રુખસાર રહમાન કારકિર્દીની બીજી ઈનિંગ્સમાં ખીલી ઉઠી
- 'તમે જેની સાથે રહેતાં હો તેની સાથે લાગણીથી જોડાયેલાં હો તે સ્વાભાવિક છે. અને જ્યારે નિકટના સંબંધ તૂટે ત્યારે તમે ભાંગી પડો છો. હું પણ તેમાં અપવાદ નથી. પરંતુ સમય સઘળાં ઘા ભરી દે છે.
હા, થોડો વખત લાગે ખરો.'
૧૭વર્ષની સગીર વયમાં જ 'યાદ રખેગી દુનિયા'થી અભિનય કારકિર્દીનો આરંભ કરનાર અભિનેત્રી રુખસાર રહમાને ઘણો લાંબો બ્રેક લીધો. પરંતુ કારકિદીની બીજી પારીમાં તેણે ધમાકાભેર કમબેક કર્યું. અદાકારાએ 'ડી', 'ગૉડ તુસી ગ્રેટ હો', 'સરકાર', 'પીકે', 'ઉરી', '૮૩' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. અને હવે તે ચેટ શો 'ધ વેદાસ સ્પીક અવર સ્પિરિચ્યુઅલ જીપીએસ' નું સંચાલન કરવાની છે.
જો કે અભિનેત્રીનું અંગત જીવન હમેશાંથી વધારે પડતાં ચડાવ-ઉતારમાંથી પસાર થયું છે. એક વખત છૂટાછેડા અને એક વખત સેપરેશન જેવા મુશ્કેલ તબક્કાનો સામનો કરી ચૂકેલી રુખસાર હવે અભિનેત્રી આયશા અહમદની સિંગલ મધર છે. તે ધીમે ધીમે આ બંને આઘાતમાંથી બહાર આવી ગઈ છે. પણ તેને માટે આ કપરો કાળ ઝીરવવો સહેલો નહોતો. રુખસાર કહે છે કે તમે જેની સાથે રહેતાં હો તેની સાથે લાગણીથી જોડાયેલાં હો તે સ્વાભાવિક છે. અને જ્યારે ાવા નિકટના સંબંધ તૂટે ત્યારે તમે પણ ભાવનાત્મક રીતે પડી ભાંગો. હું પણ તેમાં અપવાદ નથી. પરંતુ સમય સઘળાં ઘા ભરી દે છે. હા, તેમાં થોડો વખત લાગે ખરો. મેં મારા માતાપિતા ગુમાવ્યા અને દાદીની નિકટ રહી. તેઓ પણ જ્યારે ચીરવિદાય લઈ ગયા ક્યારે મેં ધૈર્ય રાખવાનું શીખી લીધુૂં. આમ છતાં મને ભાવનાત્મક રીતે ઘણી તકલીફ પડી જ હતી. પરંતુ જે આપણા હાથમાં નથી હોતું તે આપણને સ્વીકારવું જ પડે છે.
મઝાની વાત એ છે કે રુખસારના તેની પુત્રી આયશા સાથેની સોશ્યલ મીડિયા પોસ્ટ કાસ્સી વાઈરલથતી રહે છે. રુખસાર પણ આ બાબતે બહુ ખુશ છે. તે કહે છે કે અમારું બોન્ડિંગ બહુ સરસ છે. મને મારી પુત્રી પર ગર્વ છે. તે મને ફેશનના અલગ અલગ ટ્રેન્ડ વિશે સુમાહિતગાર કરતી રહે છે. મને પણ આયશાને એકલપંડે ઉછેરવાની ટેવ પડી ગઈ છે. જો કે તે નાની હતી ત્યારે મારા માતાપિતા પાસે રહેતી હતી. કેટલાંક વર્ષ તે બોર્ડિંગમાં પણ રહી. અને હવે અમે બંને એકસાથે અમારું જીવન માણી રહ્યાં છીેએ. ઘણાં લોકો મને પૂછે છે કે શું મને એકલતા નતી સાલતી? હકીકતમાં મને જીવનસાતીની ખોટ નથી સાલતી. હા, કમ્પેનિયનસીપની ખોટ સાલે છે ખરી. પણ છેવટે મને એવો વિચાર પણ આવે છે કે આજે ક્યાં કોઈ સંબંધની ખાતરી છે? બહેતર છે કે જીવન જેમ ચાલી રહ્યું છે તેમ ચાલવા દો.
રુખસારે સ્પિરિચ્યુઅલ ચેટ શોનું સંચાલન કરવાનું સ્વીકાર્યું તેથી ઘણાં લોકોને આશ્ચર્ય થયું છે. પરંતુ અદાકારા કહે છેકે અધ્યાત્મ તરફ હમેશાંથી મારો ઝોક રહ્યો જ છે. મારા મતે અધ્યાત્મ આપણા મૂળિયાં છે. આ કારણે જ 'ધ વેદાસ સ્પીક અવર સ્પિરિચ્યુઅલ જીપીએસ' ની ઓફર લઈને મારી પાસે આવ્યાં હતાં. મને આ કોન્સેપ્ટ ગમી ગયો હતો. તેમાં વેદોની આધ્યાત્મિકતાને આજના સમય સાથે જોડવામાં આવશે. આજે આપણે દરેક વસ્તુ-બાબતને હળવાશથી લઈ લઈએ છીએ, તેની કદર નથી કરતા. અધ્યાત્મ આપણને દરેક વસ્તુની કદર કરતાં શીખવે છે. સ્પિરિચ્યુઅલિટી કોઈ ધર્મ, સમય સ્તિતિ કે સ્થળની મોહતાજ નથી.
રુખસાર પીઢ અભિનેતા અન્નુ કપૂર સાથે 'ઉત્તર દા પુત્તર' માં જોવા મળશે. તે રાજકુમાર સંતોષી સાથે પણ એક ફિલ્મ કરી રહી છે. અદાકારા કહે છે કે અન્નુ કપૂર સાથે કામ કરવાનો અનુભવ ખૂબ સરસ રહ્યો. તેઓ એક અચ્છા અભિનેતા છે. તેમને પોતાની કળાનું ઊંડુ જ્ઞાાન છે. તેઓ અત્યંત મેઘાવી છે. મારા શૉટ પૂરાં થઈ જાય તોય હું સેટ પર બેસી રહેતી જેથી તેમનું નીરિક્ષણ કરીને પણ ઘણું શીખી શકું.
જોકે રુખસાર રાજકુમાર સંતોષી સાથેની ફિલ્મ બાબતે કાંઈ કહેવા તૈયાર નથી. તે કહે છે હમણાં હું તેના વિશે કંઈ કહી શકું તેમ નથી. હા, એટલું ચોક્કસ કહીશ કે તેમની સાથે કામ કરવું મારા માટે ગર્વની વાત છે.