'સન ઓફ સરદાર-૨'ને પગલે અપ્રતિમ લોકપ્રિયતા મેળવનાર અદાકારા રોશની વાલિયા માત્ર આઠ વર્ષની હતી ત્યારથી અભિનય ક્ષેત્રે કાર્યરત છે. જે ઉંમરમાં બાળકોને હજી એ વાતની કલ્પના પણ માંડ હોય કે તેઓ શું બનવા માગે છે તે વયમાં રોશની સારી રીતે જાણતી હતી કે તે અભિનય કરવા માગે છે. મૂળે પ્રયાગરાજની માત્ર આઠ વર્ષની કન્યા અભિનય ક્ષેત્રે આવી શી રીતે એવો પ્રશ્ન થવો સહજ છે. આના જવાબમાં રોશની કહે છે..,
અમે રોડ ટ્રીપ પર મુંબઈ આવ્યાં હતાં અને અન્ય રાજ્યમાંથી મુંબઈ આવતાં લોકોને બોલીવૂડ જોવાની પ્રબળ ઇચ્છા હોવાની જ. મને અને મારી મમ્મીને પણ બોલીવૂડ લોહચુંબકની જેમ ખેંચતું હતું તેથી અમે એક ઓડિશન માટે ગયા. તે વખતે અમારા મનમાં કામ મેળવવાનો વિચાર લગીરેય નહોતો. અમે માત્ર એક વખત તેનો અનુભવ લેવા માગતા હતાં. મેં મારી આસપાસ સંખ્યાબંધ બાળકોને જોયાં. તેઓ મારાથી પહેલા ઓડિશન આપી ચૂક્યા હતાં. આવી સ્થિતિમાં મને પસંદ કરવામાં આવે એવી મેં કલ્પના પણ નહોતી કરી. પરંતુ અમારા આશ્ચર્ય વચ્ચે જે દિવસે અમે પરત ફરવાના હતાં તે દિવસે જ મને જણાવવામાં આવ્યું કે મારી પસંદગી થઈ ગઈ છે. બસ, તે ઘડીથી જ મારી દુનિયા બદલાઈ ગઈ. હું જે જગત જોવા આવી હતી તેનો ભાગ બની ગઈ. મને લાગે છે કે ઈશ્વરની કૃપા અને ઇચ્છા વિના આવું બનવું શક્ય નહોતું.
માત્ર આઠ વર્ષની ઉંમરે કામ શરૂ કરી દીધા પછી અત્યાર સુધી અવિરત કામ કરતાં રહેવું અને ભવિષ્યમાં પણ અભિનય જ કરવો, સાથે સાથે વ્યક્તિગત વિકાસ કરવો, આ સંતુલન સાધવું આસાન તો ન ગણાય. પરંતુ રોશનીને તેમાં કોઈ મુશ્કેલી નથી નડી. અભિનેત્રી કહે છે કે હું મારા ભાગ્યમાં આ કારકિર્દી લખાવીને આવી હતી. તેથી જાણે કે રમત રમતમાં મનોરંજન જગતમાં આવી પહોંચી. મને ખાતરી થઈ ગઈ કે હું અભિનય કરવા જ સર્જાઈ છું. અને જ્યારે તમે તમારું કામ ખરા મનથી કરો ત્યારે તમને તે બોજા સમાન ન લાગે. મારું સર્જન અભિનય કરવા થયું છે અને હું તે કરી રહી છું. બસ, વાત અહીંથી જ શરૂ થાય છે અને અહીં જ વિરામ પામે છે તેથી તેના વિશે ઝાઝો વિચાર કરવાનો પ્રશ્ન જ નથી આવતો. મેં મારા કામને એટલી સહજતાથી લીધું છે કે મારી જાતને ક્યારેય સ્પર્ધામાં નથી ધકેલી. મારું વ્યક્તિગત જીવન, મારી કારકિર્દી આપોઆપ સરસ રીતે આકાર પામતા રહ્યાં છે. મુંબઈએ અને મુંબઈગરાઓએ મને પ્રેમથી અપનાવી છે. ઈશ્વરે સ્વયં મને આ બધું આપ્યું છે.
રોશનીને એ વાતની ખુશી છે કે તે નાનપણથી પગભર થઈ ગઈ છે. તેને ક્યારેય કોઈના ઉપર આધાર રાખવાની જરૂર નથી પડી. બલ્કે તે તેના પરિવારને કામ આવી છે. જ્યારે જ્યારે તેના પરિવારજનોને તેની જરૂર પડી છે ત્યારે ત્યારે અદાકારા તેમની પડખે અડીખમ બનીને ઊભી રહી છે.
અભિનેત્રીને 'સન ઓફ સરદાર-૨'માં અજય દેવગણ અને મૃણાલ ઠાકુર જેવા ટોચના કલાકારો સાથે કામ કરવાની તક મળી તેથી તે ફૂલી નથી સમાતી. રોશની કહે છે કે અજય દેવગણની ઓરા, તેની હાજરી, તેની રીતભાત ગજબની પ્રેરણાદાયક છે. તેમની સાથે પડદા પર આવવું એ આજીવન સંભારણા સમાન લેખાય. અને મૃણાલ ઠાકુર તો મારી મોટી બહેન, મારા પરિવારના સભ્ય જેવી બની ગઈ છે. તે આટલી ટેલેન્ટેડ હોવા છતાં પણ કેટલી નમ્ર અને ભલી છે. આવા કલાકારો સાથે કામ કરવાની ફક્ત મઝા જ ન આવે, બલ્કે તેમની પાસેથી કેટલું બધું શીખવા પણ મળે.
અત્રે ઉલ્લેખનીય છે કે રોશનીએ તેની કારકિર્દીનો આરંભ ટીવી કમર્શિયલ્સ અને ટીવી સીરિયલોથી કર્યો હતો. તેણે 'મૈં લક્ષ્મી તેરે આંગન કી', 'બાલિકા વધૂ - કચ્ચી ઉંમર કે પક્કે રિશ્તે', 'દેવોં કે દેવ મહાદેવ' જેવી સંખ્યાબંધ ધારાવાહિકોમાં કામ કર્યું હતું. પછીથી તેણે 'મછલી જલ કી રાની હૈ', 'ગેંગ્સ ઓફ લિટલ્સ' જેવી ફિલ્મો કરી. પરંતુ 'સન ઓફ સરદાર-૨'એ તેને બોલીવૂડમાં ખરી ઓળખ આપી.


