FOLLOW US

આરઆરઆરનાં ગીતનો ઓસ્કર-વિજયઃ નાચો... નાચો...!

Updated: Mar 16th, 2023


- શું 'આરઆરઆર'ની સિક્વલ બનશે? પાર્ટ-ટુ બની શકે એવું ભરપૂર કૌવત આ ફિલ્મમાં છે જ. રાજામૌલિ કદાચ હોલિવુડની ફિલ્મ પણ ડિરેક્ટ કરે! રાજામૌલિ માટે હવે સ્કાય ઇઝ ધ લિમિટ છે.

આ રઆરઆર'ના 'નાટો નાટો' ગીતના ઓસ્કરવિજયે તો આખા ભારતને નાચતું કરી દીધું છે. આ ફિલ્મની ગ્લોબલ સફળતાના પગલે તેના નિર્દેશક એસએસ રાજામૌલિના નામના પણ થઇ છે. ઓસ્કર સમારોહ પહેલાં 'હોલિવૂડ રિપોર્ટર' નામના સામયિકને રાજામોલિએ ઇન્ટરવ્યુ આપી રસપ્રદ નિરીક્ષણો શેર કર્યા હતાં. તેમને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે ભારતમાંથી ઓસ્કર માટે સત્તાવાર ફિલ્મ તરીકે 'આરઆરઆર'ની પસંદગી ન થઇ ત્યારે તેમને નિરાશા થઇ હતી?  રાજામૌલિએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, 'હા, મારા માટે આ એક નિરાશાજનક બાબત હતી, પણ અમે અમારી ફિલ્મની પસંદગી કેમ ન થઇ તેનો અફસોસ કરતાં બેસી રહેનારા લોકોમાંના નથી. જે થયું તે થયું અને હવે આપણે આગળ વધવું જોઇએ. અલબત્ત, 'છેલ્લો શો'ની પસંદગી થઇ તેનો મને આનંદ છે, કેમ કે આ પણ એક ભારતીય ફિલ્મ છે. એ વાત અલગ છે કે અમેરિકામાં બધા જાણતા હતા કે 'છેલ્લો શો'ની સરખામણીમાં 'આરઆરઆર' ફિલ્મને ઓસ્કર મળવાની વધારે તકો હતી.' 

રાજામૌલિએ અન્ય એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, 'એમ તો ૨૦૧૩માં ઇરફાન ખાન અભિનિત અને રિતેશ બાત્રા દિગ્દર્શિત 'લંચબોક્સ' ફિલ્મને પણ ભારતે ઓસ્કરની સત્તાવાર એન્ટ્રી  તરીકે મોકલી નહોતી.' ભારતની ઓસ્કર એવોર્ડમાં મોકલવાની ફિલ્મોને પસંદ કરનારી સમિતિ બાબતે રાજામૌલિએ જણાવ્યું હતું કે ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ભારતની ઓસ્કર એવોર્ડ માટે મોકલનારી સમિતિની રચના કેવી રીતે થાય છે અને આ સમિતિ કઇ ગાઇડલાઇન્સ અનુસાર ઓસ્કર માટે ફિલ્મની પસંદગી કરે છે તેની મને જાણ નથી. આ બાબતે કોઇ ટીકા ટિપ્પણ હું ન કરી શકું. મને ખરાબ એ બાબતનું લાગ્યું હતું કે 'લંચબોક્સ' ફિલ્મ ખરેખર ઓસ્કરને લાયક હતી અને અને તે એવોર્ડ માટે મોકલવા માટે પસંદ ન થઇ શકી.' 

રાજામૌલિ તેમની ફિલ્મને મળતાં એવોર્ડ બાબતે જણાવ્યું હતું કે 'હું નાણાં કમાવા માટે ફિલ્મો બનાવું છું. હું મારા દર્શકોને ધ્યાનમાં રાખીને ફિલ્મ બનાવું છું. એક વાર મારી ફિલ્મ કમર્શિયલી સફળ થાય એટલું હું ખુશ. એવોર્ડ અને અન્ય માનઅકરામ તો પછીની વાત છે. પણ 'લંચબોક્સ' એક અલગ ફિલ્મ હતી. જો આ ફિલ્મને ઓસ્કર એવોર્ડ મળ્યો હોત તો તે સમગ્ર ભારત માટે પણ એક મોટી સિદ્ધિ બની રહી હોત. તેને પગલે ઘણાં ફિલ્મ સર્જકોને  તેમની કથા રૂપેરી પડદે કહેવા માટે પ્રોત્સાહન મળ્યું હોત અને દુનિયાના લોકો સમક્ષ તેમની કથાઓ રજૂ થાત. આમ, એક મોટી તક ગુમાવવામાં આવી હતી એ વાતનું મને મને ખૂબ ખરાબ લાગ્યું હતું.' 

ખેર, ખરાબ લગાડવાની ક્ષણ હવે ગઈ. રાજામૌલિ અને એમની ટીમ જ નહીં, પણ સમગ્ર ભારતીય સિનેમા માટે 'નાટો નાટો'નો ઓસ્કરવિજય એક ગર્વાન્વિત સિદ્ધિ બની રહી છે. આવનારાં કેટલાંય વર્ષોમાં, કહોને કે હંમેશ માટે, આ ઓસ્કરવિજયને યાદ કરવામાં આવશે. 

'આરઆરઆર' પછી હવે શું? આ સવાલનો જવાબ સૌને જાણવો છે. શું 'આરઆરઆર'ની સિક્વલ બનશે? પાર્ટ-ટુ બની શકે એવું ભરપૂર કૌવત આ ફિલ્મમાં છે જ. માનો કે સિક્વલ બને તો તેને માટે રાહ જોવી પડે, કેમ કે રાજામૌલિ પહેલાં તો મહેશ બાબુ નામના સાઉથ ઇન્ડિયન સુપરસ્ટારને લઈને ફિલ્મ બનાવશે. ત્યાં સુધીમાં એમના લેખકપિતાશ્રી વિજયેન્દ્ર પ્રસાદ કદાચ સિક્વલની પટકથા રેડી કરી નાખે.  રાજામૌલિ હવે કદાચ હોલિવુડની ફિલ્મ પણ કરે, કોને ખબર? રાજામૌલિ માટે હવે સ્કાય ઇઝ ધ લિમિટ છે. 

Gujarat
News
News
News
Magazines