ફિલ્મમાં જે પાત્ર ભજવતી હોય તે ભૂમિકા, તેની વિશિષ્ટતા, પડકાર વગેરે મુદ્દા વિશે પાકી નોટબુક બનાવે છે. ત્યારબાદ આ મુદ્દા વિશે ચિંતન - મનન કરે. રૂક્મિણી આ રીતે પોતાના પાત્રને બહુ સારી અને સરળ રીતે સમજી શકે છે
સુપરહીટ કન્ન્ડ ફિલ્મ કાંતારા : ચેપ્ટર ૧(૨૦૨૫)માં રૂક્મિણી વસંતના અભિનયની ભરપૂર પ્રશંસા થઇ રહી છે. રૂકમિની વસંતે ફિલ્મમાં રાજકુમારી કનકવતીનું પાત્ર ભજવ્યું છે. રાજકુમારી કનકવતી જબરી લડાયક અને શૌર્યવાન હતી. રાજકુમારીની ભૂમિકાને ન્યાય આપવા માટે રૂક્મિણી વસંતે વિવિધ પ્રકારની તાલીમ લીધી હતી.
બીરબલ ટ્રાયોલોજી(૨૦૧૯) નામની કન્ન્ડ ફિલ્મથી અભિનય કારકિર્દી શરૂ કરનારી રૂક્મિણી કહે છે, સાચી વાત છે. મેં ચોથી સદીના ઇતિહાસની રાજકુમારી કનકવતીની ભૂમિકા માટે ઘોડેસવારી, તલવારબાજી સહિત એકશન્સની પદ્ધતિસરની તાલીમ લીધી હતી. સાથોસાથ, નૃત્યની તાલીમ પણ ખરી. ખરું કહું તો મને ફાઇટ માસ્ટર્સ પાસેથી ઘણું શીખવા મળ્યું છે. મને સમજાયું છે કે કોઇપણ વ્યક્તિ એક કરતાં વધુ કાર્ય કરે તો તે ખરેખર એક કલા બની રહે છે.
કાંતારા : ચેપ્ટર ૧ ફિલ્મનું સૌથી મજેદાર પાસું એ છે કે લગભગ તમામ દ્રશ્યો અને સ્થળો સાવ સાચુકલાં છે. મોટા - વિશાળ સેટ નથી બનાવ્યા. ફિલ્મનાં તમામ કલાકારો અને ટેકનિશિયનો લગભગ બે કલાકનો પ્રવાસ કરીને પહાડી વિસ્તારના શૂટિંગના ચોક્કસ સ્થળે પહોંચતાં. તમામ કલાકારો પહેલાં પોતાના પાત્રનો પહેરવેશ પહેરી લેતાં અને પછી પેલા ચોક્કસ સ્થળે જતાં. હા, અમારી આખી ટીમ માટે ગરમ -મસાલેદાર ચા અને સ્વાદિષ્ટ નાસ્તાની સુવિધા હોવાથી ભરપૂર આનંદ રહ્યો. છેવટે તો અમારા સહિયારા પ્રયાસો થકી ફિલ્મ બહુ જ સરસ બની છે.
ભારતીય લશ્કરમાં કર્નલની ઉત્તમ ફરજ બજાવીને અશોક ચક્રનું સન્મામ મેળવનારા સ્વ. વસંત વેણુગોપાલ અને ભરતનાટયમનાં નિષ્ણાત નૃત્યાંગના સુભાષિની વસંતની દીકરી રૂક્મિણી કહે છે, હું શરૂઆતના તબક્કે બહુ ઉત્સાહીત હતી. અમે કહો કે બહુ રાજી રાજી થઇ ગઇ હતી. જોકે મેં મારા પાત્રન ેસંપૂર્ણ ન્યાય આપવા તન-મનથી ભરપૂર મહેનત પણ કરી છે. સાથોસાથ, મને મારા તમામ સહકલાકારોએ અને ટેકનિશિયનોએ ઘણો સહકાર આપ્યો છે. મારું ધ્યાન રાખ્યું છે.
હવે ફિલ્મ રજૂ થઇ છે ત્યારે દર્શકોના બહોળા આવકાર અને પ્રેમથી તો અમે સહુ આનંદવિભોર બની ગયાં છીએ. મારા મતે તો દર્શકો જ શ્રેેષ્ઠ નિર્ણાયક હોય છે. દર્શકોનો નિર્ભેળ પ્રેમ જ સૌથી મોટો એવોર્ડ છે.
લંડનનની રોયલ એકેડેમી ઓફ ડ્રામેટિક આર્ટ (આરએડીએ-લંડન)ની સ્નાતક વિદ્યાર્થિની રૂક્મિણી બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, કાંતારા : ચેપ્ટર ૧ ફિલ્મના દિગ્દર્શક, લેખક, મુખ્ય અભિનેતા રિેષબ શેટ્ટી સર મારા પ્રેરણાસ્રોત બની રહ્યા છે. રિષબ સર એમ કહો કે બહુમુખીપ્રતિભા ધરાવતા અદભુત કલાકાર અને દિગ્દર્શક છે. તેઓ શૂટિંગ દરમિયાન જે રીતે સમગ્ર પરિસ્થિતિ સંભાળતા હતા તે જોઇને મને બહુ આશ્ચર્ય થતું. ખાસ કરીને ફિલ્મનો દિગ્દર્શક પોતે કલાકાર પણ હોય ત્યારે તેની ખરી અને જબરી કસોટી થતી હોય છે. મારા નમ્ર મતે તો રિષબ સર આવી પરીક્ષામાં અવ્વલ રહ્યા છે.
ફિલ્મના શૂટિંગ દરમિયાન અમારે કેટલાંક અટપટાં દ્રશ્યોમાં બહુ સાવધ રહેવું પડયું હતું . જોકે દરેક વખતે રિશબ સર હાજરાહજૂર હોય. અમને સહુને ઉત્તમ અને ઉપયોગી માર્ગદર્શન આપીને મનોબળ મજબૂત કરે. કોઇપણ કલાકારની પ્રતિભા ઓળખીને તેનું સન્માન કરે. કોઇ કલાકાર પર કાર્યબોજો વધારે નહીં. કહેવાનો અર્થ એ છે કે રિષબ સરમાં ઉત્તમ અને પ્રતિભાવાન દિગ્દર્શકના શ્રેષ્ઠ ગુણો છે.
બાળપણથી જ નૃત્ય અને અભિનયનો શોખ ધરાવતી રૂક્મિણી કહે છે, નૃત્ય કલા તો મને વારસામાં મળી છે. મારી માતા સુભાષિની તો ભરતનાટયમનાં આલા દરજ્જાનાં નૃત્યાંગનાં હોવાથી સ્વાભાવિક રીતે જ મને બચપણથી જ નૃત્ય પ્રત્યે બેહદ લગાવ રહ્યો છે. રહી વાત શિસ્તની તો મારા સ્વ. પિતાજી ભારતીય લશ્કરમાં કર્નલ હતા. ઉત્તમ ફરજ માટે તેમને અશોક ચક્રનું આદર -સન્માન મળ્યું છે. આમ મને શિસ્તના સદગુણો મારા વ્હાલા ડેડી પાસેથી મળ્યા છે.
હું નૃત્યની અને અભિનયની શિસ્તબદ્ધ તાલીમ લેવા માટે રોયલ એકેડેમી ઓફ ડ્રામેટિક આર્ટ (લંડન) ગઇ હતી. ખરું કહું તો મારે સ્કૂલના શિક્ષણ બાદ આવો કોર્સ કરવો હતો. સાથોસાથ વિશ્વના મહાન નાટય લેખક વિલિયમ શેકસપિયર અને એન્ટન ચેખોવની અમર કૃતિઓ સહિત રિયલીઝમ વગેરેનો અભ્યાસ કરવા ઇચ્છતી હોવાથી મેં આ પ્રતિષ્ઠિત સ્કૂલ પસંદ કરી હતી.
રૂક્મિણીએ પોતાની વિશિષ્ટ કાર્ય પદ્ધતિ પણ વિકસાવી છે. એટલે કે તે જે કોઇ ફિલ્મમાં જે પાત્ર ભજવતી હોય તે ભૂમિકા, તેની વિશિષ્ટતા, પડકાર વગેરે મુદ્દા વિશે પાકી નોટબુક બનાવે છે. ત્યારબાદ આ મુદ્દા વિશે ચિંતન - મનન કરે. રૂક્મિણી આ રીતે પોતાના પાત્રને બહુ સારી અને સરળ રીતે સમજી શકે છે.
હા, રૂક્મિણી જે ફિલ્મ અને તેનું પાત્ર પસંદ કરે તે પાત્ર દ્વારા તેની અભિનય કારકિર્દીને ચોક્કસ દિશા, પ્રેરણા, સ્થિરતાના ગુણ મળતા હોય તે જ ભૂમિકા પસંદ કરવાનો આગ્રહ રાખે છે. વળી, પોતે કયા દિગ્દર્શક અને કલાકારો સાથે કામ કરે છે તેનું પણ ધ્યાન રાખે છે.


